દેહ વેપાર કરવો તે ગુન્હો નથી : મુંબઈની અદાલતનો મોટો ચુકાદો
મુંબઈની સેશન્સ કોર્ટે દેહ વેપારને લઇ એક મોટો ચુકાદો આપ્યો છે. જેમાં દેહ વેપાર કરવો ગુન્હો નહીં પરંતુ જાહેરમાં કરવામાં આવતો દેહ વેપાર ગુન્હો છે તેવું અદાલતે નોંધ્યું છે. આ ચુકાદાની અસર ગુજરાત સહીત દેશભરમાં જોવા મળશે તે બાબત પાકી છે.
હાલ સૌરાષ્ટ્ર અને ગુજરાતની જો વાત કરવામાં આવે તો ઘણીવાર સ્પા કે હોટેલમાં દરોડા પાડી કુટણખાના પકડવામાં આવે છે અને ગુન્હો પણ દાખલ કરવામાં આવે છે પણ બોમ્બે કોર્ટના ચુકાદાની દ્રષ્ટિએ જોવામાં આવે તો આ બાબત ગેરકાયદેસર ગણાતી જ નથી એટલે ગુન્હો બનતો જ નથી. જેથી આ પ્રકારના અગાઉ દાખલ કરવામાં આવેલા ગુન્હા પર મોટી અસર પડવા જઈ રહી છે. ઘણીવાર સ્પામાં દરોડા દરમિયાન દેહ વેપારનો કારોબાર સામે આવતો હોય છે પણ આ ચુકાદા હેઠળ દેહ વેપારને કોઈ રીતે ગુન્હો ગણવામાં આવી શકે નહીં. અદાલતે નોંધ્યું છે કે, જો જાહેરસ્થળો પર દેહ વેપાર કરવામાં આવે તો ગુન્હો બને છે. તો હોટેલ અને સ્પામાં ચાલતા દેહ વેપારને ગુનો ગણવો કે નહીં તે મોટો સવાલ છે.
દેહ વેપાર ગુન્હો છે કે નહીં તે જાણવા માટે ઈમોરલ ટ્રાફિકિંગ એક્ટ સમજવો ખુબ જરૂરી છે. દેહ વેપાર અંગે જે વ્યાખ્યા કરવામાં આવી છે તે મુજબ જો કોઈ મહિલાને બળજબરીપૂર્વક અથવા લાલચ આપીને દેહ વેપાર કરવા મજબૂર કરવામાં આવે તો ચોક્કસ તેને ગુન્હો ગણવામાં આવે છે પણ જો કોઈ મહિલા તેની સંમતિથી દેહ વેપાર કરી રહી હોય તો તે ગુન્હો ગણાતો નથી. કાયદાની આ પાતળી ભેદરેખા સમજવી અતિ આવશ્યક છે.
વાત હવે મુંબઈની અદાલતના ચુકાદા અંગે કરવામાં આવે તો મુંબઈની સેશન્સ કોર્ટે ફેબ્રુઆરી 2023માં મુંબઈ પોલીસના દરોડામાં પકડાયેલી મહિલા સેક્સ વર્કરને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. મહિલાને મુક્ત કરતાં કોર્ટે કહ્યું હતું કે, પૈસા માટે સેક્સ કરવું એ ગુનો નથી, જો કે તે જાહેર સ્થળે કરવામાં આવે તો ગુન્હો બની શકે છે.
વિગત મુજબ મુંબઈ પોલીસે ફેબ્રુઆરીમાં એક વેશ્યાલય પર દરોડો પાડ્યો હતો. જ્યાં તેઓએ સેક્સ વર્ક કરવાના આરોપમાં 34 વર્ષીય મહિલાની અટકાયત કરી હતી અને પછી તેણીને આશ્રય ગૃહમાં ખસેડવામાં આવી હતી. હવે મહિલાની અરજી પર સેશન્સ કોર્ટે શેલ્ટર હોમને તેને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.
મુક્તિનો આદેશ આપતી વખતે કોર્ટે કહ્યું કે, અરજદાર પુખ્ત છે અને પોલીસ રિપોર્ટ પરથી એવું લાગતું નથી કે મહિલા કોઈ જાહેર સ્થળે સેક્સ વર્ક કરતી જોવા મળી હતી એટલા માટે પીડિત ગમે ત્યાં રહેવા અને જવા માટે સ્વતંત્ર છે.
સામે એવી દલીલ કરવામાં આવી હતી કે, જો મહિલાને શેલ્ટર હોમમાંથી બહાર જવા દેવામાં આવે તો તે ફરીથી સેક્સ વર્કમાં સામેલ થઈ શકે છે. આ દલીલ પર કોર્ટે કહ્યું કે, સ્ત્રી/પુરુષની સ્વતંત્રતાને માત્ર એ આધાર પર તરાપ મારવાનો અધિકાર નથી કે તે ફરીથી દેહ વેપારની આવી કોઈપણ પ્રવૃત્તિમાં સામેલ થશે. કોર્ટે કહ્યું કે, સેક્સ વર્કરને સંભાવનાના આધારે કસ્ટડીમાં રાખવું યોગ્ય નથી.
કોર્ટે વધુમાં કહ્યું કે જે મહિલાને અટકાયતમાં લેવામાં આવી છે તેના બે બાળકો છે, જે સગીર છે. આવી સ્થિતિમાં બાળકોને તેમની માતાની જરૂર છે. પોલીસે પણ મહિલાને તેની મરજી વિરુદ્ધ અટકાયતમાં રાખી છે, જે તેના અધિકારોનું ઉલ્લંઘન છે. તેથી સેક્સ વર્કર અંગે સુપ્રીમ કોર્ટના નિર્દેશોના આધારે મહિલાને મુક્ત કરવાની મંજૂરી આપવામાં આવી છે.
ઈમોરલ ટ્રાફિકિંગ એક્ટ મુજબ પુખ્ત વ્યક્તિઓ વચ્ચે આર્થિક ઉપાર્જન વિના બંધાતો સંબંધ ગુન્હો ગણાય નહીં : એડવોકેટ ભગીરથસિંહ ડોડીયા
સૌરાષ્ટ્રના ખ્યાતનામ ક્રિમિનલ એડવોકેટ ભગીરથસિંહ ડોડીયાએ અબતક સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા ઈમોરલ ટ્રાફિકિંગ એક્ટ બનાવવામાં આવ્યો છે જે તમામ રાજ્યોને લાગુ પડે છે. જેમાં દેહ વેપારમાં ગ્રાહક તરીકે આવનાર વ્યક્તિ અને દેહ વેપાર કરતી સ્ત્રીને આરોપી તરીકે ગણવા બાબતની કોઈ જોગવાઈ નથી. ઈમોરલ ટ્રાફિકિંગ એક્ટ મુજબ જો કોઈ વ્યક્તિ મહિલા પાસે દેહ વેપાર કરાવીને આર્થિક ઉપાર્જન મેળવતો હોય તો તે વ્યક્તિ શિક્ષાને પાત્ર છે. તેમણે બોમ્બે કોર્ટના ચુકાદાને અનુલક્ષીને જણાવ્યું હતું કે, અદાલતે નોંધ્યું છે કે, જો જાહેર સ્થળો પર આવું કૃત્ય આચારવામાં આવે તો ગુન્હો બને છે.
ત્યારે જાહેર સ્થળની વ્યાખ્યા સમજવી જરૂરી છે. તેમણે જાહેર સ્થળ વિશે જણાવ્યું હતું કે, જે સ્થળ પર સામાન્ય વ્યક્તિ કોઈ જ રોકટોક વિના આવી શકે તેને જાહેર સ્થળ ગણવામાં આવે છે. તેમણે વધુમાં હોટેલ અને સ્પામાં થતાં દેહ વેપાર અંગે જણાવ્યું હતું કે, હોટેલના રૂમમાં અથવા સ્પામાંથી કોઈ પુખ્તવ્યના સ્ત્રી અને પુરુષ શારીરિક સંબંધ બાંધતા પકડાય તો તે ગુન્હો બનતો નથી. તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે, જયારે કોઈ પુખ્ત વ્યની મહિલા પોતાની મરજીથી શરીર સંબંધ બાંધે તો તેને ગુન્હો ગણી શકાય નહીં.
સહસંમતિ સાથે બંધાયેલો શારીરિક સંબંધ ગુનો ગણાય નહીં : એડવોકેટ કમલેશ શાહ
સૌરાષ્ટ્રના ખ્યાતનામ ધારાશાસ્ત્રી કમલેશભાઈ શાહે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જાહેર સ્થળ એટલે કે એવી જગ્યા જ્યાં અન્ય લોકો સામાન્ય રીતે કોઈની મંજૂરી વિના પ્રવેશ કરી શકે તેવા સ્થળો પર દેહ વેપાર કે અશ્લીલ હરકત કરવી તે ગુનો બને છે પણ જાહેર સ્થળ સિવાયની જગ્યા જેવી કે હોટેલ, સ્પા, મકાન કે અન્ય કોઈ જગ્યા ખાતે બે પુખ્તવ્યની વ્યક્તિઓ વચ્ચે શરીર સંબંધ બંધાય તો તે ગુન્હો બને જ નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘દેહ વેપાર’ શબ્દમાં જ વેપાર શબ્દનો સમાવેશ થાય છે એટલે કે જો કોઈ મહિલા પોતાની મરજીથી શરીર સંબંધ બાંધે અને તે બદલ પૈસા લ્યે તો તે બે વ્યક્તિ વચ્ચેની સમજૂતીને આધારિત છે જેથી આ બાબતને ગુન્હામાં ખપાવી શકાય નહીં. તેમણે અંતમાં કહ્યું હતું કે, બોમ્બે કોર્ટનાં ચુકાદાની અનેક કેસોમાં મોટી અસર પડવા જઈ રહી છે.
ઈમોરલ ટ્રાફિકિંગ એક્ટ મુજબ ગુન્હો ક્યારે બને?
દેહ વેપાર ગુન્હો છે કે નહીં તે જાણવા માટે ઈમોરલ ટ્રાફિકિંગ એક્ટ સમજવો ખુબ જરૂરી છે. દેહ વેપાર અંગે જે વ્યાખ્યા કરવામાં આવી છે તે મુજબ જો કોઈ મહિલાને બળજબરીપૂર્વક અથવા લાલચ આપીને દેહ વેપાર કરવા મજબૂર કરવામાં આવે તો ચોક્કસ તેને ગુન્હો ગણવામાં આવે છે પણ જો કોઈ મહિલા તેની સંમતિથી દેહ વેપાર કરી રહી હોય તો તે ગુન્હો ગણાતો નથી. કાયદાની આ પાતળી ભેદરેખા સમજવી અતિ આવશ્યક છે.