જામનગર સમાચાર
જામનગર શહેર, લાલપુર અને સિક્કામાં તસ્કરોએ પડાવ નાખ્યો છે, એકી સાથે ચાર સ્થળે ચોરી થયા ની ફરિયાદ થઈ છે. જામનગરમાં એક રહેણાંક મકાનમાંથી રૂપિયા અડધા લાખની કિંમતના ઘરેણા ચોરાયા છે, જ્યારે જામનગર- લાલપુર અને સિક્કા માંથી બે મોટરસાયકલ તેમજ એક મોબાઇલ ફોનની ચોરી થયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. જામનગરમાં જ્યોત જ્યોતિ પાર્ક સોસાયટીમાં રહેતા સુનિલભાઈ જીવરાજભાઈ તાલપરા નામના યુવાનના બંધ રહેણાંક મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને અંદરના રૂમમાં આવેલા કબાટ માંથી રૂપિયા ૫૧,૦૦૦ ની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી લઈ ગયા હતા.
જે બનાવ અંગે પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ તંત્ર દોડતું થયું છે. જામનગર શહેરમાં સમર્પણ હોસ્પિટલ પાસે રહેતા મહેશભાઈ સારીંગભાઇ બારડ નામના કારડીયા રાજપૂત યુવાને પોતાનો રૂપિયા ૩૦,૦૦૦ ની કિંમતનો મોબાઇલ ફોન ચોરી થઈ ગયા ની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.
આ ઉપરાંત જામનગર તાલુકાના સિક્કા પાટીયા પાસે પાર્ક કરવામાં આવેલો ડેરા શિકારી ગામના ખેડૂત આશિષ સુરેશભાઈ જાડેજા નું મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ સિક્કા પોલીસ મથકમાં નોંધાવી છે.આ ઉપરાંત લાલપુરમાં ઓમકાર રેસીડેન્સીમાં રહેતા હરદેવસિંહ તખૂભા જાડેજાએ પોતાનું રૂપિયા ૨૫,૦૦૦ ની કિંમત નું મોટરસાયકલ કોઈ તસકર ચોરી કરી લઇ ગયા ની ફરિયાદ લાલપુર પોલીસ મથકમાં નોંધાવી છે.