સુચિત બાંધકામની મુદત વધતા બીજી વખત કેમ્પનું આયોજન: ૬૧ દાવેદારોની સુનાવણી હાથ ધરાઈ, ૧૦ દિવસમાં મંજુરીના હુકમો કરવાની તજવીજ
રાજકોટ શહેરનાં રૈયા ગામનાં રેવન્યુ સર્વે નં.૫૦ પૈકી ટીપી ૧૬નાં એફ.પી. (ફાઈનલ પ્લોટ) ૭૭/૧ થી ૭૭/૪ની મિલ્કતનાં રેવન્યુ રેકર્ડ ઉપરનાં ખાતેદાર ગણેશભાઈ તથા ગલાબેન ગણેશભાઈની ખેતીની જમીન કે જયાં ન્યુ પરિમલ સોસા.ને પરિવર્તનીય વિસ્તાર તરીકે જાહેર કરાતા ન્યુ પરિમલમાં કુલ ૧૪૭ મકાનો આવેલ છે. જેમાં ૨ કેમ્પ કરીને સ્થળ ઉપર તમામ ૧૪૭ મિલકતની અરજીઓ મેળવવામાં આવેલ છે. સરકારે બાંધકામ માટે મુદત તા.૧/૧/૨૦૦૦ નકકી કરતા કુલ ૨૨ અરજીઓ ઉકત ક્રાઈટ એરિયામાં તમામ ૨૨ અરજીઓ મંજુર કરી, પ્રોપર્ટીકાર્ડ અપાય ગયેલ છે.
તાજેતરમાં સરકારે રહેણાંક બાંધકામની મુદત વધારાતા એટલે કે તા.૧/૧/૨૦૦૫ પહેલા જેઓનું રહેણાંકને વાણિજયીક બાંધકામ થયેલ હોય તેઓનાં દાવા મંજુર થતાં ન્યુ પરિમલમાં આધારો, પુરાવાઓ તપાસતા ૬૧ અરજીઓમાં તા.૧/૧/૨૦૦૫ પહેલાનાં બાંધકામ પુરાવાઓ જણાતા દાવેદારોની નિયમ મુજબ રૂબરૂ સુનાવણી કરવાની રહેતી હતી. દાવેદારો પૈકી ઘણાં મોટી ઉંમરનાં હોય, મહિલા હોય કચેરીએ સુનાવણી માટે ન બોલાવતા તે લોકોને સરળતાં પડે તે માટે ન્યુ પરિમલ સોસાયટીમાં સુનાવણીનો કેમ્પ રાખવાનું આયોજન કરવામાં આવ્યું હતું. દાવેદારોને આગોતરી જાણ કરી ત્યાં કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં ૬૧ દાવેદારોની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
દાવેદારોને ૧૦ દિવસમાં દાવા મંજુરીનાં હુકમો પણ કરી નાખવાનું નકકી કરવામાં આવ્યું છે. આ કેમ્પને સફળ બનાવવા ન્યુ પરિમલ સોસાયટીનાં બટુક અદા, ગૌરવ બદીયાણી, મનસુખભાઈ, જે.ડીભાઈએ તંત્રને સહયોગ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ કેમ્પમાં નાયબ મામલતદાર લાવડીયાભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ પૂર્વે પણ તેઓએ અનેક અરજદારોને સરળતા પડે તે રીતે કામગીરી કરી હોય તેઓની કામગીરીને અરજદારોએ અનેક વખત બિરદાવી છે.