સડેલુ અનાજ ફરજિયાત લેવાની ફરજ પાડે તો મો.નં.79901 60700 ઉપર સંપર્ક કરવા લોકોને કરી હાંકલ
અબતક, રાજકોટ
શહેરના વોર્ડ નં.7માં કોઇ સસ્તા અનાજની દુકાનના પરવાનેદારો મધ્યમ વર્ગીય જનતાને હેરાનગતી બંધ કરે તે માટે ભાજપના કોર્પોરેટર નેહલભાઇ શુક્લ મેદાનમાં આવ્યા છે. જો કોઇ દુકાનદાર સડેલુ અનાજ ખરીદવાની ફરજ પાડે તો તેઓને ફોન કરવા હાંકલ કરી છે અને પોતાના મોબાઇલ નંબર પણ જાહેર કર્યો છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે મારા મત વિસ્તાર વોર્ડ નંબર સાતના ભીલવાસ માથી બે ફરિયાદના ફોન આવ્યા હતા. સસ્તા અનાજના પરવાનેદાર દુકાનદાર દાદાગીરીથી ફરજિયાત ચણાની બગડેલી દાળ લેવાની ફરજ પાડતા હતા અને જો કોઈ ના પાડે તો દાદાગીરી કરીને ગેરકાયદેસર રીતે તેઓને કોઈપણ જાતનું અનાજ નહીં મળે નીકળો અહીંયાથી તેવું કહી દબાવતા હતા.
હું રૂબરૂ ત્યાં તે દુકાનના સ્થળે પહોંચ્યો હતો, અને ફરિયાદ કર્તાઓને રેશન કાર્ડ સાથે ફરીથી દુકાને મોકલ્યા હતા અને મારા એક સાથીને સમગ્ર ઘટનાનો વીડિયો રેકોર્ડિંગ કરવાનું કહેવું હતું, ત્યારે આશ્ચર્યજનક રીતે મે ત્યાં જોયું કે આ દુકાનદારે તેમને જાણે કોઈ રોકટોક કરનાર નથી એમ સમજીને પોતાની દુકાન બહારના નોટીસ બોર્ડ પર લેખિત સૂચના લખેલી હતી કે “અનાજ જોઈતું હોય તો દાળ લેવી જ પડશે” અને ગરીબ રેશનકાર્ડ ધારકોને ફરીથી ઉદ્ધતાઈ પૂર્વક અનાજ દેવાની ના પાડી આથી મેં એક સામાન્ય માણસની જેમ મારો પરિચય આપ્યા વિના કીધું કે આવો ફરજીયાત દાળ લેવાનો કોઈ લેખિત આદેશ હોય કે સરકારનો પરિપત્ર હોય તો બતાવો, ત્યારે તેમણે રાજકોટ ઝોનાલના અધિકારી ઝાલાવાડીયા ને વાત કરું છું એમ કરીને ફોન કરેલ અને અધિકારીએ પણ સ્પીકરમાં કીધેલ કે દાળ લેવી પડે ત્યારે મેં એમને મારો કોર્પોરેટર તરીકે નો પરિચય આપી અને કહ્યું કે હું એવો લેખિત પત્ર છે તો આપો ત્યારે તેમણે મને લેખિતમાં કોઈ આદેશ નથી તેવું જણાવેલ અને વાત પૂરી કરી હતી.
દુકાનદારની ઉદ્ધતાઈ અને દાદાગીરી વધતા ફરજીયાત પણે પ્રજાના પ્રતિનિધિની તાકાતનો અહેસાસ અને પરચો દુકાનદારને કરાવ્યા બાદ ઉપસ્થિત દરેક લોકોને તેણે સડેલી ચણાની દાળ વિના પણ અનાજ વિતરણ ફરજિયાત પણે શરૂ કરાવ્યું હતું.
આ ઘટના બાદ ત્યાં ઉપસ્થિત લોકોએ ખૂબ જ વ્યથા સાથે મને રજૂઆત કરી ને કહેલ કે મહદંઅંશે આવી મોટાભાગની સસ્તા અનાજના દુકાનોમાં હાલાકી ભોગવવી પડે છે.
સસ્તા અનાજના પરવાનેદાર દુકાનદાર સાથીઓને વોર્ડ નંબર સાત ના કોર્પોરેટર તરીકે અનુરોધ કરું છું કે નબળા વર્ગના માણસો ને ગેરકાયદેસર રીતે દબાવાનું બંધ કરશો અને સૌ નાગરિકો ને વિનંતી કરું છું આવું કાંઈ પણ કોઈપણ દુકાનદાર ગેરકાયદેસર કૃત્ય કરે તો મને મોબાઇલ નંબર 79901 10700 પર ફોન અથવા સંપૂર્ણ વિગત સાથે નો વોટ્સએપ મેસેજ કરજો એ દરેક ગેરકાયદેસર કૃત્ય કરતા દુકાનદારોને પ્રજાના પ્રતિનિધિની તાકાતનો અહેસાસ અવશ્ય કરાવવામાં આવશે.
આ અંગેનો એક વિસ્તૃત પત્ર કલેકટર કે જેમની આ ખાતાની સીધી જવાબદારી બને છે તેમને તથા રાજ્ય પુરવઠા સચિવ અને પુરવઠા મંત્રીને પણ લખ્યો છે.