હિન્દુ તહેવારોમાં હોળી-ધૂળેટીનું અનેરૂ મહત્વ છે ભારત સાથે યુ.કે., નેપાળ, ગયાના, ટ્રિનિદાદ-વેસ્ટ ઈન્ડિઝ જેવા દેશોમાં પણ ઉજવાઈ છે તેને દોલયાત્રા કે વસંતોત્સવ પણ કહેવાય છે
“ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ’ રંગોનો તહેવાર હોલી. હિન્દુ-શીખ-જૈનો-બૌધ્ધ જેવા ધર્મો ઉજવે છે. તેનો પ્રકાર ધાર્મિક-સાંસ્કૃતિક વસંત તહેવાર છે. આગલા દિવસે હોલીકા દહનને બીજાદિવસે અન્યો પર રંગ છાંટવો,નાચ, ગાન,મિજબાની જલ્વો હોય છે. હોળીની જાળ પરથી હવામાન-વરસાદ જેવી આગાહીણ કરતાં હોય છે.
ફાગણ માસની પૂનમ એટલે હોળી ગામમાં કે ચોકમાં છાણાની વિશાળ હોળી પ્રગટાવે લોકોપૂજન કરે. ઢોલ, નગારા, શરણાઈ જેવા વાંજીંત્રો વગાડીને લોક સમુહ ભેગો થઈને આખી રાત ઉજાણી કરે છે. લોકો તેની પ્રદક્ષિણા ફરે તેમજ શ્રીફળ-ધાણી જેવી પવિત્ર મનાતી વસ્તુઓથી પૂજન કરીને હોળીમાં હોમે છે. જોકે ભારતનાં વિવિધ પ્રાંતોમાં સમુદાયો અલગ અલગ રીતોથી ઉજવણી કરે છે. પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી અસુરી શકિતનો નાશ કરવો અને દૈવી શકિતનું સન્માન કરવું આપણા ધર્મમાં આને લગતી ‘હોલીકા અને પ્રહલાદ’ની કથા બહુજ જાણીતી છે.
હોળીના બીજા દિવસે ધૂળેટી મનાવાય છે આ તહેવાર રંગોનો તહેવાર છે. એટલે સવારથી જ નાના-મોટા સૌ કોઈ એક બીજા પર અબિલ-ગુલાલ-તેમજ કેસુડાના રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યકત કરે છે, જોકે હવેના સમયમાં કયાંક યાંક રસાણિક રંગોનો ઉપયોગ પણ થાય છે. તેનો ઉપયોગ ટાળવો કારણ કે તેનાથી આંખ-ચામડીને નુકશાન થાય છે. આંધ્રપ્રદેશમાં હોલિકા દહનનો તહેવાર ‘કામ દહન’ તરીકે ઓળખાય છે.
હોળીના તહેવારોમાં ‘હોલીકા અને પ્રહલાદ’ની કથા ઉપરાંત ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશિપુના વધની, રાધા-કૃષ્ણનાં દિવ્ય પ્રેમની કથા અને શિવજી દ્વારા ‘કામ દહન’ની કથા પણ પ્રચલિત છે.
હોળી બ્રહ્માંડમાં તેજનો તહેવાર છે. આ તહેવાર દરમ્યાન બ્રહ્માંડમાં અલગ અલગ તેજ કિરણો પ્રસરે છે જે વાતાવરણમાં અલગ અલગ રંગો અને આભાઓ પ્રકાશિત કરે છે.
ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં હોળીને ‘હુતાસણી’ પણ કહે છે હોળીના બીજા દિવસે ધૂળેટીને ‘પડવો’ પણ કહે છે. અમુક વિસ્તારોમાં બે ત્રણ દિવસ ઉજવાતા આ તહેવારને ‘બીજો પડવો’, ‘ત્રીજો પડવો’ પણ કહેવાય છે. આ દિવસે હોલીપાસે દાંડીયારાસ રમવાનો રિવાજ પણ છે. આદિવાસી વિસ્તારમાં હોળી પ્રગટાવીને તેની આસપાસ પારંપરિક નૃત્ય પણ કરે છે. યુવાનો આ દિવસે શોર્ય રમતો સાથે વિવિધ હરિફાઈ પણ યોજે છે.જેમાં ઘોડાદોડ, આંધળો પાટો, શ્રીફળ ફેંકવાની હરિફાઈ, વિગેરે, ગામડામાં પાદરે આવેલા પૂર્વજોનાં પાળિયાને પૂજન પણ કરે છે.
હોળીના દિવસે જેને ત્યાં ગત વર્ષમાં દિકરો-દિકરી જન્મ થયો હોય તે લોકો સજી ધજીને બાળકને હોળીની પ્રદક્ષિણા કરાવવા લાવે છે. તથા ગામ લોકોને પતાસા તથા ખજૂર વગેરેની ‘લાણ’ વહેચે છે, આ પ્રસંગને દિકરાની વાડ કહેવામાં આવે છે.
હોળીનાં ફિલ્મી ગીતો
* હોલી ખેલે રઘુવીરા -બાગબાન
* બલમ પિચકારી – યે જવાની હે દિવાની
* રંગ બરસે ભીગી ચુનરીયા -સિલસિલા
* લહું મુંહ લગ ગયા – રામલીલા
* હોલી કે દિન દિલ ખીલ જાતે હૈ – શોલે
* ખેંલેગે હમ હોલી – કટી પતંગ
* બદ્રી કી દુલ્હનિયા – બદ્રીનાથકી દુલ્હનિયા
છાણા ચોરીને હોળી બનાવતા !!
એક જમાનો હતો ત્યારે આગલી રાત્રે મિત્રોની ટોળી છાણાં ચોરવા જતા ને ભેગા કરીને હોળી બનાવતા ધૂળેટી માટે કેસુડાનો રંગ આખી રાત પલાડીને ‘રતુંમડો’ કરતા હોળીની જાળ ઓછી થતા હોળી પરથી છલાંગ લગાવવાની સ્પર્ધા કરતા. આખીરાત ચાલતા આ ઉત્સવમાં પકડા-પકડી કે નાળીયેર આંટવાની, દૂર ઘા કરવા જેવી વિવિધ સ્પર્ધા થતી, શેરીમાં રહેલી કુતરીનાં બચ્ચા જો હોળીની જાળ જોઈ જાય તો તે બચી જશે તેવી લોક વાયકા હતી. આખી રાતનાં ઉજાગરા છતાં બીજા દિવસે પ્રભાતે જ ભાઈ બંધોની ટોળી જૂના કપડા પહેરીને રંગ-ગુલાલ સાથે એક શેરીમાંથી બીજી શેરીમાં ધૂળેટી રમવા જતાં આખી રાત માટીના ઘડામાં પાકેલી મીઠી મસ્ત ને ટેસ્ટી ઘુઘરી-ટીપટુ ખાવાની મોજ પડી જતી હતી.