કોરોનાની સંભવીત લહેર અંગે પણ કેબિનેટમાં વિસ્તૃત ચર્ચાઓ કરાય: વેક્સિનના ડોઝ વહેલી તકે પહોંચાડવાનું ઘડાતું આયોજન
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આજે સવારે ગાંધીનગર ખાતે મંત્રી મંડળની એક બેઠક મળી હતી. જેમાં નવી સરકારના આગામી 100 દિવસના કાર્યક્રમના રોડ મેપ ઝડપથી તૈયાર કરવા ચર્ચા કરવામાં આવી હતી. તમામ 16 મંત્રીઓ સીએમના આદેશ બાદ આજે પ્રથમવાર કેબિનેટ બેઠકમાં મોબાઇલ વિના હાજર રહ્યા હતાં. કેબિનેટ બેઠકમાં આજે અગ્રસ્થાને કોરોનાની ચર્ચા રહી હતી. ચીન સહિત વિશ્ર્વના અનેક દેશોમાં ફરી કોરોનાએ હાહાકાર મચાવવાનું શરૂ કર્યું છે ત્યારે ભારત કોરોનાની સંભવિત લહેરને ખાળવા સજ્જ બની ગયું છે.
ગઇકાલે રાજ્યની તમામ કોવિડ હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજવામાં આવી હતી. કોવિડ સામેની લડાઇ માટે ગુજરાત કેટલું તૈયાર છે શું ખુટે છે અને હજી શરૂ કરવાની જરૂરિયાત છે તેની પણ કેબિનેટ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી હતી. કોરોનાનો ખતરો વધતા હવે બુસ્ટર ડોઝ લેનારાઓની સંખ્યામાં વધારો થયો છે. રાજ્યમાં વેક્સિનના ડોઝ ખૂંટી રહ્યા છે ત્યારે આજે કેબિનેટમાં રાજ્યના તમામ શહેરોને પૂરતા પ્રમાણમાં વેક્સિન પહોંચાડવાનું પણ આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું.
કેબિનેટમાં મંત્રીઓ મોબાઇલ ફોન લઇને આવી શકશે નહી તેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના આદેશ બાદ આજે પ્રથમવાર મળેલી કેબિનેટમાં તમામ 16 મંત્રીઓ મોબાઇલ ફોન વિના જ કેબિનેટમાં હાજર રહ્યા હતાં.