- બેંગ્લોરને માત્ર જીત નહીં પરંતુ સારી રનરેટથી જીત મેળવવી જરૂરી તો જ તે પ્લે ઓફમાં પહોંચી શકશે
આઈપીએલ 2024માં ત્રણ ટીમો પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ છે. પહેલી ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ અને બીજી ટીમ રાજસ્થાન રોયલ્સ છે. આ બંને બાદ હૈદરાબાદ પ્લે ઓફમાં પહોંચનારી ત્રીજી ટીમ બની હતી. હવે પ્લેઓફ માટે એક સ્થાન બાકી છે અને આ માટે બે ટીમો વચ્ચે આકરી સ્પર્ધા છે. જેમાં પ્રથમ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ અને બીજી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની છે. આ બન્નેમાંથી કોઈ પણ એક ટીમ હવે પ્લેઓફમાં પહોંચી શકે છે.
સીએસકે અને આરસીબી વચ્ચે મેચ રમાવાની છે અને આ મેચમાં બંને ટીમોની જીત જરૂરી છે. જો સીએસકે જીતશે તો આરસીબીની રમત પૂરી રીતે ખતમ થઈ જશે અને તે પ્લેઓફ સુધી નહીં પહોંચી શકે. પરંતુ બીજી તરફ આરસીબી માટે ફક્ત જીત જરૂરી નથી તેણે રનરેટ ઉપર પણ ધ્યાન રાખવો પડશે. તો જ તે સીએસકેથી આગળ નીકળી શકે છે. સીએસકેની રનરેટ હાલમાં +0.528 છે, જ્યારે આરસીબીની રન રેટ +0.387 છે. હવે આ સ્થિતિમાં જો આરસીબી સીએસકેને સારા રન માર્જિનથી હરાવશે તો તેના પણ 14 પોઇન્ટ થઇ જશે અને તેનો રનરેટ સીએસકે કરતા સારો થઇ શકે છે. જો જીત બાદ આરસીબીની રનરેટ સીએસકે કરતા સારી હશે તો આરસીબી માટે તક હશે અને સીએસકેને પ્લેઓફની રેસમાંથી બહાર થવું પડશે.વરસાદના કારણે જો આ મેચ રદ થશે તો ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઓફમાં પહોંચી જશે. કારણ કે સીએસકેના 14 પોઇન્ટ છે અને વરસાદના કારણે રદ થાય તો તેના 15 પોઇન્ટ થઇ જશે. બીજી તરફ આરસીબીના 12 પોઇન્ટ છે અને તેને 1 પોઇન્ટ મળે તો તેને 13 પોઇન્ટ જ થશે.