એપાર્ટમેન્ટમાં બોગસ કોલ સેન્ટર ચલાવતા ૭ની ધરપકડ: ૯ લેપટોપ,
૮ મોબાઈલ ફોન, રાઉટર અને કાર સહિતનો મુદ્દામાલ જપ્ત
તાજેતરમાં જ અમદાવાદમાં કેટલાક બોગસ કોલ સેન્ટરો હજારો વિદેશીઓ પાસેથી નાણા ખંખેરતા બાનમાં લેવાયા હતા. ત્યારે ભરૂચમાં વધુ એક બોગસ કોલ સેન્ટર ઝડપાતા પોલીસ સજાગ બની છે. ભરૂચમાં ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતા ૭ લોકોની અટકાયત કરવામાં આવી છે. તેઓ અમેરિકાના નાગરિકોને બેંક લોનના નામથી છેતરી રહ્યાં હોવાનું કૌભાંડ ખુલ્યું છે.
સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, ભરૂચ પોલીસની સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે અહેમદનગર સોસાયટીના એક ફલેટમાં રેઈડ પાડતા સમગ્ર બાબત ખુલી હતી. જેમાં ૭ લોકોની ધરપકડ અને ઈલેકટ્રોનીક આઈટમો જપ્ત કરવામાં આવી હતી. કોલ સેન્ટરોમાં કામ કરતા આ ૭ લોકો એક એપાર્ટમેન્ટમાં કોલ સેન્ટર ચલાવતા હતા. તેઓ અમેરિકન નાગરિકોને લોનની ઓફર કરી લાખો રૂપિયાની છેતરપિંડી આદરતા હતા. પરંતુ આ પહેલા તેઓ શિકારને અમુક રકમ તેમના ખાતામાં એડવાન્સ જમા કરાવવાનું કહેતા હતા અને ત્યારબાદ જ તેમને લોન મળશે તેમ માની કેટલાક લોકો તેમની છેતરપિંડીનો ભોગ બન્યા છે.
ભ‚ચના પોલીસ મથકમાં આ કેસ નોંધાયો હતો. રાજયમાં મોટી સંખ્યામાં ચાલતા કોલ સેન્ટરો અમેરિકન નાગરિકોને ફસાવતા હોવાનું વધુ પ્રમાણ નોંધાયું છે. તાજેતરમાં જ અમદાવાદમાં ફેડરલ બ્યુરો ઈન્વેસ્ટીગેશનના તપાસકર્તાઓએ જાણ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું હતું તેમાં ૮ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને તેની સાથે ૯ લેપટોપ, ૮ મોબાઈલ ફોન, રાઉટર, એકસ્ટેન્શન બોર્ડ અને કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.