- કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા દાઝ્યા
- અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ
- શેક લેતી વેળાએ દાઝી જતા જમણા પગમાં ઈજા: ઈન્ફેકશન ન લાગે તે માટે 5 દિવસથી હોસ્પિટલમાં, ડો.ગિરીશ અમલાણી દ્વારા સારવાર
રાજય સરકારના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા ગાંધીનગર સ્થિત પોતાના સરકારી નિવાસ સ્થાન ખાતે શેક લેતી વેળાએ દાઝી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેઓને જમણા પગમાં ઈજા થવા પામી છે. હાલ તેઓ છેલ્લા પાંચ દિવસથી અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
ગત શનિવારે કેબીનેટમંત્રી ભાનુબેન બાબરિયા પોતાના મંત્રી નિવાસ સ્થાન ખાતે શેક લેવા માટે જે તાપણુ કર્યુ હતુ તેમાં પોતાના ડ્રેસનો દુપટ્ટો અડી જવાના કારણે દાઝી ગયા હતા. જમણા પગમાં કમરથી લઈ ગોઠણ સુધીના ભાગમાં ઈજા થવા પામી હતી. તાત્કાલીક અસરથી તેઓને સારવાર માટે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાજકોટના ખ્યાતનામ તબીબ ડો.ગિરીશ અમલાણી તેઓની સારવાર કરી રહ્યા છે. હાલ તબિયત સંપૂર્ણ પણે ભયમૂકત છે. પરંતુ ઈન્ફેકશન વકરે નહી તે માટે હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. જયાં તેઓનું નિયમીત ડ્રેસીંગ કરવામા આવી રહ્યું છે.
કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરિયાના પતિદેવ મનોહરભાઈ બાબરિયાના જણાવ્યા અનુસાર હાલ તેમના ધર્મપત્નીની હાલત ભયમૂકત છે. ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી. તકેદારી રહે તે માટે તેઓને ઝાયડસ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.તબીબોએ તેઓને આરામ કરવાની સલાહ આપી છે. કાર્યકરો અને સમર્થકોએ ચિંતા ન કરવા અને ખબર અંતર પૂછવા માટે અમદાવાદ કે ગાંધીનગર સુધી ધકકા ન ખાવા પણ તેઓએ અનુરોધ કર્યો છે.