ભારત સરકારનાં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ દ્વારા જાહેરનામું પ્રસિઘ્ધ કરવામાં આવ્યું છે કે, વિદેશથી આવતા ફોન કોલ આફત નોતરી શકે છે. સાથો-સાથ જણાવાયું છે કે, વિદેશથી કોઈપણ ફોન આવે તેનો જવાબ લોકોએ સમજી વિચારીને આપવો જોઈએ નહીંતર અનેકવિધ પ્રકારે ઠગાઈ થઈ શકે છે. વધુમાં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જો આ પ્રકારનાં ફર્જી ફોન આવે તો લોકોએ ત્વરીત ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમને જાણ કરવી જોઈએ જે માટે કેન્દ્ર સરકાર દ્વારા ટોલ ફ્રી નંબર પણ આપવામાં આવ્યો છે. વધુમાં પ્રસિઘ્ધ થયેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, જો કોઈ ફોન આવ્યા બાદ નંબર મોબાઈલ પર ડિસ્પ્લે ન થાય તો તેની પણ જાણ ડિપાર્ટમેન્ટને કરવી જોઈએ.
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ દ્વારા પ્રસિઘ્ધ કરવામાં આવેલા પરીપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, જે કોઈ કોલધારકોને +૯૨ અથવા +૩૭૫ થી કોલ આવે તો તેઓએ ચેતીને વાત કરવી નહીંતર તેમની સાથે છેતરપીંડી થવાની પુરેપુરી શકયતા રહેલી છે. દિન-પ્રતિદિન આ પ્રકારનાં બનાવો બનતાની સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર જો વાત કરવામાં આવે તો છેતરપિંડી કરનાર લોકો ટેકનોલોજીથી વધુ સુસજજ છે અને તે પણ આંતરરાષ્ટ્રીય કોલ અમેરિકાનાં નંબરથી કરતા નજરે પડે છે પરંતુ ખરાઅર્થમાં તે કોલની સિગ્નલને બાઉન્સ કરાવતાં હોય છે.
ઉદાહરણ તરીકે જો વાત કરવામાં આવે તો મોબાઈલમાં નંબર અમેરિકાનાં લોકેશન પરનો બતાવતા હોય પરંતુ ઘણી વખત તે નંબર ચાઈના કે અન્ય કોઈ દેશમાંથી કરવામાં આવતો હોય છે જેને બાઉન્સીંગ ઓફ સિગ્નલ કહેવામાં આવે છે. હાલ વિશ્વ સ્તર પર જે હેકર્સો પોતાની ગેરપ્રવૃતિ ચલાવી રહ્યા છે અને ફર્જી કોલ મારફતે લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે ત્યારે લોકોએ અવગત થવાની અને જાગૃત થવાની હાલ જરૂર જોવા મળી રહી છે. લોકોએ તેમને મળતાં લોટરીનાં મેસેજો તથા જીતની રકમ માટે જમા કરવામાં આવાની રકમ માટેનાં જે મેસેજ અને નોટીફીકેશનો મળતા હોય છે તેનાથી તેઓએ બાકાત રહેવું જોઈએ અને તેનો જવાબ આપવો ન જોઈએ.