રેસકોર્ષ ગ્રાઉન્ડ તથા પારડી રોડ સહિતના સ્થળો પર સવાર ૬ થી ૭.૧૫ દરમિયાન સરકારના પ્રોટોકોલ મુજબ સામુહિક યોગ કરવામાં આવશે
રાજકોટમાં ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજકોટ મહાનગરપાલીકા તથા આર્ટ ઓફ લીવીંગ સંસ્થાના સંયુકત ઉપક્રમે રેષકોર્ષ ગ્રાઉન્ડ ફનવર્લ્ડની બાજુમાં તથા પારડી રોડ પર ના આરએમસી કોમ્પલેક્ષ સહિત અન્ય સ્થળો પર સવારે ૬ થી ૭.૧૫ યોગા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે.જેમાં શહેરભરનાં મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે. ત્યારે ૯૦ થી વધુ દેશોમાં આવેલા આર્ટ ઓફ લીવીંગ સંસ્થાના સાધકો માટે પણ યોગ દિવસની ઉજવણી માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. આર્ટ ઓફ લીવીંગ સંસ્થાના પ્રણેતા શ્રીશ્રી રવિશંકરજી વિશ્ર્વભરમાં યોગ અને ધ્યાન ને સામાજીક દુનિયામાં અપનાવવામાંઆવે તે માટે મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે.
ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના સઘન પ્રયત્નથી વિશ્ર્વભરમાં યોગ દિવસને ૨૧મી જૂન ઉજવણી કરવામાં આવીરહી છે. આર્ટ ઓફ લીવીંગ સંસ્થાના રાજકોટના સાધકો દ્વારા પણ મહાનગરપાલીકાના સહયોગથી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં વધુને વધુ લોકોને યોગ સાથે જોડવા માટે અવનવા કાર્યક્રમો થઈ રહ્યા છે. છેલ્લા પંદર દિવસથી વિવિધ શાળાઓ, સંસ્થાઓ તથા જાહેર સ્થળો પર ફલેશ મોબ દ્વારા યુવા કાર્યકર્તાઓએ લોકોને જોડવા માટે દિવસ રાત એક કરી રહ્યા છે. ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને સફળ બનાવવા માટે તથા યોગને અપનાવવા માટે કાર્યક્રમમાં વધુને વધુ લોકોને જોડાવા માટે મહાનગરપાલીકા તથા સંસ્થાના નિલેશભાઈ ચંદારાણા, વિનોદભાઈ ગજીઠીયા, ઉમેશભાઈ થોભાણી, અજયભાઈ મકવાણા, નિરવભાઈ કોટક, રૂપાબેન ભાડેશીયા અને કિરણબેન ચોટલીયાએ ‘અબતક’ની મુલાકાત દરમિયાન અપીલ કરી હતી.