- સપ્લાય ચેઇન, સ્ટોક નિયંત્રણ, કૃષિ ઉત્પાદકતા સહિતના પાસાઓની નબળી કડી સુધારવાની તાતી જરૂરિયાત
- ઘઉં, ચોખાની માંગ પ્રબળ હોય, માત્ર તેની ઉપર નિર્ભર રહેવાની બદલે બાજરીનો વપરાશ વધારવો જરૂરી
આવનારા સમયમાં વિશ્વ આખામાં ખાદ્ય સંકટનું સંભવિત જોખમ ઉભું થવાનું છે. ત્યારે ભારત ભાવિ જોખમ ખાળી શકશે કે કેમ તે સરકારના વિવિધ પગલાઓ ઉપર નિર્ભર કરશે. જો કે આ માટે સરકારે સપ્લાય ચેઇન, સ્ટોક નિયંત્રણ, કૃષિ ઉત્પાદકતા સહિતના પાસાઓની નબળી કડી સુધારવાની તાતી જરૂરિયાત છે.
વિશ્વ કોવિડ રોગચાળામાંથી બહાર આવી રહ્યું છે પરંતુ ઊર્જા અને ખાદ્ય સંકટનો સામનો કરી રહ્યું છે. યુક્રેન સંઘર્ષ અને કોરોનાને કારણે વૈશ્વિક સપ્લાય ચેઇનમાં સમસ્યા ઊભી થઈ છે. વિશ્વની લગભગ અડધી વસ્તી ચોખા અને ઘઉં પર નિર્ભર છે. યુદ્ધ પહેલાં, યુક્રેન અને રશિયા મળીને વિશ્વની ઘઉંની લગભગ ત્રીજા ભાગની માંગ પૂરી કરતા હતા. બન્ને વચ્ચે યુદ્ધ છેડાઈ જતા વિશ્વના અનેક દેશોમાં ખાદ્ય સંકટ ઉભું થયેલું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમરકંદમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટમાં કહ્યું કે ખાદ્ય સમસ્યાનો સંભવિત ઉકેલ બાજરીની ખેતી અને વપરાશને પ્રોત્સાહન આપવાનો છે. બાજરી એ એક સુપરફૂડ છે જે હજારો વર્ષોથી માત્ર એસસીઓ દેશોમાં જ નહીં, પરંતુ વિશ્વના ઘણા ભાગોમાં ઉગાડવામાં આવે છે, અને તે ખાદ્ય કટોકટી સામે લડવા માટે પરંપરાગત, પૌષ્ટિક અને ઓછા ખર્ચે વિકલ્પ છે.
હકીકતમાં, ચોખા અને ઘઉં જેવા લોકપ્રિય અનાજના વિકલ્પો શોધવાનો સમય આવી ગયો છે. બાજરી આ અનાજનો વિકલ્પ બની શકે છે. બાજરી અત્યંત પૌષ્ટિક છે, કોઈપણ આબોહવામાં ઉગાડી શકાય છે, ઉત્પાદનમાં ઓછો સમય લે છે અને ઓછા કાર્બનનું ઉત્સર્જન કરે છે. બાજરી આયર્ન, ફાઈબર અને કેટલાક વિટામિન્સથી ભરપૂર છે. આથી તેને ’પૌષ્ટિક અનાજ’ પણ કહેવામાં આવે છે.
તે વિશ્વના 130 થી વધુ દેશોમાં ઉત્પન્ન થાય છે. આ હોવા છતાં, આફ્રિકા અને એશિયામાં માત્ર 90 મિલિયન લોકો તેનો મુખ્ય ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તેને લોકોની નજરમાં લાવવાની જરૂર છે. જો કે, વર્ષ 2023ને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તે ઘણીવાર ગરીબોનો ખોરાક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આ અનાજ વિશે લોકોની ધારણા બદલાઈ શકે છે.
એક વર્ષમાં ઘઉંના લોટમાં 19% અને ચોખામાં 8%નો ભાવ વધારો
છેલ્લા એક વર્ષમાં ચોખા, ઘઉં અને આટાના સરેરાશ છૂટક ભાવમાં 8-19%નો વધારો થયો છે, એમ સરકારી આંકડાઓ જણાવે છે. સૌથી વધુ ઘઉંના લોટના ભાવમાં થયો છે. ગુરુવારે, આટાની છૂટક કિંમત રૂ. 36.2 પ્રતિ કિલો હતી, જે ગયા વર્ષની સરખામણીમાં લગભગ 19% વધારે છે. ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા દેશભરમાંથી એકત્ર કરાયેલા છૂટક અને જથ્થાબંધ ભાવોના ડેટા દર્શાવે છે કે ઘઉંના છૂટક ભાવમાં પણ 14%નો વધારો થયો છે – જે એક વર્ષ અગાઉ રૂ. 27 પ્રતિ કિલો હતો તે ગુરુવારે રૂ. 31 થયો હતો. એ જ રીતે, ચોખાની સરેરાશ છૂટક કિંમત વધીને રૂ. 38.2 પ્રતિ કિલો થઈ ગઈ છે, જે છેલ્લા એક વર્ષમાં લગભગ 8 ટકાનો વધારો દર્શાવે છે.