કોરોનાના દર્દીઓ, કાયદો અને વ્યવસ્થા, અનાજ વિતરણ તેમજ શ્રમિકોને વતન પહોંચાડવા સહિતની કામગીરી મુદ્દે ચર્ચા
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં આજે સવારે સતત નવમી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કેબીનેટ બેઠક યોજાય હતી. જેના અનુસંધાને રાજકોટ ખાતે કલેક્ટર કચેરીમાં મંત્રી જયેશભાઇ રાદડીયા અને મંત્રી કુંવરજીભાઇ બાવળીયા બેઠકમાં ઉપસ્થિત રહી ચર્ચા વિચારણામાં સહભાગી થયા હતાં.
બેઠકની શરૂઆતમાં સચિવ અશ્વિનીકુમારે પ્રેઝન્ટેશન દ્વારા કોવિડ-૧૯ના સંદર્ભમાં સમગ્ર રાજ્યનો ચિતાર રજુ કર્યો હતો. જેમાં કોરોના વાયરસના દર્દીઓની વિગત, કાયદો અને વ્યવસ્થા, અનાજ વિતરણ, શ્રમિકોને ટ્રેન દ્વારા વતન પહોંચાડવા,વંદે ભારત મીશનથી વિદેશથી લોકોને પરત લાવવા, એસ.ટી.બસોનું સુચારૂ સંચાલન, ઔદ્યોગિક એકમો, મનરેગા, સુજલામ સુફલામ વગેરે બાબતોની સવિસ્તાર વિગતો રજુ કરી હતી. કોરોના સંક્રમણના સમયમાં આમ પ્રજાના કામોના નિર્ણયો અને અસરકારક પગલા જેવી બાબતો સામુહીક ચર્ચા-વિચારોથી લઇ શકાય તે માટે મુખ્યમંત્રીની પ્રેરણાથી વિડીયો કોન્ફરન્સ બેઠક યોજાઇ રહી છે. આજની બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ તેમજ મંત્રીમંડળના અન્ય મંત્રીઓ સબંધિત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કેબીનેટ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં. રાજકોટ ખાતે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન હાજર રહ્યા હતાં.
કેબીનેટ બેઠક બાદ મંત્રી જયેશ રાદડીયાએ જણાવ્યું હતું કે, ચાલુ મહિને એપીએલ કાર્ડ ધરાવતા ૪૨ લાક પરિવારોને અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે. હાલ ઘઉંની ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે. અંતમાં તેઓએ આત્મનિર્ભર યોજના વિશે જણાવ્યું કે, આ યોજનાને સારો પ્રતિસાદ મળ્યો છે. રાજકોટ જિલ્લા સહકારી બેન્કમાં આત્મનિર્ભર લોનની કાર્યવાહી ચાલી રહી છે. બાદમાં તેઓએ બિયારણ મુદ્દે કહ્યું કે, સારૂ બિયારણ સસ્તા ભાવે મળે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. બિયારણમાં કાળાબજાર ન થાય તે માટે તકેદારી પણ રાખવામાં આવી રહી છે.