- ગ્રામ્ય વિસ્તારોમાં પણ શહેર જેવી સુવિધાઓનું નિર્માણ થઇ રહ્યું છે: મંત્રી ભાનુબેન બાબરીયા
ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે રાજકોટ ખાતે મવડી-પાળ બ્રિજ તથા બોક્સ કલ્વર્ટ રાજપરા – ભાડુઇ – સર રોડના કુલ રૂા. 9.88 કરોડના કામો તથા તાલુકા પંચાયત, લોધીકા હસ્તકના વિવિધ વિકાસના કુલ રૂા. 80.29 લાખના કામોનું ખાતમુહૂર્ત – લોકાર્પણ અને મફત ઘરથાળના 100 ચો.વારના પ્લોટના સનદ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
આ તકે મંત્રી ભાનુબેન બાબરીયાએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગામડાઓમાં પણ શહેર જેવી સુવિધાઓ વિકસે તે માટે સતત દરકાર લેવામાં આવી રહી છે. અંદાજે રૂ. 9 કરોડના ખર્ચે બનનાર આ નવા મેજર બ્રિજથી મવડી – પાળ – રાવકી – માખાવડ ગામના લોકોની આવાગમનની સુવિધાનો ઉમેરો થશે, વળી ચોમાસામાં પડતી તકલીફનું નિવારણ પણ થશે. આ સાથે મંત્રીએ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને ગુણવત્તાસભર કામ થાય તે માટે તકેદારી રાખવા તાકીદ કરી હતી.
તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની કાર્ય પ્રણાલીના કારણે જ આજે ગુજરાત વિકાસનું રોલ મોડલ બન્યું છે, જે કાર્યપ્રણાલીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આગળ વધારી રહી છે. પ્રધાનમંત્રી એ લોકોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કર્યું છે. જેના પરિણામે જ આજે લોધિકા ખાતે પણ અનેક પરિવારોને ઘરથાળનો પ્લોટ આપવામાં આવી રહ્યો છે. લોધિકા તાલુકામાં અંદાજે રૂ. 265.76 કરોડના વિવિધ વિકાસ કામોની મંજૂરી મળી છે. જેનાથી લોધિકા તાલુકો વિકાસની હરોળમાં અગ્રેસર થયો છે.
મંત્રીએ કહ્યું હતું કે, નારી વંદના બીલ પસાર થતા આવનારા દિવસોમાં વિકસિત ભારતના શ્રેષ્ઠ સમયમાં મહિલાઓ રાજકીય ક્ષેત્રે પણ વધુ સહભાગીતા નોંધાવશે. તો શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં જો બાળકો અને માતાઓ તંદુરસ્ત હશે તો જ તેનો પાયો મજબૂત થશે તે માટે માતાઓ પોતાના બાળકોના પોષણની ચિંતા કરી સરકાર દ્વારા આપવામાં આવતા પોષણયુક્ત ખોરાકનો ઉપયોગ કરે તેમ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે સાંસદ પરષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, આજે ગ્રામ્ય વિસ્તારોમાં પણ શહેરની જેમ અનેક વિકાસ કાર્યો એકસાથે હાથ ધરાઈ રહ્યા છે, ત્યારે વિકસિત ભારતના સંચાલન માટે બાળકો સમર્થ તો જ બનશે જો તેમના પોષણ, શિક્ષણની કાળજી લેવાશે. આ મેજર બ્રિજ બનતા ભવિષ્યમાં આસપાસના ગામના બાળકોને શિક્ષણ માટે આવાગમનમાં પડતી ચોમાસા દરમિયાનની તકલીફોનો નિવારણ થશે અને ગુણવત્તાલક્ષી કામગીરીથી આવનારી પેઢીઓ પણ આ વિકાસ કાર્યોનો લાભ લે તે સૌએ સહકારની ભાવના સાથે સુનિશ્ચિત કરવા સાંસદએ અપીલ કરી હતી.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ પાળ ગામના વર્ષો જૂના બ્રિજના પ્રશ્નના નિરાકરણ બદલ હર્ષ વ્યક્ત કરી દીકરીઓને પણ વિવિધ યોજનાઓના લાભ સાથે સમાજમાં દરેક ક્ષેત્રે સહભાગી બનાવવા આહવાન કર્યું હતું. કલેકટર પ્રભવ જોશીએ ખાતમુહૂર્ત થનાર તમામ વિકાસ કાર્યોની આછેરી ઝલક આપી હતી. મહાનુભાવોના હસ્તે પાળ- રાવકી- માખાવડ ખાતેના 59 પરિવારોને સનદ વિતરિત કરવામાં આવી હતી
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ વિલાસબેન મોરડ, જિલ્લા પંચાયત સદસ્ય અલ્પાબેન તોગડીયા, મોહનભાઈ દાફડા, રાજકોટ એ.પી.એમ.સી.ના ચેરમેન જયેશભાઈ બોઘરા, અગ્રણી મનહરભાઈ બાબરીયા, પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તી, પાળ ગામના સરપંચ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.