• રાણા, રસેલ અને રીંકુની બેટિંગ પંજાબને ભારે પડી

પંજાબ અને કલકત્તા વચ્ચેના રમાયેલા અત્યંત રોમાંચક મેચમાં કલકત્તાએ પંજાબને માતા આપી પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત કરી છે છેલ્લા બોલ સુધી રમાયેલા મેચમાં પંજાબના સાવજોને કલકત્તાએ 5 વિકેટે હરાવ્યું હતું. પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર પ્રભસિમરન 12 રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે ભાનુકા રાજપક્સા ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન ભેગો થયો હતો.

જોકે, કેપ્ટન શિખર ધવને શાનદાર બેટિંગ કરી હતી. તેને 57 રનની ઈનિંગ્સ રમી હતી. આ ઉપરાંત લિયામ લિવિંગસ્ટોને 15 તથા જિતેષ શર્માએ 21 રનનું યોગદાન આપ્યું હતું. સેમ કરન ફક્ત ચાર રન નોંધાવી શક્યો હતો.જોકે, અંતિમ ઓવર્સમાં હરપ્રીત બ્રાર અને શાહરૂખ ખાને તોફાની અંદાજમાં બેટિંગ કરી હતી જેના કારણે ટીમનો સ્કોર 7 વિકેટે 179 રન બનાવ્યા હતા.

કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 180 રનનો લક્ષ્યાંક હતો. એક સમયે કોલકાતા હારી જવાની અણી પર આવી ગયું હતું. ટીમને બે ઓવરમાં 26 રનની જરૂર હતી. ત્યારે સેમ કરન દ્વારા કરવામાં આવેલી 19મી ઓવરમાં આન્દ્રે રસેલે ત્રણ સિક્સર ફટકારીને મેચની બાજી પલટી દીધી હતી. તેણે કોલકાતાને વિજય અપાવ્યો હતો. તેણે 23 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી 42 રનની તાબડતોબ ઈનિંગ્સ રમી હતી. અંતિમ ઓવરમાં ટીમને છ રનની જરૂર હતી ત્યારે આન્દ્રે રસેલ આઉટ થઈ ગયો હતો. જોકે, રિંકુ સિંહે અંતિમ બોલમાં ચોગ્ગો ફટકારીને ટીમને જીતાડી દીધી હતી.આ પહેલા કેપ્ટન નિતિશ રાણાએ શાનદાર બટિંગ કરી હતી. તેણે 38 બોલમાં 51 રનની ઈનિંગ્સ રમી હતી.
જ્યારે ઓપનર જેસન રોયે 24 બોલમાં 38 અને ગુરબાઝે 15 રનનું યોગદાન આપ્યું હતું. રિંકુ સિંહ 10 બોલમાં બે ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 21 રન નોંધાવીને નોટઆઉટ રહ્યો હતો. પંજાબ માટે રાહુલ ચહરે બે વિકેટ ઝડપી હતી જ્યારે નાથન એલિસ અને હરપ્રીત બ્રારે એક-એક વિકેટ પોતાના નામે કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.