કાલે ગુજરાતની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર.પાટીલ સાથે કરશે બેઠક: બોર્ડ-નિગમમાં ચેરમેન-વાઈસ ચેરમેનની નિમણુંકની અટકળો
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓનો બપોરનો એક કલાકનો સમય અનામત રાખવામાં આવ્યો છે. આ સમય દરમિયાન તેઓ રાજભવન ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ સાથે બેઠક કરશે. આવતા સપ્તાહે મંત્રી મંડળના વિસ્તરણ અને સંગઠનમાં ફેરફારની અટકળો વહેલી થવા પામી છે. બોર્ડ – નિગમમાં પણ ચેરમેન, વાઇસ ચેરમેન અને ડિરેકટરોની વરણી કરવામાં આવે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સતત બીજીવાર ભુપેન્દ્રભાઇ પટેલે શપથ ગ્રહણ કર્યા હતા. મંત્રી મંડળમાં માત્ર 16 સભ્યોનોસમાવેશ કરવામાં આવ્યા હતા. તમામ મંત્રીઓ પાસે ભારેખમ પોર્ટ ફોલીયો હોવાના કારણે કામનું ભારણ રહેતું હોવાની ફરીયાદો ખુદ મંત્રીમંડળના સભ્યો પણ કરી રહ્યા છે. મંત્રી મંડળના વિસ્તરણની વાતો છેલ્લા છેલ્લા ત્રણેય મહિનાથી ચાલી રહી છે. પરંતુ કોઇ કારણોસર વિસ્તરણ કરવામાં આવતું નથી. અગાઉ પણ ગુજરાતની મુલાકાતે આવેલા પીએમએ સરકાર અને સંગઠનના મુખ્ય લોકો સાથે બેઠક યોજી હતી. પરંતુ સરકાર કે સંગઠનમાં કોઇ ફેરફાર કરાયો ન હતો.
પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલની મુદત આગામી જુલાઇ માસમાં પૂર્ણ થઇ રહી છે. તેઓને રીપીટ કરવા કે કેન્દ્રમાં મોટી જવાબદારી સોંપ છે? તેનો નિર્ણય મોદી કે શાહ દ્વારા જ લેવામાં આવશે પ્રદેશ સંગઠન માળખામાં કોઇ મોટા ફેરફાર કરવામાં આવે તેવું હાલ લાગતું નથી. નાના મોટા ફેરફાર કરવામાં આવશે. કેટલાક જીલ્લા અને મહાનગરોના પ્રમુખો ફેરવાય તેવી શકયતા દેખાય રહી છે. લોકસભાની સામાન્ય ચૂૂટણીના આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં સતત ત્રીજી વખત લોકસભાની તમામ ર6 બેઠકો કબ્જે કરવા માટે ભાજપ દ્વારા તૈયારીઓ મહિનાઓ પહેલા શરુ કરી દેવામાં આવી છે. હવે આ મિશનને પાર ઉતારવા માટે મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવશે જેમાં હાલ સરકારમાં જે જિલ્લાને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી તેનો સમાવેશ કરવામાં આવે તેવી સંભાવના પણ દેખાય રહી છે. મંત્રી મંડળમાં નવા 8 થી 9 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવે તેવું લાગી રહ્યું છે.
વિધાનસભાની ગત ચુંટણીમાં પ્રબળ દાવેદાર હોવા છતાં જે સનિષ્ઠ કાર્યકતાઓને કોઇ કારણોસર ટિકીટ આપી શકાય ન હતી. છતા તેઓને વફાદારી સાથે ભાજપના ઉમેદવારોને જીતાડવા કાળી મજુરી કરી છે તેઓની વફાદારીની કદર કરવામાં આવશે. સીનીયોરીટીના આધારે તેઓનો અલગ અલગ બોર્ડ નિગમોમાં ચેરમેન- વાઇસ ચેરમેન અથવા ડિરેકટર તરીકે નિયુકિત કરવામાં આવશે.
આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ગુજરાત પ્રવાસ બાદ આવતા સપ્તાહે મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવે. સંગઠનમાં ફેરફાર કરાય અને બોર્ડ નિગમમાં નિમણુંક કરાય તેવી સંભાવના વધુ પ્રબળ બની રહી છે.