મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને દર બુધવારે મંત્રી મંડળની બેઠક મળતી હોય છે. દરમિયાન આજ સાંજથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા હોવાના કારણે એક દિવસ વહેલી આજે સવારે કેબિનેટની બેઠક મળી હતી. જેમાં કોઇ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. પરંતુ રાજ્યની વર્તમાન સ્થિતિ અને આગામી આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.
નર્મદાના પુરથી નુકશાની, પીએમના પ્રવાસ અને વાયબ્રન્ટ સમિટ સહિતના મુદ્ે ચર્ચા
આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક મળી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થવાના કારણે ડેમના દરવાજા ખોલવામાં આવતા નર્મદાના પાણીના કારણે અનેક જિલ્લાના ગામડાઓમાં તબાહી મચી હતી. રાજ્ય સરકાર દ્વારા પુરગ્રસ્તો માટે સહાય જાહેર કરવામાં આવી છે.- છતા આજે કેબિનેટની બેઠકમાં પૂરગ્રસ્તોને વધુ સહાય આપવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. વાયબ્રન્ટ ગુજરાતની તૈયારી મુદ્ે પણ પ્રાથમિક ચર્ચા કરાય હતી.
આવતીકાલે મુખ્યમંત્રી સહિત આખુ મંત્રી મંડળ પીએમના કાર્યક્રમમાં વ્યસ્ત હોવાના કારણે આજે એક દિવસ વહેલી કેબિનેટની બેઠક યોજાઇ હતી.