લોકસભાના પ્રથમ સત્રમાં બિલને કરવામાં આવશે રજૂ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર દ્વારા બીજી ટર્મનાં કાર્યકાળની શરૂઆત સાથે જ ગત ટર્મનાં કેટલાક મહત્વનાં ખરડાઓ હાથ પર લીધા છે. જેમાં કેન્દ્રીય કેબિનેટમાં બુધવારે ત્રિપલ તલાક બિલમાં સુધારો કરી નવા અધ્યાદેશનાં રૂપમાં ત્રિપલ તલાક બિલને બહાલ કર્યું હોવાનું પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું.

17મી લોકસભાનાં 7મી જુને શરૂ થનારા પ્રથમ સત્રમાં આ બિલ રજુ કરવામાં આવશે. ત્રિપલ તલાક પર પ્રતિબંધ મુકતા ખરડાને ગત લોકસભામાં બહાલી મળી હતી પરંતુ આ બિલ રાજયસભામાં 16મી લોકસભાનાં વિસર્જનને લઈને પેન્ડિંગ રહ્યું હતું અને ખરડો મુલત્વી રહેતા તેને કાયદાનું રૂપ આપવા ફરીથી ગૃહમાં લાવવું જરૂરી બન્યું હતું. કેન્દ્ર સરકારે ગયા ફેબ્રુઆરી મહિનામાં મુસ્લિમ મહિલાઓનાં લગ્નનાં અધિકારીઓને સુરક્ષિત કરવા મૌખિક ત્રિપલ તલાક પર પ્રતિબંધ મુકયો હતો. ત્રિપલ તલાકનો આ ખરડો રાજયસભામાં વિપક્ષોનાં ભારે વિરોધનાં કારણે પસાર ન થવાથી આ ત્રીજીવાર હાથ ઉપર લેવામાં આવ્યો છે. ત્રિપલ તલાક પરનાં પ્રતિબંધનાં કાયદાથી મુસ્લિમ મહિલાઓને કાનુની રીતે અધિકારો માટે સુરક્ષિત થશે અને ત્રણ વાર મૌખિક તલાક આપી પતિ દ્વારા તરછોડી દેવામાં આવતી મહિલાઓને કાનુની રીતે સુરક્ષા આપવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે ત્રિપલ તલાક બિલને કેબિનેટમાં મંજુરીની મહોર મારીને તેને સંસદમાં રજુ કરવાની કવાયત હાથધરી છે. પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, દેશ આગળ વધી રહ્યું છે અને ખરડો તેનું મહત્વનું પરીબળ છે અને મને પુરો વિશ્ર્વાસ છે કે આ વખતે રાજયસભા પણ આ કાયદાને સમર્થન આપશે અને ત્યાં પણ આ બિલ પાસ થઈ જશે. ગયા અઠવાડિયે કેન્દ્રિય કાનુનમંત્રી રવિશંકરપ્રસાદે કહ્યું હતું કે, ત્રણ તલાકની પ્રથાને પ્રતિબંધિત કરવા માટે સરકાર ફરીથી આ પ્રસ્તાવ લાવશે.

કેન્દ્ર સરકારે ગત લોકસભાનાં સત્ર દરમિયાન મુસ્લિમ મહિલાઓને જીવનભર સતત અજંપા અને અસુરક્ષિત ભવિષ્યનાં ખતરાથી સતત ભયભીત રાખતી પતિ દ્વારા ત્રણ વખત તલાક, તલાક, તલાક બોલીને પત્નિને તરછોડી દેવાની આ પ્રથા બંધ કરાવવા કવાયત હાથ ધરાઈ હતી. દેશમાં ઘણા લાંબા સમયથી સુધારાવાદી, મુસ્લિમ મહિલાઓ અને મહિલાઓનાં અધિકાર માટે જાગૃત સંસ્થાઓ દ્વારા ત્રિપલ તલાકની આ પ્રથા દુર કરવા માંગ કરવામાં આવી રહી છે. ઈસ્લામનાં કેટલાક વર્ગમાં પણ મૌખિક તલાકને અસ્વીકાર્ય ગણવામાં આવી છે. પાકિસ્તાન સહિતનાં મુસ્લિમ દેશોમાં ત્રણ વખત તલાક કહીને લગ્ન વિચ્છેદ અમાન્ય ગણવામાં આવે છે. કેન્દ્ર સરકાર આ વખતે આ ખરડા માટે આગળ વધી રહી છે.]

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.