તમામ મંત્રાલય-વિભાગોને ‘ઇ-બૂક’ તરફ વાળવા કેન્દ્રનો પ્રયાસ
કેન્દ્ર સરકારે તમામ મંત્રાલયો અને વિભાગોને કેલેન્ડર, ડાયરી અને ગ્રીટીંગ કાર્ડસ સહિતનું મટીરીયલ ન છપાવવા સુચના આપી દીધી છે. જેના પરિણામે સરકારી ચોપડે આવું મટીરીયલ ભૂતકાળ બની જશે. જેના સ્થાને સરકારી વિભાગો ઈ-બુક તરફ વળે તેવા પ્રયાસો પણ કરવામાં આવશે.
સરકારી વિભાગો પરંપરાગત કેલેન્ડર, ડાયરી, ગ્રીટીંગ કાર્ડસ સહિતના મટીરીયલને છાપવાની જગ્યાએ ડિજિટલ કોપી તરફ વળે તે માટેના પ્રયત્નો કેન્દ્ર સરકાર દ્વારા શરૂ થઈ ચૂકયા છે. અત્યાર સુધી મંત્રાલયો અને વિભાગો સમયાંતરે કેલેન્ડર, ડાયરી, ફેસ્યીવલ ગ્રીટીંગ કાર્ડ સહિતનું છાપતા હતા. કોફી ટેબલ બુકનું પણ ચલણ વધ્યું હતું. જો કે, હવે આ બધુ ભુતકાળ બની જશે. ઈ-બુકનો ઉપયોગ ધીમી ગતિએ વધશે. જેની સાથો સાથ છાપકામ પાછળ સરકારને લાગતો તોતીંગ ખર્ચ પણ ઘટશે તેવી ધારણા છે.
નોંધનીય છે કે, સરકાર ગર્વનન્સ માટે ડિજિટલાઈઝેશનનો વધુને વધુ ઉપયોગ કરી રહી છે. સરકારી વિભાગોને જેમ બને તેમ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર લાવવાની તૈયારી થઈ છે. ડિજીટલ કાર્યવાહી વધુ ઝડપી છે અને ઓછી ખર્ચાળ પણ જેથી સરકાર હવે સ્ટેશનરી બાબતે પણ ડિજિટલાઈઝેશનનો ઉપયોગ કરવા તરફ વળી છે.