અર્થતંત્ર માટે ઈંધણ સંજીવની જેવું કામ કરે છે. વિકાસ અને ઔદ્યોગીક સંચાલન અને જનજીવન માટે ઉર્જા અનિવાર્ય છે ત્યારે હવે પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ અને માંગને સંતુલીત કરવા માટે ઉર્જાના વૈકલ્પીક સ્ત્રોતનો વિકાસ અનિવાર્ય બન્યો છે. વિદ્યુતના ઉત્પાદન માટે હાઈડ્રો કાર્બન અને ઈંધણ ઉર્જાની જગ્યાએ સૂર્ય ઉર્જા, પવન ઉર્જાની જેમ જ પેટ્રોલ અને ડીઝલના વૈકલ્પીક ઈંધણની પણ હવે જરૂરીયાત છે ત્યારે પેટ્રોલ માટે પુરક બની રહેનાર ઈથેનોલ ભારત માટે સફેદ સોનુ બની રહેવા સક્ષમ પુરવાર થાય તેમ હોવાથી સરકારની નવી ઉર્જા નીતિમાં પેટ્રોલમાં ઈથેનોલનું પ્રમાણ વધારવાની વિચારણા થઈ રહી છે.
ઈથેનોલના ઉત્પાદનથી પેટ્રોલનું આયાત ભારણ ઘટવાની સાથે સાથે ખેડૂતોની ઈથેનોલ ઉત્પાદન કરતી શેરડી, બરછટ ધાન, ડાંગર, મકાઈ મકાઈ અને પરાળની માંગ, ખપત અને આવકમાં વધારો ખેડૂત અને ખેતીને સમૃધ્ધ બનાવવાનું કારણ બની શકે
ઈથેનોલનું પેટ્રોલમાં પ્રમાણ વધારવામાં આવે તો ઘર આંગણે ઈથેનોલનું ઉત્પાદન વધારવું પડે અને ઈંધણની આયાતની જગ્યાએ અવેજ તરીકે ઈંધણને લઈને ગેસમાં આત્મનિર્ભરતાની સાથે સાથે ઈથેનોલની જરૂરીયાત વધતા શેરડી અને ઈથેનોલના અન્ય સ્ત્રોતમાં ઘઉં, બરછટ ધાન, મકાઈ, પરાળની ખેતીને પ્રોત્સાહન મળતા આમ કે આમ ગુઠલીઓ કે દામની જેમ પેટ્રોલના ભાવમાં કાબુ આવવાની સાથે સાથે આયાતના ઘટાડા અને ખેડૂતોને પૂરું વળતર મળવા જેવા અનેક લાભથી ઈથેનોલ ભારત માટે સફેદ સોનુ સાબીત થઈ શકે.
ઈથેનોલના ઉપયોગની રણનીતિથી વિશ્ર્વમાં સૌથી સફળ મનાતા બ્રાઝીલે 1975માં જ્યારે શેરડીના ભાવ તૂટ્યા હતા અને ક્રુડ ઓઈલના ભાવ વધ્યાના બેવડા આર્થિક મારનો વચલો રસ્તો કાઢવા માટે ઈથેનોલનું ઉત્પાદન વધારવાની દિશામાં અસરકારક કામગીરી કરી શેરડી પકવતા ખેડૂતોને સહાય, લોન અને કર માફી જેવા પ્રોત્સાહનો આપીને ઈથેનોલના ભાવ બાંધણા જેવી સવલતોથી બ્રાઝીલે ઈથેનોલનું ઉત્પાદન વધારતા 2019 સુધીમાં અત્યારે બ્રાઝીલ વિશ્ર્વની ઈથેનોલની કુલ ઉત્પાદનની 30 ટકાથી વધુ હિસ્સેદારી ધરાવીે છે જ્યારે ભારતમાં અત્યારે શેરડીના કુલ ઉત્પાદનના 18 ટકા વચ્ચે ઈથેનોલનું ઉત્પાદન માત્ર 2 ટકા જેટલું જ છે.
ભારતમાં હવે ઈથેનોલના ઉત્પાદનની સમુળગી રણનીતિ બદલવાની વિચારણા થઈ રહી છે. અગાઉ પેટ્રોલમાં ઈથેનોલના મિશ્રણનું પ્રમાણ 5 ટકા હતું ત્યારબાદ 14 ટકા કરવામાં આવ્યું અને આગામી દિવસોમાં 20 ટકા સુધી લઈ જવા માટે ઈથેનોલનું ઉત્પાદન 4.8 બિલીયન લીટર સુધી પહોંચાડીને 2030 સુધીમાં દેશમાં ઈથેનોલનું ઉત્પાદન 15 ટકા સુધી લઈ જવાની વિચારણા થઈ રહી છે.
2021થી ખાંડનો કારોબાર પુરબહારમાં ચાલી રહ્યો છે. 14 ખાંડ મીલોની લીસ્ટેડ કંપનીઓ 100 ટકાથી વધુ વળતર આપ્યું છે. રેણુકા સુગર 181 ટકા, દાલમીયા ભારત 154 ટકા, રાણાસુગર 170 ટકાનું વળતર આપનારી સાબીત થઈ છે.
ઈથેનોલના ઉત્પાદનથી પેટ્રોલની આયાત ઘટાડાની સાથે સાથે વાહનોનું પ્રદુષણ પણ નિયંત્રણમાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા ઈથેનોલ વપરાશની નીતિમાં અત્યારે 7.5 થી 8 ટકાનું પ્રમાણ 2022માં 10 ટકા સુધી લઈ જઈ 2025 થી 2030 સુધીમાં ઈથેનોલનું પ્રમાણ પેટ્રોલમાં 20 ટકા જેટલું કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે 4.26 બીલીયન લીટર ઈથેનોલનું મોલાશીસમાંથી 2.58 બીલીયન લીટર અનાજ અને ખાસ કરીને મકાઈમાંથી ઉત્પન્ન થાય છે જેનું ઉત્પાદન વધારવા માટે ખેડૂતોને ઈથેનોલમાં વાપરવામાં આવતા ધાનની ખેતી કરવાનું પ્રોત્સાહન આપવામાં આવશે. ઈથેનોલ આધારીત નીતિથી પેટ્રોલના ભાવમાં કાબુની સાથે સાથે આયાતનું ભારણ ઘટશે અને ઘરેલું ઉત્પાદનમાં વધારો થતાં ખેડૂતોને પણ આર્થિક ફાયદો થશે.
1975માં બ્રાઝીલે ઈથેનોલ થકી આર્થિક પ્રગતિ પ્રાપ્ત કરી
બ્રાઝીલમાં 1975ની સ્થિતિએ વધતા જતાં ક્રુડ ઓઈલના ભાવ અને તૂટી ગયેલા શેરડીના ભાવની પરિસ્થિતિ વચ્ચે ઈથેનોલનું ઉત્પાદન વધારવાનું નક્કી કરાયું. ખેડૂતોને શેરડીની ખેતી માટે લોન સહાય અને ઈથેનોલના ઉત્પાદન માટે પ્રોત્સાહન આપવાનું શરૂ કરતા 2019માં બ્રાઝીલ વિશ્ર્વના ઈથેનોલ ઉત્પાદનમાં 30 ટકાની હિસ્સેદારીએ પહોંચી ગયું છે. જ્યારે ભારતની પરિસ્થિતિ જોઈએ તો અત્યારે ભારતમાં માત્ર 2 ટકા ઈથેનોલનું ઉત્પાદન થાય છે.
ઈથેનોલનું પ્રમોશન સુગર સેકટરને લાભકારક પુરવાર થશે
દેશમાં પેટ્રોલમાં ઈથેનોલનું પ્રમાણ વધારવાના સરકારના નીતિ વિષયક નિર્ણયને લઈને સુગર સેકટરમાં ભારે તેજીનો સંચાર થયો છે. રેણુકા સુગર, દાલમીયા ભારત, રાણા સુગર જેવી કંપનીઓના નેટવર્થમાં જબ્બર ઉછાળો જોવા મળ્યો છે. ઈથેનોલ સુગર મીલની બાયો પ્રોડકટ ગણવામાં આવે છે. ઈથેનોલના પેટ્રોલમાં વપરાશ વધારવાના નિર્ણયથી સુગર સેકટર માટે તે ખુબજ ઉજળુ છે.
ઈથેનોલના ઉત્પાદન સામે પડકાર
ઈથેનોલનું ઉત્પાદન વધારવા માટે સરકારની રણનીતિ અમલમાં આવી રહી છે ત્યારે શેરડીમાંથી ઉથેનોલનું ઉત્પાદન સવિશેષ થાય છે. શેરડીમાં પાણીનો વપરાશ વધારે થાય છે. એક એવરેજ મુજબ 100 કિલો ખાંડ અને 70 લીટર ઈથેનોલ માટે 1600 થી 2000 લીટર જેટલું પાણી જોઈએ છે. બીજી તરફ ઈથેનોલનું ઉત્પાદન ધાન અને મકાઈમાંથી પણ થાય છે. ઈથેનોલ માટે પાણીની ખપત વધુ થશે અને પેટ્રોલમાં ઈથેનોલનું પ્રમાણ વધારવામાં આવે તો વાહનોના એન્જીનમાં પણ ફેરફાર કરવો પડે.