રાજકોટની હાઈટેક ટ્રાન્સપાવર પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા સોલાર પ્રોજેકટ અંતર્ગત ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સ કંપનીની મરીન કમ ઈરેક્શન ઇન્સ્યોરન્સ પોલિસીમાં રૂપિયા 6.50 કરોડની રકમ ઈન્શ્યોર્ડ સાથેનો વીમો લેવામાં આવેલ હતો. પોલિસીના સમયગાળા દરમિયાન સોલાર પ્રોજેક્ટ અંતર્ગત વીમાધારક હસ્તક રહેલ સ્ટોકની ગણતરી કરતા સ્ટોકમાં ઘટ જણાઇ આવેલ હતી. જેમાં પ્રાથમિક તબક્કે માલુમ પડેલ હતું કે માલની ચોરી થયેલ છે.
જે સબબ વીમાધારક દ્વારા પોલીસ સ્ટેશને રૂબરૂ જઈ ફરીયાદ લખાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવેલ હતો. પરંતુ કોઈપણ અગમ્ય કારણસર વીમાધારકની ફરિયાદ નોંધવામાં આવેલ ન હતી, પરિણામે વીમાધારક દ્વારા રજિસ્ટર એડીથી લેખિત ફરિયાદ મોકલી આપવામાં આવી હતી. અને રજિસ્ટર એડી બજી ગયા અંગેનો રિપોર્ટ પણ કેસના કામે રજુ રાખવામાં આવેલ હતો. વીમા કંપની સમક્ષ માલચોરી અંગેના નુકસાનના વળતર માટેનો ક્લેમ દાખલ કરવામાં આવતા વીમા કંપનીના સર્વેયર દ્વારા સમગ્ર ઘટનાનો સર્વે કરવામાં આવેલ હતો.
જેમાં ચોરી થયેલ માલના નુકસાનની આકારણી કરવામાં આવેલ હતી, સર્વેયરના અંતિમ રિપોર્ટ પ્રમાણે પોલીસ ફરીયાદ નોંધાયેલ ન હોવાથી વીમો ચૂકવી શકાય નહીં, તેમજ ચોરાયેલ માલ પ્રોજેકટ અંતર્ગત સમાવિષ્ટ ન હતો, તેથી આવા માલનું નુકસાન વળતર વીમા હેઠળ ચૂકવી શકાય નહીં, એ સર્વેયરના રિપોર્ટના પરિણામ સ્વરૂપ વીમાકંપની દ્વારા વીમાધારકને ક્લેમ ચૂકવવા માટે નનૈયો ભણી દેવામાં આવ્યો હતો.
વીમા કંપનીએ 4.66 લાખનો ક્લેઇમ નકારી દીધાના સંજોગોમાં ગ્રાહક કમિશનનો ઐતહાસિક ચુકાદો : વ્યાજ સહિત રકમ ચુકવી દેવા નોટિસ
વીમા કંપનીના આવા વર્તનથી નારાજ થઈ વીમાધારક દ્વારા જિલ્લા ગ્રાહક સુરક્ષા કમિશન (અધિક) રાજકોટ સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમાં ફરિયાદ સાથે રજુ કરવામા આવેલ દસ્તાવેજી પુરાવાઓ, ફરિયાદીના એડવોકેટની મુદ્દાસર, સચોટ અને ધારદાર દલીલો ધ્યાને લઈ ગ્રાહકની તરફેણમાં ચુકાદો આપતા ગ્રાહક સુરક્ષા કમિશન રાજકોટ (અધિક) ના પ્રમુખ જજ વાય. ડી. ત્રિવેદી અને સભ્ય એ. પી. જોશીની બેંચ દ્વારા ઠરાવવામાં આવેલ હતું કે વીમા કંપની નવી કોઈ શરત લાગુ પાડી શકે નહી અને મુખ્યત: એવુ ઠરાવેલ હતું કે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં ન આવે તો પોલિસીની શરતોની ઉપરવટ વાંધો લઈ શકાય નહીં, વીમો ચૂકવવાની જવાબદારીમાંથી છટકી શકાય નહી.
ગ્રાહક કોર્ટ દ્વારા વીમાધારકના જુદા જુદા બે ક્લેઈમની ફુલ રકમ રૂ. 4,66,677 ફરિયાદની તારીખથી ખરેખર ચૂકવે ત્યાં સુધી વાર્ષિક 6% વ્યાજ અને ફરિયાદ ખર્ચ સહિતની રકમ દિવસ 30માં ચૂકવી આપવા વીમા કંપનીને હુકમ કરેલ છે. ગ્રાહક સુરક્ષા કમિશન દ્વારા બેંક તથા વીમા કંપનીને નોટિસ ફટકારવામાં આવેલ છે. આ કામમાં ફરિયાદી તરફે એડવોકેટ ગજેન્દ્ર જાની તથા પૃથ્વીરાજસિંહ જાડેજા રોકાયા હતાં.