વાવાઝોડાથી થયેલા નુકસાન અને સ્થિતિને પૂર્વવત કરવા અંગે ગહન ચર્ચા થશે
ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજનાર છે. જેમાં કૃષિ સહાય અંગેની જાહેરાત થનાર છે. આ બેઠકમાં વાવાઝોડાથી થયેલા નુકસાન અને સ્થિતિને પૂર્વવત કરવા અંગે ગહન ચર્ચા કરવામાં આવનાર છે.
તાઉતે વાવાઝોડાએ ગિરસોમનાથ, અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં વિનાશ વેર્યો છે. હજુ પણ આ ત્રણ જિલ્લાના અનેક વિસ્તારો અસરગ્રસ્ત છે. ત્યારે સરકાર દ્વારા આ વિસ્તારોમાં નુકસાનીનો સર્વે સહિતની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. વધુમાં આ વિસ્તારોમાં ખેતીને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. આ નુકસાન અંગે પણ સર્વેની કામગીરી ચાલી રહી છે. બહારના જિલ્લાઓમાં પણ નુક્સાનીનો સર્વે કરવા ટિમો બોલાવવામાં આવી છે.
આજ રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાનાર છે. આ આ કેબિનેટ બેઠકમાં તાઉતે વાવાઝોડાએ વેરેલા વિનાશ અંગે મહત્વની ચર્ચાઓ થનાર છે. આ બેઠકમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ પૂર્વવત કરવા અંગે પણ મહત્વની ચર્ચા થનાર છે. આ ઉપરાંત બેઠકમાં ખેતીને થયેલા નુકસાન અંગે પણ નિર્ણય લઈને બાદમાં તેની જાહેરાત કરવામાં આવી શકે છે. આ બેઠક બાદ કૃષિ મંત્રી દ્વારા મહત્વની જાહેરાત થાય તેવા ઉજળા સંકેતો પણ મળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે તાઉતે વાવાઝોડાને પગલે ઉનાળુ પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. આ નુક્સાનીમાં પ્રતિ હેકટર વધુ સહાય આપવા માટે ધારાસભ્ય અને સાંસદોએ મુખ્યમંત્રી તેમજ કૃષિમંત્રીને રજુઆત કરી છે. જેના પગલે આ કેબિનેટ બેઠકમાં સહાય અંગેનો મહત્વનો નિર્ણય લેવાય શકે છે.