તરણેતરીયો મેળો, મેળો મારો રંગીલ
- 1 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મેળાના વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે: 3 દિવસના આ મેળામાં લાખોની જનમેદની ઉમટશે
- રાત્રે તરણેતર ગ્રામ પંચાયત દ્વારા ભજન સંધ્યા કાર્યક્રમમાં રાવટીના કલાકારો ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના સાંનિધ્યમાં ભજન અર્ધ્ય અર્પણ કરશે
કોરોનાના કારણે બે વર્ષ મોકૂફ રહ્યા બાદ આજથી વિશ્વ વિખ્યાત તરણેતરનો ભાતીગળ લોકમેળો શરૂ. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાનાં તરણેતર ગામે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનાં સાનિધ્યમાં આ લોકમેળો યોજાય છે. ઝાલાવાડની લોકસંસ્કૃતિને ઉજાગર કરતા આ લોકમેળાને માણવા માટે દુર દુરથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે. લોકમેળાને આજે કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા તથા રાજ્યમંત્રી દેવાભાઇ માલમ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનુ પૂજન કરી ખુલ્લો મુક્યો છે.
મેળામાં ગ્રામિણ રમતોત્સવ અને વિવિધ સ્ટોલનું ઉદ્દઘાટન મંત્રીઓના હસ્તે કરવામાં આવ્યું. રાત્રે તરણેતર ગ્રામ પંચાયત દ્વારા ભજન સંધ્યા કાર્યક્રમમાં રાવટીના કલાકારો ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના સાંનિધ્યમાં ભજન અર્ધ્ય અર્પણ કરશે. અને મહંતોની ઉપસ્થિત ત્રિનેત્રેશ્વર મંદિર ખાતે ધ્વજારોહણ કરાશે.સુરેન્દ્રનગર જિલ્લાનો પ્રખ્યાત તરણેતરનો ભાતીગળ લોકમેળાનો આજથી પ્રારંભ થયો. આજથી 2 સપ્ટેમ્બર સુધી આ મેળો ચાલશે. આ લોકમેળો સુરેન્દ્ર નગર જિલ્લાના થાનગઢથી સાતેક કિ.મી. દુર આવેલા તરણેતર ગામે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનાં સાનિધ્યમાં યોજાય છે.
આ લોકમેળો કોરોનાકાળનાં બે વર્ષ બાદ ફરી આ વર્ષે મેળો યોજાઈ રહ્યો હોવાથી ઝાલાવાડનાં લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્રિનેત્રેશ્વર મહાદેવનાં સાંનિધ્યમાં યોજાતો તરણેતરનો મેળો માણવા દેશ ઉપરાંત વિદેશમાંથી પણ લોકો આવતા હોય છે.તા. 31 ઓગસ્ટના રોજ ભાદરવા સુદ ચોથના દિવસે 11-30 કલાકે પાળીયાદના પુ. વિસામણ બાપુની જગ્યાના મહંત નિર્મળાબા ઉનડ બાપુ દ્વારા સંતોઅને મહંતોની ઉપસ્થિતિમાં ત્રિનેત્રેશ્વર મંદિર ખાતે ધ્વજારોહણ કરવામાં આવશે. ત્યારબાદ રાત્રે માહિતી વિભાગ દ્વારા લોકડાયરો યોજવામાં આવશે. ભાદરવા સુદ પાંચમના દિવસે સવારે ગંગા અવતરણ આરતી કરવામાં આવશે.
તા. 1 સપ્ટેમ્બરના રોજ ભાદરવા સુદ પાંચમના દિવસે સવારે ગંગા અવતરણ આરતી કરવામાં આવશે ત્યારબાદ વિવિધ મેદાની રમતો જેવી કે, રસ્સાખેંચ અને કુસ્તી વગેરે યોજાશે. સવારે મંદિર પરિસરમાં પરંપરાગત રાસ તથા હુડાનો કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા કેન્દ્રિયમંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા તરણેતર મેળામાં ઉપસ્થિતિ રહેશે. આ ઉપરાંત વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી, વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા, રાજ્ય કક્ષાના રમતગમત મંત્રી હર્ષ સંઘવી, રાજ્ય કક્ષાના શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજા, રાજ્ય કક્ષાના વાહનવ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી, રાજ્યકક્ષાના પશુ પાલન અને ગૌસંવર્ધન મંત્રી દેવાભાઈ માલમ વગેરે મહાનુભાવો ગુજરાત પ્રવાસન નિગમ લી. ના તોરણ ટુરીસ્ટ વિલેજની મુલાકાત તથા શિવ પૂજન અને ગ્રામિણ રમતોત્સવની મુલાકાત લેશે .અને તા.2 સપ્ટેમ્બરના રોજ ગંગા વિદાય આરતી સાથે બપોરે મેળાની પૂર્ણાહુતી થશે.
મેળાને લઇ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
મહત્વનું છે કે આ લોકમેળાને લઇને જીલ્લા કલેકટર કે.સી.સંપટના માર્ગદર્શન હેઠળ જીલ્લા વહીવટીતંત્ર અને જીલ્લા પોલીસવડા હરેશ દુધાતની દેખરેખ હેઠળ જીલ્લા પોલીસ તંત્ર દ્વાર મેળાનું સુચારૂ આયોજન કરાયુ છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો છે. જેમાં સૌરાષ્ટ્રભરના10 ડી.વાય.એસ.પી,30 પીઆઇ, 80પી.એસ.આઈ,1100 પોલીસ કર્મચારી અને 900વધુ હોમગાર્ડ-જવાનો બંદોબસ્ત જાળવશે.