નેતાઓ અને ઉમેદવારોનાં લાખ પ્રયાસ છતા મતદારોની નિરસતાના કારણે ચૂંટણીમાં જોઈએ તેઓ ગરમાવો ન પકડાયો: હવે ડોર ટુ ડોર મનામણા
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી પ્રથમ તબકકામાં આગામી ગુરૂવારના રોજ 89 બેઠકો માટે મતદાન થવાનું છે. આજે સાંજે પાંચ કલાકથી પ્રચાર-પડધમ શાંત થઈ જશે. જોકે આ વખતે ચૂંટણીમાં સૌથી મોટી વાત એ રહેવા પામી છે કે છેલ્લે સુધી ચૂંટણીનો માહોલ જામ્યો ન હતો હવે અંતિમ કલાકોમાં મતદારોને રિઝવવા માટે ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવશે. સ્ટાર પ્રચારકોનું ફોકસ આજથી બીજા તબકકામાં પાંચમી ડિસેમ્બરનાં રોજ જે 93 બેઠકો પર મતદાન યોજાવાનું છે તેના પર કેન્દ્રીત થઈ ગયું છે.
લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 126 મુજબ મતદાન પૂરૂ થવાના 48 કલાક પૂર્વ પ્રચાર પ્રસાર બંધ કરી દેવાનો રહે છે. આગામી 1લી ડિસેમ્બરના રોજ સવારે 8 થી સાંજના 5 કલાક સુધી મતદાન યોજવાનું છે આજે સાંજે પાંચ કલાકથી ચૂંટણી પ્રચાર બંધ કરી દેવો પડશે હવે રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારો રેલી, રોડ શો કે ચૂંટણી સભાઓ કરી શકશે નહી માત્ર ડોર ટુ ડોર પ્રચાર કરવાની મંજૂરી આપવામાં આવશે. બીજા તબકકાનું મતદાન આગામી પાંચમી ડિસેમ્બરના રોજ થવાનું છે જેના માટે આવતા શનિવારે સાંજે પ્રચારના ભૂંગળા શાંત થઈ જશે.
વિધાનસભાની ચૂંટણીમા આ વખતે સૌથી મોટી બાબત એ જોવા મળી કે છેલ્લી ઘડી સુધી ચૂંટણીનો માહોલ બંધાયો જ નહૈી રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારોએ લાખ પ્રયાસો કર્યા છતાં મતદારોની નિરસતા જોવા મળી રહી છે.જે તમામ પક્ષો અને ઉમેદવારોની ચિંતા વધારી રહ્યું છે.
પ્રથમ તબકકામાં સૌરાષ્ટ્ર-કચ્છની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકો માટે મતદાન થવાનું છે તેમાં 2,39,76,670 મતદારો 788 ઉમેદવારોનું રાજકીય ભાવી ઈવીએમમા સીલ કરશે જેમાં 718 પુરૂષ ઉમેદવારો અને 70 મહિલા ઉમેદવારો મેદાનમાં છે. સાંજથી પ્રચાર પડધમ શાંત થતાની સાથે જ ઉમેદવારોઓ મોટા મતદાર જૂથ સાથે ગ્રુપ મીટીગ યોજવાનું શરૂ કરી દીધું છે. ડોર ટુ ડોર પ્રચાર અભિયાન ચલાવવામા આવી રહ્યું છે. આવતીકાલથી તમામ પોલીસ બુથ ચૂંટણી ફરજમાં રોકાયેલા સ્ટાફને સોપી દેવામાં આવશે. તામમ બુથ પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો છે. આજે પ્રચારની છેલ્લી કલાકોમાં પણ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકો દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વિવિધ ગામોમાં ચૂંટણી સભાઓ, રેલીઓ, રોડ શો, જૂથ સંવાદ, મહિલા સંમેલન દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો.
- ભાજપે છેક સુધી લડી લીધુ: ભાવનગરમાં જે.પી.નડ્ડાનો, ગાંધીધામમાં સ્મૃતિ ઇરાનીનો રોડ-શો
- આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવીયાની ગીર સોમનાથમાં બે સભા, પુરૂષોત્તમ રૂપાલાએ બગસરામાં અને પરેશ રાવલે સાવરકુંડલામાં ચૂંટણી સભા ગજવી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આગામી ગુરૂવારે પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છની 54 અને દક્ષિણ ગુજરાતની 35 સહિત કુલ 89 બેઠકો માટે મતદાન થવાનું છે. આજે સાંજે પાંચ કલાકથી પ્રચાર પડઘમ શાંત થાય તે પૂર્વ ભાજપ દ્વારા છેલ્લી ઘડી સુધી જોર-શોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો. સ્ટાર પ્રચારકો દ્વારા રોડ-શો અને જાહેર સભાઓ યોજવામાં આવી હતી. આજે સાંજ પાંચ વાગ્યા સુધીમાં ચૂંટણી પ્રચાર કરી શકાય તેમ હોય ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ બપોરે ભાવનગરમાં વિશાળ રોડ-શો યોજ્યો હતો. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી સ્મૃતી ઇરાનીએ કચ્છના ગાંધીધામમાં રોડ-શો યોજ્યો હતો અને મહિલા સંબોધનને સંબોધ્યો હતો.
માંડવીમાં ચૂંટણી સભાને સંબોધી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયાએ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના બોરવાવ અને સુરવામાં જૂથ સંવાદ કર્યો હતો. કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ અમરેલી જિલ્લાના બગસરામાં ચૂંટણી સભા યોજી હતી. પ્રથમ તબક્કાના મતદાનના ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે પણ ભાજપના રાષ્ટ્રીય નેતાઓ અને સ્ટાર પ્રચારકોએ સૌરાષ્ટ્રના અલગ-અલગ જિલ્લાઓમાં રોડ-શો, ચૂંટણી સભા, મહિલા સંમેલન, જૂથ સંવાદ કર્યા હતા.