મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના અઘ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટમાં પીએમના ગુજરાત પ્રવાસ, ભાર વરસાદ-નવી શિક્ષણ નીતિની અમલવારી અંગે ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી ગુરૂવારથી બે દિવસ માટે માદરે વતન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓના કાર્યક્રમને લઇ રાજય સરકારના મંત્રીમંડળના સભ્યોની બેઠક એક દિવસ વહેલી મળી હતી. જેમાં વિવિધ વિષયો પર ચર્ચાઓ કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના અઘ્યક્ષ સ્થાને દર બુધવારે સવારે રાજય સરકારના મંત્રીમંડળના સભ્યોની બેઠક મળતી હોય છે. દરમિયાન આગામી ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ રાજકોટ ઉપરાંત ગાંધીનગર ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. આવતીકાલથી તમામ મંત્રીઓ પી.એમ.ના કાર્યક્રમને લઇ વ્યસ્ત થઇ જશે. જેના કારણે આજે સવારે ગાંધીનગર સ્થિત સચિવાલય ખાતે સીએમની આગેવાનીમાં કેબીનેટની બેઠક મળી હતી.
કેબીનેટ બેઠકમાં વડાપ્રધાનના ગુજરાત પ્રવાસની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજયમાં પડેલા અનરાધાર વરસાદના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ, ભારે વરસાદથી પાકને થયેલા પારાવાર નુકશાન, વાવણી નિષ્ફળ જવી, જળાશયોમા પાણીની આવક અને ગુજરાતમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અમલવારી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પી.એમ. નરેન્દ્રભાઇ મોદી ગુરુવારે રાત્રે ભાજપના ધારાસભ્યો અને સાંસદો સાથે ડિનર લેવાના હતા. પરંતુ હવે આ કાર્યક્રમમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી શુક્રવારે બપોરે ભાજપના ધારાસભ્યો અને સાંસદ ઉપરાંત સંગઠનના હોદેદારો સાથે બપોરે ભોજન લેશે.