સહકારી બેન્ક અને સહકારી માળખા થકી સૌરાષ્ટ્રના ખેડૂતોએ વિકાસ માટેની નવી કેડી દેશના અન્ય રાજયો માટે કંડારી છે: રાદડીયા
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના થોરીયાળી ગામે રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકની ૧૯૬મી શાખાનો પ્રારંભ રાજયના અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી અને બેંકના ચેરમેન જયેશભાઇ રાદડીયાના હસ્તે કરાયો હતો.
બેંકની ૧૯૬મી શાખાનો વિધિવત પ્રારંભ કરાવતા બેંકના ચેરમેન અને રાજયના કેબીનેટ મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાએ બેંકની વિવિધ પ્રવૃતિઓની વિસ્તૃત માહિતી આપતાં જણાવ્યું હતું કે છેલ્લા અનેક વર્ષથી આ બેંક ખેડૂતો અને ગ્રામિણ નાગરીકોને પ્રધાન્ય આપી અવરીત સેવા બજાવી રહી છે. ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે ધિરાણ ઉપલબ્ધ કરાવી આ વિસ્તારના ખેડૂતોને કૃષિ વિકાસ સાથે સહકારી પ્રવૃતિમાં સામેલ રાખવાનું ઉમદા કાર્ય કરાયું છે. જેના સારા પરિણામો આજે ગ્રામ્ય કક્ષાએ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત ખેડૂતોનો આકસ્મિક મૃત્યુ, અકસ્માત જેવા કિસ્સાઓમાં પણ બેંક ખેડૂતોના કુટુંબીજનોને સહાયની ચુકવણી સાથે તેમની સાથે ખડે પગે રહયું છે. રાજકોટ જિલ્લાના ગ્રામિણ ક્ષેત્રના વિકાસમાં આ સહકારી બેંક અને સહકારી માળખાને અપનાવી સૌરાષ્ટ્રના ખેડૂતોએ વિકાસની નવી કેડી દેશના અન્ય રાજયો માટે કંડારી છે. આ તકે તેઓએ ખેડૂતો અને ગ્રામિણજનોને સહકારી બેંક અને સહકારી માળખાની મંડળીઓ અને સંસ્થાઓને વધુનુ વધુ સહયોગ આપી સિધ્ધીઓના નવા શિખરો સર કરવા પ્રેરીત કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે બેંકના જનરલ મેનજર વી.એમ. સખિયાએ બેંકની કામગીરીની વિગતો આપતાં જણાવ્યું હતું કે છેલ્લા ૨૫ વર્ષ થી સતત રાજય લેવલે વસુલાત ક્ષેત્રે પ્રથમ ક્રમાંક ધરાવતી આ બેંક છેલ્લા પાંચ વર્ષથી નાબાર્ડ દ્વારા બેસ્ટ પરફોર્મન્સ એવોર્ડ વિજેતા બનતી આવી છે. ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે ધીરાણ આપતી આ બેંક સતત ઝીરો એન.પી.એ. ધરાવે છે. ૩૦ જુન ૨૦૧૯ની સ્થિતીએ આ બેંક રૂ. ૫૦૦૦ કરોડની માતબર થાપણો ધરાવે છે. આ બાબતો બેંકની વિશ્વનિયતા અને શ્રેષ્ઠ કાર્યપ્રણાલીનું પ્રતિબિંબ છે.
આ પ્રસંગે ધારાસભ્ય લલીતભાઇ કગથરા, રાજકોટ ડેરીના ચેરમેન દિલીપભાઇ રાણપરીયા, બેંકના વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયા, ડિરેકટર ડાહ્યાભાઇ પટેલ, મીઠાલાલ સહિત બેંકના ડિરેકટરો મેનજર રાજેશભાઇ શંખાવડા અને મોટી સંખ્યામાં સહકારી સંસ્થાના અગ્રણીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.