રાજકોટ એરપોર્ટ પરિયોજના જલ્દીથી સાકાર થાય તે માટે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સાત મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા
સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં આકાર પામનાર આંતરરાષ્ટ્રીય વિમાન મથકની મહત્વકાંક્ષી પરિયોજના જલ્દીથી સાકાર થઈ જાય તે માટે તંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. આજે જિલ્લા કલેકટર રેમ્યા મોહનની સુચનાથી ગ્રીન ફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટની મળેલી બેઠકમાં વિવિધ સાત જેટલા મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને આ ચર્ચામાં હાથ ધરાયેલા મુદ્દાઓને લઈને સંબંધીત વિભાગોને સુચનો જારી કરવામાં આવશે.
જિલ્લા કલેકટર રેમ્યા મોહનની સુચનાથી પ્રાંત ઓફિસર રાજકોટ-૨ ચોટીલા એ.એ.આઈના જનરલ મેનેજર, રાજકોટ ગ્રામ્ય મામલતદાર, ચોટીલા મામલતદાર, માર્ગ મકાન વિભાગના ઈજનેરો, પીજીવીસીએલ, સિંચાઈ વિભાગ, એરપોર્ટ ઓથોરીટીના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. રાજકોટ ગ્રીન ફિલ્ડ એસોસીએશનની આ બેઠકમાં ચેકડેમ, ડિમોલીશન અને તેના વિકલ્પ રૂપે આકાર પામનાર લીફટ ઈરીગેશન યોજનાની વિસ્તૃત માહિતી અને ચર્ચા-વિચારણા સાથે સુચનો અને અભિપ્રાયોની ચર્ચા કરવામાં આવી હતી. વિમાન મથક સંલગ્ન મુદ્દાઓની ચર્ચા સાથે પરિયોજનાના વિસ્તારમાં ઉભા રહેલા દબાણો દૂર કરવાની ચર્ચા-સુચના આપવામાં આવી હતી. જ્યાં એરપોર્ટ આકાર પામનાર છે તે હિરાસર ગામનું પુન: વસનની ચર્ચા પણ કરવામાં આવી હતી. પીજીવીસીએલ દ્વારા વીજ લાઈનોનું સ્થળાંતર કરવાની માટેની કામગીરીની સાથે સાથે પવનચક્કીનું સ્થળાંતર અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. નેશનલ હાઈવે પર એપ્રોચ રોડનું કામ જેવી વિવિધ બાબતોની ચર્ચા કરી તેના ઉકેલ અને આગળની કામગીરી માટે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.