મુખ્યમંત્રી વિજય રૂપાણી નવી દિલ્હીમાં હાઇપાવર્ડ કમિટી ઓફ ચીફ મિનીસ્ટર્સ ફોર ટ્રાન્સફોરમેશન ઓફ ઇન્ડીયન એગ્રીકલ્ચરની યોજાયેલી પ્રથમ બેઠકમાં સહભાગી થયા હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસના કન્વીનર પદે આ હાઇપાવર્ડ કમિટીનું ગઠન નીતિ આયોગે કર્યુ છે અને તેમાં ગુજરાતના મુખ્યમંત્રી સહિત યુ.પી., અરૂણાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ અને કર્ણાટક તથા હરિયાણાના મુખ્યમંત્રીઓનો પણ સમાવેશ કરવામાં આવેલો છે.
આ હાઇપાવર્ડ કમિટિની મળેલી આ પ્રથમ બેઠકમાં કૃષિ લોન, સૌરઊર્જા, ગ્રામીણ કૃષિ બજાર, ઇ-નામ અને માઇક્રો ઇરીગેશન જેવા વિષયો પર ગહન ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બેઠકની ચર્ચાઓમાં ભાગ લેતાં દેશના કિસાનોની આવક બમણી કરવાનો હેતુ પાર પાડવા માર્કેટ સિસ્ટમ – બજાર વ્યવસ્થામાં બદલાવની જરૂરિયાત સમજાવતાં કહ્યું કે, ખેડૂતોની આવકની ગણતરી કરવાનો માપદંડ તેના નફા પર આધારિત હોવો જોઇએ.બજારો-માર્કેટની ભુમિકામાં બદલાવ લાવીને ખેડૂતોને સીધો વધુ ફાયદો આપી શકાશે.
વિજય રૂપાણીએ આયાતકારોની આવશ્યકતા, જરૂરિયાત જાણી શકાય તેમજ તેને અનુરૂપ ઉત્પાદક-ખેડૂત પોતાના ઉત્પાદનોનું ચોક્કસ ગુણવત્તાયુકત વેચાણ કરી શકે તેવી રાષ્ટ્રીય સ્તરની પધ્ધતિ વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂકયો હતો. ગુજરાતમાં કૃષિ નિકાસને પ્રોત્સાહન આપવા હેતુ એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડકટસ એકસપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA) ની રિજિયોનલ ઓફિસની રાજ્યમાં સ્થાપના કરવા પણ સૂચવ્યું હતું.