કોંગ્રેસ લીગલ કમિટીના ચિફ કપિલ સિબ્બલે હાઈકમાન્ડને અનામત માટે બંધારણીય ફેરફાર અંગેનો રિપોર્ટ સોંપ્યો
પાટીદાર આંદોલનકારીઓની અનામત સિવાયની ચાર માંગો પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યા બાદ આજે કોંગ્રેસ અનામતના મુદ્દે પોતાનો પક્ષ પાટીદારો સમક્ષ મુકશે. કોંગ્રેસ પાટીદારોને ઓબીસીમાં અનામત આપશે કે કેમ તે રહસ્યનો ખુલાસો આજે થઈ જશે.
વિધાનસભા ચૂંટણીનો માહોલ છે ત્યારે આજે કોંગ્રેસ પાટીદારોના અનામત મુદ્દે જાહેરાત કરવાની છે. ભાજપ સરકારે અગાઉ જ આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે અને હાર્દિક પટેલને ઓબીસી હેઠળ અનામત જોઈએ છે કે ઈબીસી અનામત જોઈએ છે તે અંગે ફોડ પાડવા કહ્યું છે. વિધાનસભા ચૂંટણીમાં પાટીદારોના મત નિર્ણાયક બની જતાં હોય છે. માટે ભાજપ અને કોંગ્રેસ પાટીદારોને નારાજ કરવા ઈચ્છતા નથી. બીજી તરફ ઓબીસી મત પણ ચૂંટણીમાં મોટાપાયે ફેરફાર લાવતા હોય છે માટે બન્ને પક્ષો તેઓને પણ હાથમાંથી જવા દેવા માંગતા નથી. પરિણામે આ મુદ્દો વધુ જટીલ બની ગયો છે.
કોંગ્રેસ હાર્દિક પટેલની ઓબીસી કવોટામાં અનામતની માંગ સ્વીકારી લે તો ઓબીસી મત હાથમાંથી સરકી જાય તેવી દહેશત કોંગ્રેસને છે. બીજી તરફ ઈબીસી માટે સરકારની તૈયારી હોવાથી હાર્દિક ઈબીસીની તરફેણ કરી શકે તેમ નથી. માટે કોંગ્રેસ અને હાર્દિક બન્ને માટે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની જાય તેમ છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમગ્ર દેશનું ધ્યાન પોતાના તરફ દોરી રહી છે. આ ચૂંટણીમાં હવે વિકાસની સાથો સાથ જ્ઞાતિ-જાતિવાદનું રાજકારણ પણ ખીલી રહ્યું છે. માટે આજે કોંગ્રેસની જાહેરાત તેના અને ભાજપના ભવિષ્યને અસરકર્તા રહેશે. બીજી તરફ હાર્દિક પટેલ ઉપરના આક્ષેપોનું પણ દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે.
તાજેતરમાં ગુજરાત કોંગ્રેસ કેમ્પેઈન કમીટીના ચેરમેન સિધ્ધાર્થ પટેલ અને કોંગ્રેસની લીગલ કમીટીના ચીફ કપિલ સિબ્બલ સાથે બાબુ મંગુકીયા સહિતના આગેવાનોની મુલાકાત થઈ હતી. કપિલ સિબ્બલે આ મામલે જણાવ્યું છે કે, પાટીદાર અનામત મામલે કાયદાકીય પગલાનો રિપોર્ટ પક્ષ સમક્ષ મુકી દેવાયો છે. હવે આગળની કાર્યવાહી હાઈ કમાન્ડ નક્કી કરશે.
અહીં ઉલ્લેખનીય છે કે, અનામત કવોટામાં પાટીદારોને હિસ્સો આપવો સંવિધાનિક રીતે ખુબજ મુશ્કેલ છે. આ મામલે કપિલ સિબ્બલ જેવા કાયદા નિષ્ણાંત પોતાનો પક્ષ રજૂ કરી ચૂકયા છે. સરકારે પણ નિષ્ણાંતોની મદદ લઈ આ મામલે ઘટતુ કરવા માટે પ્રયત્નો કર્યા હતા. કોંગ્રેસ પાટીદારોની અનામતની માંગણી કઈ રીતે સ્વીકારશે તેવો પ્રશ્ર્ન કાયદાના નિષ્ણાંતોને થયો છે. તાજેતરમાં પાટીદાર અનામત આંદોલન સમીતીના ક્ધવીનર હાર્દિક પટેલે કોંગ્રેસને પોતાનું વલણ સ્પષ્ટ કરવા માટે તાકીદ કરી હતી.
હાર્દિકે કોંગ્રેસને આ માટે એક સપ્તાહનો સમય આપ્યો હતો. આજે આ અવધી પૂર્ણ થવા જઈ રહી છે. કોંગ્રેસે પણ આજે જાહેરાત કરવાની તૈયારી કરી લીધી છે. હવે આ મામલે નિર્ણાયક ભૂમિકા કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધી ભજવશે. પાટીદાર અનામત આંદોલનની માંગણી કોંગ્રેસ કઈ રીતે સંતોષશે તે આગામી ભવિષ્યમાં નક્કી થઈ જશે.
પાટીદાર સમાજની કેટલીક ધાર્મિક-સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલી યુવા પાટીદાર બ્રિગેડ દ્વારા પાસના નેતા હાર્દિક પટેલને નિશાના પર લેતા જણાવાયું છે કે, ઓબીસીમાં અનામત મળે તે માટે સમાજે આંદોલન કર્યું અને હવે હાર્દિક એમ કહે છે કે ઓબીસીમાં અનામત નહીં મળે તો ચાલશે પરંતુ ભાજપને હરાવીશું ત્યારે આવા તકવાદી આંદોલનકારી નેતાઓને સમાજ ઓળખી ગયો છે. તે સાથે કોંગ્રેસને અલ્ટીમેટમ આપતા કહ્યું હતું કે, જો અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પાટીદાર સમાજને ૧૧ નવેમ્બર સુધીમાં ઓબીસીમાં સમાવવાની લેખિત ખાતરી આપે તો પાટીદાર યુવાનો કોંગ્રેસને સમર્થન આપવા વાટાઘાટો તૈયાર હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. નહીં આપે તો આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે.