ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણીની ઉપસ્થિતિ: હોસ્પિટલમાં તમામ પ્રકારના રોગોની દવાઓ, જરૂરી સાધન-સરંજામો, પુરતો સ્ટાફ, દર્દીઓ અને સગાસંબંધીઓની સલામતીના પ્રશ્નો અંગે ત્વરીત નિર્ણય કરી નિવેડો લાવવાની બાંહેધરી આપી
સૌરાષ્ટ્રના પાટનગરસમા રાજકોટની પીડીયુ સરકારી સીવીલ હોસ્પિટલ કે જયાં સૌરાષ્ટ્રભરના લાખો દર્દીઓ સારવારનો લાભ લે છે ત્યારે રાજય સરકારના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ હોસ્પિટલની સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી. આ તકે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી, સિવિલ હોસ્પિટલ કાઉન્સીલર જયંત ઠાકર, રાજીવ ઘેલાણી, ભાજપ અગ્રણી સંજય ગોસ્વામી સહિતના અગ્રણીઓ સાથે જોડાયા હતા. આ તકે સિવિલ સર્જન ડો.મનીષભાઈ મહેતા, આર.એમ.ઓ. ડો.રોય સહિતના પદાધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ સરપ્રાઈઝ મુલાકાત કુંવરજીભાઈ બાવળીયા સહિતના અગ્રણીઓએ હોસ્પિટલનાં ટ્રોમા સેન્ટર બિલ્ડીંગ ખાતે સારવાર લઈ રહેલ દર્દીઓની તબિયત અંગે પુછપરછ કરી હતી. તેમજહોસ્પિટલમાં જરૂરી સુવિધાઓ અંગે હોસ્પિટલના સતાધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી.
આ તકે કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, સીવીલ હોસ્પિટલમાં દર્દીઓને તાત્કાલિક સારવાર મળે અને જરૂરીયાત મુજબની દવાઓ લોકોને પુરતા પ્રમાણમાં મળે તે માટે ચિંતિત છે ત્યારે સૌરાષ્ટ્રભરના લાખો દર્દીઓ હોસ્પિટલમાં સારવારનો લાભ લઈ રહ્યા છે ત્યારે હોસ્પિટલમાં તમામ પ્રકારની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. તેમજ વર્તમાન પરિસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે પીડીયુ સિવિલ હોસ્પિટલમાં પણ પુરતી સ્વચ્છતાભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આગામી સમયમાં પણ હોસ્પિટલમાં તમામ પ્રકારના રોગોની દવાઓ, જરૂરી સાધન-સરંજામો, પુરતો સ્ટાફ, હોસ્પિટલમાં આવનાર દર્દીઓ અને તેના સગા સંબંધીઓની સલામતીના પ્રશનો જેવી કોઈપણ સમસ્યાઓ લક્ષમાં લઈ આ અંગે ત્વરીત નિર્ણય કરી તેનો નિવેડો લાવવાની બાંહેધરી આપી હતી. તેમજ કુંવરજીભાઈ બાવળીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણી, ભાજપ અગ્રણીઓ હરેશભાઈ જોષી, જયંતભાઈ ઠાકર, રાજીભાઈ ઘેલાણી, સંજય ગોસ્વામી સહિતનાઓએ ટ્રોમા સેન્ટર સહિતના વિવિધ વિભાગોની મુલાકાત લઈ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ દર્દીઓની તબિયતના ખબરઅંતર પુછયા હતા અને દર્દીઓએ પણ સિવિલ હોસ્પિટલ દ્વારા પુરતા પ્રમાણમાં સારવાર અને દવા મળતી હોવાનો પ્રત્યુતર આપ્યો હતો.