કેન્દ્રની મોદી સરકારે બુધવારે ખાંડ ઉદ્યોગ માટે 4500 કરોડ રૂપિયાના પેકેજને મંજૂરી આપી. કેબિનેટે નવી ટેલિકોમ નીતિને પણ લીલી ઝંડી બતાવી છે. ખાંડ ઉદ્યોગના પેકેજની મંજૂરી પછી હવે તે હેઠળ શેરડીના ખેડૂતોને ઉત્પાદન માટે મળતી મદદમાં બેગણો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે માર્કેટિંગ વર્ષ 2018-19 માટે 50 લાખ ટનની નિકાસ માટે મિલોને પરિવહન સબસીડી સામેલ છે.

મંત્રીમંડળની આર્થિક મામલાઓની સમિતિ (સીસીઇએ)ની અહીંયા થયેલી મીટિંગમાં આ સાથે સંબંધિત ખાદ્યમંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી. તેમાં ખાંડની મિલોને શેરડીના બાકી દેવાંની ચૂકવણીમાં સહયોગ માટે દેશમાં આ સમયે ખાંડના અનામત જથ્થાની સમસ્યાના સમાધાનનો પ્રસ્તાવ છે. મિલો પર શેરડીના ખેડૂતોનું અત્યારે લગભગ 13,000 કરોડ રૂપિયાનું દેવું છે.

આ વર્ષે ઘણા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી તથા આગામી વર્ષે કેન્દ્રમાં સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર શેરડીના ખેડૂતોના બાકી દેવાની ચૂકવણીનો મુદ્દો ઉકેલવા માંગે છે. ખાંડઉદ્યોગને સંકટમાંથી ઉગારવા માટે આ બીજું સરકારી નાણાકીય પેકેજ છે. આ પહેલા જૂનમાં સરકારે 8500 કરોડ રૂપિયાના પેકેજની ઘોષણા કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.