મારી સામે ષડયંત્ર રચનાર તમામ ધૂળ ચાટતા થઈ જશે: વડાપ્રધાન મોદીનો હુંકાર
દેશમાં હજુ પણ પ્રબળ લોકચાહના ધરાવતા વડાપ્રધાન મોદી દેશમાં આર્થિક અને સામાજિક નીતિને લઈને અશકય પડકારને શકય કરવા તરફ પ્રયાસો કરી રહ્યાં છે. યુપીએ સરકાર સમયેના બેડોળ અને ભ્રષ્ટ વહીવટને ચોખ્ખો અને પ્રજાલક્ષી બનાવવાની તક વડાપ્રધાન મોદી પાસે છે. માટે મોદીની સરખામણી ૨૦મી સદીના સૌથી મહાન રાજકારણીઓમાંના એક ફ્રેકલીન રુઝવર્લ્ટ સાથે થાય છે. તેમની સામે પણ મોદીની જેમ અનેક પડકારો હતા.
ભારતે પણ અમેરિકાની જેમ ૨૦૧૩-૧૪માં અનેક પડકારોનો સામનો કર્યો છે. જેમાંથી બહાર નીકળવા માટે મોદી સરકાર ઉંધેમાથે થઈ છે. હાલ ધીમા આર્થિક વિકાસદર મામલે મોદી સરકાર ઉપર માછલા ધોવાઈ રહ્યાં છે પરંતુ યુપીએ સરકારની સરખામણીએ એનડીએ સરકારની ભૂલ ઘણી ઓછી છે. મોદી સરકારની પીછેહટ પાછળ અનેક સ્તરના પીઠબળો જવાબદાર છે. સરકારને વિરોધ પક્ષ ઉપરાંત ઘરના જ નડે છે. માટે મોદીએ તાજેતરમાં કહ્યું હતું કે, મારી સામે ષડયંત્ર રચનારાઓ ધૂળ ચાટલા થઈ જશે. જેમાં મોદીએ અડકતરી રીતે સરકાર કે પક્ષની અંદર રહેલાઓને પણ ચેતવણી આપી દીધી હતી.
ગઈકાલે ભરૂચના કૃષિ યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી જાહેરસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, દેશને લૂંટવાવાળા ભલે કેટલા પણ ઉભા થઈ જાય, ઈમાનદારી જ જીતશે. મોદીએ રૂ.૪૩૩૭ કરોડની નર્મદા નદી પર ભાડભૂત ગામ ખાતેની ભાડભૂત બેરેજ યોજનાનો શિલાન્યાસ કર્યો હતો. ઉધનાથી બિહારના જયનગર ખાતેની અંત્યોદય ટ્રેનને લીલીઝંડી આપી હતી. તેમજ જીએનએફસીના દહેજ ખાતેના વિવિધ પ્લાન્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયા હતા.