- ઋષિકેશ પટેલ, જગદીશ વિશ્ર્વકર્મા, ભાનુબેન બાબરીયા, બળવંતસિંહ રાજપુત અને મુળુભાઈ બેરા પહોચ્યા કુંભમાં: ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી પણ જશે
ગુજરાત સરકારના પાંચ-પાંચ મંત્રીઓ આજે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં માધ પૂર્ણિમાનું સ્નાન કરવા માટે ગયા હોવાના કારણે દર બુધવાર મળતી રાજય સરકારની કેબિનેટ બેઠક આજે રદ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તાજેતરમાં પ્રયાગરાજ કુંભ મેળામાં ગયા હતા તેઓને ત્રિવેણી સંગમ ખાતે ડુબકી લગાવી પૂણ્યનું ભાથું બાંધ્યું હતુ દરમિયાન ગઈકાલે રાજય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને અન્ય એક મંત્રી જગદીશ વિશ્ર્વકર્મા મહાકુંભમાં પહોચી ગયા હતા દરમિયાન આજે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત, મુળુભાઈ બેરા અને ભાનુબેન બાબરીયા ગુજરાતથી વિમાન માર્ગે લખનઉ પહોચ્યા હતા. જયાંથી તેઓ પ્રયાગરાજ ગયા હતા પાંચ પાંચ મંત્રીઓની ગેરહાજરીના કારણે દર બુધવારે મૂખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળતી મંત્રી મંડળની બેઠક આજે રદ કરી દેવામાં આવી હતી. ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી પણ કુંભ મેળામાં જઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તાજેતરમાં કુંભ મેળામાં ગયા હતા.
આજે માધ પૂર્ણિમા હોવાના કારણે મહાકુંભ મેળામાં પાંચમુ શાહીસ્નાન છે. વહેલી સવારથી ભાવિકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. આગામી 19મી ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આરંભ થઈ રહ્યો છે. 18મીએ ભાજપના તમામ ધારાસભ્યોની બેઠક મળશે. આગામી રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉપરાંત મંત્રી મંડળના તમામ સભ્યો વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક મળશે. જેમાં 20મી ફેબ્રુઆરીએ રાજય સરકારનું બજેટ રજૂ કરવાનું છે જે રવિવારે જ આખરી મંજૂરી આપી દેવામા આવશે. આગામી રવિવારે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીનું મતદાન યોજાવાનું છે. આવતા રવિવારે ચૂંટણીનું પરિણામ આવી જશે ત્યારબાદ હોદેદારોની નિમણુંક સહિતની પ્રક્રિયા હાથ ધરવાની હોવાના કારણે કુંભ મેળામાં જવાનો સમય નહી મળે જેને ધ્યાનમાં રાખી મંત્રી મંડળના સભ્યો આજે પ્રયાગરાજ પહોચી ગયા છે. ગુજરાતમાંથી લાખો શ્રધ્ધાળુએ મહાકુંભ મેળામાં ડુબકી લગાવી પૂણ્યનું ભાથુ બાંધ્યું છે. આજે મહાકુંભમાં પાંચમુ સ્નાન છે. ભાવિકોની ભારે ભીડ જોવા મળી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટના મહિલા મેયર નયનાબેન પેઢડિયા પણ સરકારી ગાડીમાં મહાકુંભ મેળામાં ગયા છે. સરકારી ગાડી પર પોતાના કડા સુકવ્યા હોવાના ફોટા વાયરલ થયા બાદ વિવાદ ઉભો થયો છે. એક તરફ સામાન્ય જનતાને મહાકુંભ મેળામાં જવા માટે પારાવાર તકલીફોનો સામનો કરવો પડે છે. બીજી તરફ નેતાઓ વીઆઈપી કવોટાનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે.