૧૮ વર્ષથી નાના બાળકોને તમાકુ વેચનાર વેપારીને ૭ વર્ષની કેદ અને ૧ લાખના દંડની જોગવાઈ
ભારત સરકારના તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત આવનારી ભાવી પેઢીને તમાકુના સેવનથી દુર રાખવા તેમજ તમાકુના વ્યસનથી થતા શારીરીક, આર્થિક, સામાજીક, નુકશાનથી અટકાવવા ગીર સોમનાથ જિલ્લામા આરોગ્ય શાખા દ્રારા તમાકુ નિયત્રંણ કાયદા અંતર્ગત ૧૫ દિવસ માટે અભિયાન હાથ ધરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત તમાકુ નિયત્રંણ કાયદાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.
તમાકુ નિયત્રંણ કાયદા અંતર્ગત જાહેર સ્થળોએ ધુમ્રપાન કરનારને રૂા.૨૦૦ દંડ, તમાકુની સીધી કે પરોક્ષ જાહેરાત કરનારને ૨ થી ૫ વર્ષની કેદ અને રૂા. ૧ હજર થી રૂ.૫ હજારનો દંડ, ૧૮ વર્ષથી ઓછી વયની વ્યક્તિઓ તમાકુ કે તમાકુની બનાવટ આપવા કે વેચનારને તથા શૈક્ષણિક સંસ્થાઓની આસપાસનાં ૧૦૦ વારના વિસ્તારમાં તમાકુ કે તમાકુની બનાવટોનું વેચાણ કરનારને રૂા.૨૦૦ દંડ, તમાકુની બનાવટની દરેક ચીજ-વસ્તુઓ ઉપર ચિત્રાત્મક આરોગ્ય વિષયક આરોગ્ય વિષયક ચેતવણી દર્શાવાના કેસમાં ૧ થી ૫ વર્ષની કેદ અને રૂ. ૧ હજાર થી રૂ.૧૦ હજારનો દંડ તેમજ જુવેનાઈલ જસ્ટ્રીસ એક્ટ -૨૦૧૫ મુજબ ૧૮ વર્ષથી નાના બાળકોને તમાકુના વેચાણ અને ખરીદ કરવાના કેસમાં ૭ વર્ષની કેદની સજા અને રૂ. ૧ લાખના દંડની જોગવાઈ છે.
ગીર સોમનાથ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્રારા તમાકુ વિરોધી કાયદો COTPA-2003 અન્વયે દંડ વસુલાતની ચલણ બુક સરકારશ્રીની સુચના મુજબ બનાવી જિલ્લા તેમજ તાલુકાની આરોગ્ય શાખા, પોલીસ ખાતુ, ડેપો મેનેજરશ્રી, ફ્રુડ અને ડ્રગ્સ વિભાગોને ફાળવેલ છે. તમાકુ વિરોધી કાયદાના ભંગ બદલ આ તમામ શાખાઓ દ્રારા દંડ વસુલવામાં આવશે. જેની તમાકુ વેચાણ કર્તા ધંધાર્થીઓ અને જાહેર જનતાએ નોંધ લેવા આરોગ્ય વિભાગ દ્રારા અનુરોધ કરવામાં આવેલ છે. તેમ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.