પ્રેમનો પારસ સ્પર્શ પામવા કાલે ઉજવાશે
મહોબતના મુસાફર ભલા શું જાણે કયાં દિવસ ઢળે કયાં રાત થાય છે ,મારા બાગમાં તો વસંત ત્યારે જ આવે છે,જયાં મિલન થાય છે જયાં મુલાકાત થાય છે
કોઇ જીવનભર તમારી સાથે હાથ પકડીને રહેવાની ઇચ્છા ધરાવે ત્યાર પછી બધા જ દિવસ વેલેન્ટાઇન ડે હોય છે
સંત વેલેન્ટાઈનની યાદમાં મનાવતો પર્વ એટલે વેલેન્ટાઈન ડે. દુનિયાભરમાં કાલે ૧૪ ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન ડે ની પ્રેમભરી ઉજવણી કરવામાં આવશે. પાશ્ર્ચાત્ય સંસ્કૃતિમાં ઉજવાતો વેલેન્ટાઈન ડે ભારતમાં પણ હોંશે હોંશે મનાવવામાં આવશે. જીવનમાં પ્રેમનું આગવું મહત્વ છે. મા-બાળક, પતિ-પત્નિ, ભાઈ બહેન દરેક સંબંધો પ્રેમથી બંધાયેલા છે.
ત્યારે પ્રેમની અભિભૂતી, પ્રેમનો ઈઝહાર, કરવાનો દિવસ એટલે વેલેન્ટાઈન ડે. પશ્ર્ચિમી દેશોમાં આ એક પારંપરિક દિવસ છે. જેમાં પતિ પત્ની કે પ્રેમ યુગલો એકબીજાને ફૂલ, ચોકલેટ, ગિફટ વગેરે જેવી કંઈક ને કંઈક વસ્તુઓ આપીને અદભૂત પ્રેમનો અહેસાસ કરે છે.
પહેલાના જમાનામાં એકબીજાથી સેંકડો કિમી દૂર પ્રેમીઓ પ્રેમ પત્રો લખી પ્રેમ વ્યકત કરતા જે આજે મોબાઈલ યુગ આપવાથી અદ્રશ્ય થયું છે.છેલ્લા કેટલાક વર્ષોથી પ્રેમપત્રોનું સ્થાન મોબાઈલે લઈ લીધું છે. હવે મોબાઈલમાં પ્રેમના મેસેજો ફરે છે. યુવાનોમાં મોબાઈલથી જ પ્રેમ થાય છે. અને પ્રેમની અભિવ્યકિત પણ મોબાઈલમાં જ કરાઈ છે.
આજના યુવાનો ખાસ કરીને ટીનેજર પશ્ર્ચિમી સંસ્કૃતિ તરફ આંધળી દોટ મૂકી રહ્યા છે ત્યારે ભારતીય સંસ્કૃતિના સંસ્કાર સચવાઈ રહે તે માટે અતુટ પ્રેમ આપનાર માતા-પિતા સાથે પ્રેમોત્સવની ઉજવણી થવી જોઈએ.જીવનને આનંદમય અને હસતુ રાખવા માટે પ્રેમ ખૂબજ જરૂરી છે. પ્રેમએ હૈયાનું અમૃત છે. પ્રેમએ આત્માની પ્રતિભા છે. પ્રેમ એ તો એક એવો ભાવ છે.જેમા દર્શના માત્રથી આંખના કિકીઓ નાચવા લાગે છે. પ્રેમના આનંદ પાસે દુનિયાની તમામ સમૃધ્ધિ ફીકકી પડી જાય છે.ગુલાબ જેવા પુષ્પો કરમાઈ જાય છે. પરંતુ પ્રેમ રૂપી પુષ્પો કરમાતાં નથી.
વેલેન્ટાઈન્સના રૂપે અન્યોન્ય આદાન પ્રદાન કરવામાં આવતાં પ્રેમ પત્રો સાથે ખુબ જ નજીકથી સંલગ્ન કરવામાં આવ્યો છે. વેલેન્ટાઈનનાં આધુનિક પ્રતીકોમાં હૃદય આકારની રૂપરેખા, કબુતર અને પાંખ વાળા રોમન કામદેવ ના ચિત્રોનો સમાવેશ થાય છે.
૧૯મી સદીથી હાથે લખેલા પત્રોને બદલે છાપેલા શુભેચ્છા કાર્ડનું ચલણ વધ્યું હતું. વેલેન્ટાઈન ડે સેલિબ્રેશનમાં વિશ્ર્વની સાથે આપણા દેશમાં પણ ઉજવણીનો આનંદ વધી રહ્યો છે. આ દિવસ પ્રેમને સાર્થક કરવાનો દિવસ છે, પરંતુ પ્રેમ એક અનુભૂતિ છે. તેને કોઈપણ વ્યાખ્યામાં બાંધવો શક્ય નથી પ્રેમનું વર્ણન કરતા શબ્દો અંતે તો મૌનની ભાષા જ બની રહે છે છતાંય તેને અભિવ્યકત કરવા આપણે સતત પ્રયત્નશીલ રહીએ છીએ. જો કે સમયની સાથે પ્રેમની અભિવ્યકિતનું સ્વરૂપ અને વ્યાખ્યા બંને બદલતા રહે છે, બસ નથી બદલાતી તો એક જ પ્રેમની લાગણી. દરેક વ્યકિત પાસે પ્રેમની અલગ અલગ ભાષા હોય છે અને તેને રજૂ કરવાની અલગ અલગ અદા પણ હોય છે.
પ્રેમનાં દિવસે પ્રેમી તેનાં પ્રિય પાત્રને ક્ષિતિજથી દૂર લઈ જાય છે ત્યારે કુદરતનાં ખોળે એક મેકમાં સમાય જાય ત્યારે હૃદયમાંથી શબ્દો સરી પડે ને સમગ્ર સૃષ્ટિ પ્રેમ વરસાવે છે.
કર્હાં લે ચલે હો…
મુજે એ મુસાફિર
સિતારો કે આગે
યે કૈસા જર્હાં હૈ
આ એજ પ્રેમીઓનાં જર્હાં દુનિયાની વાત છે જ્યાં તેઓ એક મેકમાં તન-મન-વચન અને કર્મથી બંધાઈ જઈને એક થઈ જાય છે.
બાળકના ગાલે માઁ ના હોઠોનો સ્પર્શ વિશ્ર્વની આહ્લાદક તસવીર છે
ફેબ્રુઆરીના બીજી વિકનાં વિવિધ ડે સેલિબ્રેશનમાં આજે નાનકડા ટબુકડા, બાલ દોસ્તો તથા તેનાં મમ્મીઓ સંગાથે કલરવ પ્રી સ્કુલ ખાતે ‘કિસ ડે’ની ભવ્ય ઉજવણી કરાય હતી.
અબતક ડિજિટલ મીડીયા ના પ્લેટ ફોર્મ ઉપર લાઇવ શોમાં બાળકોએ હગડે સાથે મમ્મી એ પોતાનાં લાડલાને લાડકીને કપાળનાં મઘ્યભાગે તથા ગાલ પર કિસ કરીને પવિત્ર સભર વાતાવરણમાં હર્ષોલ્લાસ વચ્ચે ઉજવણી કરી હતી. પ્લે હાઉસનાં ટીચર ગણ આરતી વડગામા, બ્રીંદા સોની, નીશા લોટીયા, જીજ્ઞાસા ગજજર પ્રીતી છનીયારાએ સુંદર વ્યવસ્થા સંભાળી હતી.
તુ જે સુરજ કહું યા ચંદા…. દિકરો મારો લાડક વાયો, વોજી વોથી યહ પપ્પા, હાથી ભાઇ તો જાડા, એક બિલાડી જાડી જેવા મસ્ત બાળ ગીતો મમ્મી તથા બાળકોએ ગાયા હતા.
કિસ ડે સેલીબ્રેશનમાં મમ્મી એ પોતાના બાળકની વાતોમાં તેની દૈનિક દિનચર્યા સાથે ઘોડીયામાં હાલરડા ગાતા હોય તેવા મીઠા પ્રસંગો કહ્યા હતા.
સ્કુલથી આવતું બાળક ઘરના વાતાવરણમાં આવે ત્યારે તેનો પ્રેમ સમગ્ર વર્ષના દિવસોને પ્રેમય બનાવે છે.સ્પર્શનું માનવ જીવનનાં અસ્તિત્વ સાથે અનુબંધ છે. ત્યારે નાનકડા બાળકોની નિર્દોષતાસભર પ્રેમનો તહેવાર આવા સેલીબ્રેશનને બની જાય છે. નાનકડા ટબુકડાએ પણ સુંદર ગીતો રજુ કરીને વાતાવરણ રોમેન્ટી બનાવેલ.
સમગ્ર શહેરમાં યુવા હૈયાઓ એકમેકને વાયદાઓ આપ્યા બાદ આજે ‘કિસ ડે’ના સેલીબ્રેશને સ્પર્શનો અહેસાસ કરતા જોવા મળ્યા હતા. કોલેજ છાત્રો, સાથે નવા નવા સગાઇ થયેલા કપલો પણ એકબીજા ના હાથોમાં હાથ ભેગા કરીને સેલિબ્રેશન કરતા જોવા મળ્યા હતા. શહેરના વિવિધ ગાર્ડનોમાં કુદરતી ખોળે પ્રેમનો એકરાર કરીને જીવનભર સંગ રહેવાની વાતો કરી હતી.