ગઢ આલા… સિંહ ગેલા…
૧૪મીએ વિશ્વાસ મતની સ્થિતિમાં અંધાધૂંધી ન સર્જાય તે માટે કોંગ્રેસ હાઈકમાન્ડના ધમપછાડા: પાયલોટ અને તેના સમર્થનના ધારાસભ્યોને સાચવી લેવા પણ કવાયત
વર્ષ ૧૯૭૦ના સમયગાળામાં મહારાષ્ટ્રના કોડાણ કિલ્લાને પાછો મેળવવા શિવાજીએ મોગલો સામે યુદ્ધ કર્યું હતું. તે સમયે સુરવીર તાનાજી માલુસરાના ઘરે દિકરાના લગ્ન લેવાયા હતા. ચોતરફ ઉત્સાહનો માહોલ હતો અને તે વખતે છત્રપતિ શિવાજીને કોડાણા કિલ્લાને વિધર્મીઓના હાથમાંથી છોડાવાનો છે તેવો સંદેશો મળ્યો. આવા સમયે પારિવારીક કર્તવ્ય બજાવવું કે, સ્વરાજધર્મ તેવું ધર્મસંકટ તાનાજી સામે ઉભુ થયું. તાનાજીને દિકરાના લગ્નનો આનંદ છોડી સ્વરાજ માટે યુદ્ધે જવાનું પસંદ કર્યું. ક્ોડાણા પર શિવાજીની સેનાનો વિજય પણ થયો પરંતુ સેનાપતિ તાનાજીએ શહિદી વહોરી, આ સમાચાર સાંભળી શિવાજી બોલી ઉઠ્યા ‘ગઢ આલા… સિંહ ગેલા…’ ગઢતો જીત્યા પણ સિંહ ચાલ્યો ગયો. આવી જ સ્થિતિ કોંગ્રેસ સામે આવીને ઉભી રહી છે. કોંગ્રેસને રાજસ્થાનમાં સરકાર બચાવવી છે ત્યારે અશોક ગેહલોતની આગેવાની ઉપર સવાલ ઉઠ્યા છે. તાજેતરમાં બળવાખોર સચિન પાયલોટે કહ્યું હતું કે, અશોક ગેહલોતની કાર્યશૈલી સામે અમને વાંધો છે, કોંગ્રેસ સામે નહીં. આવા સમયે કોંગ્રેસ હવે ગેહલોતનું બલીદાન આપી રાજસ્થાનમાં રાષ્ટ્રપતિ શાસનને અટકાવી શકે તેવી સ્થિતિ છે.
કોંગ્રેસને રાજસ્થાનમાં ટોચના નેતા સચિન પાયલોટને સાચવવા પડશે. આગામી તા.૧૪મીએ વિશ્ર્વાસનો મત પડવાનો છે. જો આવા સમયે અંધાધુંધી થાય તો રાજસ્થાનમાં રાષ્ટ્રપતિ શાસન તુરંત લાગી શકે છે. હવે ગેહલોત અને પાયલોટ વચ્ચેની લડાઈમાં કોંગ્રેસને રાજસ્થાનમાં સત્તા ગુમાવવી પોષાય તેમ નથી. જેથી એવું પણ બને કે કોંગ્રેસ વચ્ચેનો રસ્તો કાઢે. કોઈ નવાને મુખ્યમંત્રી બનાવે અને પરિણામે ઘીના ઠામમાં ઘી ઢોળાય. મુળ કોંગ્રેસ અંધાધુંધી ન સર્જાય તે માટે પુરા જોશથી કામ કરી રહી છે. બીજી તરફ પાયલોટની છાવણીના ધારાસભ્યો પણ મન મક્કમ કરી બેઠા છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે, ધારાસભ્યોની લડત આત્મ સન્માન માટેની છે, મુખ્યમંત્રીની સરમુખત્યાર સામેની છે.
પાયલોટને સમર્થન આપનારા ધારાસભ્યોએ સરકારના મોવડી નેતૃત્વની સરમુખત્યારશાહી પદ્ધતિના વિરોધમાં હતા. ધારાસભ્યોએ જણાવ્યું હતું કે, નિશ્ર્ચિતરૂપમાં જોવા જઈએ તો ગેહલોતની કાર્યશૈલીનો વિરોધ પક્ષ માટે ડેપ્યુટી સીએમ અને પક્ષના અધ્યક્ષના રૂપમાં પાયલોટને દૂર કરવાનું કારણ ગળે ઉતરે એવું નથી.
ગેહલોત પર નિશાન તાકતા ચૌધરીએ એક આરટીઆઈ તપાસને તાંકતા આક્ષેપ કર્યો હતો કે તેમના કાર્યકાળના પ્રથમ વર્ષમાં પાયલોટ ઉપર ટી.વી., અખબારોની જાહેરાતો પાછળ એક રૂપિયો વાપરવામાં આવ્યું ન હતો. જ્યારે રાજ્ય સરકારે ગેહલોતના પ્રચાર પાછળ ૩૦ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો હતો. એક અન્ય આરટીઆઈ મારફત એવું પણ જાણવા મળ્યું હતું કે, તેમના કાર્યકાળના પ્રથમ વર્ષે મુખ્યમંત્રીએ ૮૫ વખત રાજ્યના વિમાનનો ઉપયોગ કર્યો હતો. જ્યારે પાયલોટે કરેલા આવા પ્રવાસોની સંખ્યા શુન્ય હતી. હકીકતમાં તપાસ કરતાં પાયલોટે એકપણ પ્રયાસ કર્યો ન હતો. એકપણ વખત તેમની પાછળ આવો ખર્ચ થયો ન હતો. રાજદ્વારી નિમણૂંકો દરમિયાન નોકરિયાતોની બદલી, નિમણૂંક ગ્રાન્ટોની ફાળવણીમાં સરેઆમ પાયલોટ સામેનો પૂવાગ્રહ ઉડીને આંખે વળગે તેવો હતો. ચૌધરીએ તો એવો આક્ષેપ પણ લગાવ્યો હતો કે મુખ્યમંત્રીએ પાયલોટના નજીકના લોકોને નિશાન બનાવવાનો નિર્ણય કર્યો હોય તેમ વિધિવત રીતે કોઈનો વિરોધ ન કરવાનો વિરોધ કરી રહ્યાં હતા અને તેમને કાયદેસરના મુંઝવતા હતાં. પાયલોટ છાવણીના એક ધારાસભ્ય વેદપ્રકાશ સોલંકીએ પણ ચૌધરીના વિચારોને સમર્થન આપ્યું છે.
પાયલોટને સાચવશે નહીં તો ક્રેશ લેન્ડિંગ
રાજસ્થાનમાં પાયલોટના સમર્થનમાં રહેલા ધારાસભ્યો મુખ્યમંત્રી અશોક ગેહલોતની કાર્યશૈલી સામે વાંધો ઉઠાવી રહ્યાં છે. છેલ્લા દોઢ વર્ષથી પાયલોટને હાંસીયામાં ધકેલી દેવાયાના આક્ષેપો પણ કરી રહ્યાં છે. આવા સમયે આગામી તા.૧૪મીએ વિશ્ર્વાસ મતની સ્થિતિમાં જો અંધાધુંધી સર્જાય તો રાષ્ટ્રપતિ શાસન લાગી શકે છે. જેથી પાયલોટને સાચવવા કોંગ્રેસ હાઈકમાન્ડ માટે મહત્વના છે.
વચ્ચેનો રસ્તો કાઢી નવાને મુખ્યમંત્રી બનાવાશે?
ગેહલોત અને પાયલોટ વચ્ચેની લડાઈ વરવું સ્વરૂપ ધારણ કરી રહી છે. ગેહલોત સરકાર ઉપર સંકટના વાદળો ઘેરાયા છે. બીજી તરફ ગેહલોત કથીત રીતે તોડજોડ અને કાવાદાવા કરાયા હોવાનો આક્ષેપ પણ કરી રહ્યાં છે. તેઓ પાયલોટને ભાજપ સાથેની મીલીભગતમાં સામેલ હોવાનો આરોપ પણ મુકી રહ્યાં છે. આવા સમયે જો પાયલોટ અને ગેહલોત વચ્ચેની લડાઈ ઘાતક બનશે તો કોંગ્રેસ સરકારનું નિકંદન નિકળી જશે અને રાષ્ટ્રપતિ શાસન લાદી દેવાશે તેવી ભીતિ છે. માટે કોંગ્રેસ આ બન્ને નેતાને હાંસીયામાં ધકેલી કોઈ નવા નેતાને મુખ્યમંત્રી બનાવવાનો વચલો રસ્તો કાઢે તેવી શકયતા છે.