મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં બજેટ સત્ર, ડિફેન્સ એકસપો, કોરોના ગાઈડલાઈન સહિતના મુદે વિસ્તૃત ચર્ચા: જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાની મંજૂરી અપાય તેવી સંભાવના
અબતક,રાજકોટ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં દર બૂધવારે રાજય સરકારના મંત્રી મંડળના સભ્યોની બેઠક મળે છે. આજે સવારે મળેલી કેબીનેટની બેઠકમાં ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો હોય કોવિડના નિયંત્રણો હળવા કરવા સહિતના મુદાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આગામી શુક્રવારે સવારે રાજયની આઠ મહાપાલિકામાં રાત્રિ કરફયુની અવધી પૂર્ણ થઈ રહી હોય તેમાં એક કલાકની વધુ છૂટછાટ આપવાની પણ વિચારણા કરવામાં આવી રહી છે. જૂનાગઢમાં મહાશિવરાત્રીનાં મેળો યોજવાની મંજૂરી આપવામા આવે તેવી પણ પ્રબળ સંભાવના જણાય રહી છે.
આજે સવારે મળેલી કેબિનેટ બેઠકમાં આગામી 1લી માર્ચથી બજેટ સત્રનો આરંભ થઈ રહ્યો છે. ત્યારે બજેટ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ડિફેન્સ એકસપોની તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી. રાજયમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.ત્યારે જૂનાગઢમાં પરંપરાગત મહાશિવરાત્રીનાં મેળો યોજવાની મંજૂરી આપવામાં આવે તેવી માંગણી ગઈકાલે કરવામાં આવી હતી ત્યારે રાજય સરકાર પણ હવે મહાશિવરાત્રીનો મેળો યોજવાની મંજૂરી આપવાનું વિચારી રહી છે. ત્યારે આજે મેળાને મંજૂરી આપવા પણ આજે કેબીનેટમાં ચર્ચા કરવામાં આવી હતી.
રાજયમાં કોરોનાની ત્રીજી લહેર હવે પૂર્ણતાના આરે છે. ત્યારે હવે રાત્રિ કરફયું સહિતના કોવીડ નિયંત્રણો હળવા કરવા અંગે પણ કેબીનેટમાં ચર્ચા કરાઈ હતી. રાજકોટ સહિત રાજયની આઠ મહાપાલિકાઓમાં હાલ રાત્રીના 12થી સવારના 5 વાગ્યા સુધી કરફયું છે જેમાં એક કલાકની વધુ છૂટછાટ આપવામાં આવે તેવી શકયતા રાખી છે.આ ઉપરાંત લગ્ન પ્રસંગમાં પણ સંખ્યામાં વધારો કરાશે.