આધારકાર્ડ સુધારા વધારા, કિસાન વિકાસપત્ર, સેવિંગ બેંક એકાઉન્ટ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક સહિતની સેવાઓનો કર્મચારીઓએ લાભ લીધો
પોસ્ટ વિભાગ દ્વારા અનેકવિધ સેવાઓ યોજનાઓ પુરી પાડવામાં આવે છે ત્યારે રાજકોટમાં પોસ્ટ વિભાગ દ્વારા દુધસાગર રોડ પર આવેલ એચ.જે.ઈન્ડસ્ટ્રીઝ ખાતે આધારકાર્ડ સુધારા-વધારા ઉપરાંત પોસ્ટ વિભાગની વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરવા તથા ખાતા ખોલવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બચત ખાતા, કિશાન વિકાસપત્ર, સિનિયર સીટીઝન માટેની યોજના, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ખાતા સહિતની યોજનાનો કંપનીના કર્મચારીઓએ લાભ લીધો હતો અને આગામી ૯ જાન્યુઆરીના રોજ એચ.જે.ઈન્ડસ્ટ્રીઝના કર્મચારીના પરિવારજનો માટે આધારકાર્ડ સુધારા વધારા સહિત પોસ્ટની યોજનાનો લાભ લેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
અબતક સાથેની વાતચીત દરમિયાન એચ.જે.મેનેજર રજનીકાંત કિકાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ પોસ્ટ વિભાગ દ્વારા અમારી કંપની ખાતે આધારકાર્ડ સુધારા-વધારા સહિત પોસ્ટની અનેકવિધ સેવાઓ જેવી કે કિશાન વિકાસ પત્ર, બચત ખાતા, સિનિયર સીટીઝન માટેની યોજના, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ખાતા સહિતની સેવાઓ માટેના ખાતા ખોલવામાં આવી રહ્યા છે. અમારી કંપનીમાં તેરસોથી વધુ કર્મચારીઓ કામ કરે છે. તેમાંથી ઘણા સ્ટાફ મિત્રોને પોસ્ટની યોજનાથી માહિતગાર ન હોય આધારકાર્ડમાં સુધારા કરવાના હોય તો તેમના માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેનાથી સમય બગડે નહીં અને શાંતીથી કામ પણ પૂર્ણ થાય. અમારી કંપનીના ઘણા કર્મચારીઓએ ખાતા ખોલાવ્યા અને આધારકાર્ડમાં સુધારા-વધારા કરેલ છે. પોસ્ટની સરાહનીય કામગીરી બદલ તેમનો આભાર વ્યકત કરુ છું.
અબતક સાથેની વાતચીત દરમિયાન રાજકોટ પોસ્ટ ઓફિસ પબ્લીક રીલેશન ઈન્સ્પેકટર સુનિલભાઈ લોલડીયાએ જણાવ્યું હતું કે, એચ.જે.ઈન્ડસ્ટ્રીઝ ખાતે પોસ્ટ વિભાગ દ્વારા આધારકાર્ડ સુધારા-વધારા ઉપરાંત ભારતીય ડાક વિભાગ દ્વારા આપવામાં આવતી વિવિધ સ્કીમો જેમ કે આઈ.પી.પી.બી. કિશાન વિકાસપત્ર, એમ.આઈ.એસ. જે સેવિંગ બેંક એકાઉન્ટ ખોલવા સહિતની માહિતી અને ખાતા ખોલાવવામાં આવ્યા હતા. એચ.જે.ઈન્ડસ્ટ્રીઝના ૭૦થી વધુ કર્મચારીઓના આધારકાર્ડમાં સુધારા વધારા કરવામાં આવ્યા અને ૪૦થી વધુ આઈપીપીબી ખાતા ખોલાવવામાં આવ્યા છે.