શહેરીજનો કાલે તિરંગા યાત્રાથી રચાશે ઈતિહાસ: રાજુ ધ્રુવ
રાષ્ટ્રનાં પૂન: નિર્માણ માટે આવેલા કાયદાને સર્વ સમાજનું સમર્થન : નરેન્દ્ર મોદી અને અમિત શાહે લીધેલા મકકમ પગલાથી કોંગ્રેસ સહિતના લેભાગુ પક્ષો હલબલી ગયા છે
શરુઆતથી જ રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલું આ શહેર કાલે રાષ્ટ્રવાદનો જોરદાર પરચો આપવાનું છે. સિટિઝન એમેડમેન્ટ એક્ટ-સીએએના સમર્થનમાં આવતીકાલે વિશાળ રેલી અહીં યોજાવાની છે. રાજકોટના માર્ગો પર તિરંગો ધ્વજ અને એના માટેની ભારોભાર લાગણી છવાઇ જવાની છે. આ રાજકોટે હંમેશા જાતિવાદી,ધર્માંધ તત્વોને જાકારો આપ્યો છે. સીએએ પણ દેશના પુનનિર્માણનું એક નક્કર અને મક્કમ પગલું છે. દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, ગૃહપ્રધાન અમિતભાઇએ શાહે વિશાળ જનહિતને ધ્યાને રાખી, પાડોશી દેશોમાં પરેશાન થતા લઘુમતિઓના ભલાં માટે જે કામ કર્યું છે તેને દેશ ભરમાંથી સમર્થન છે જ. મુઠ્ઠીભર સ્વાર્થી નેતાઓને બાદ કરતાં કોઇ એની વિરુધ્ધ નથી. ત્યારે આવતીકાલે રાજકોટ પણ આ જંગી રેલી દ્વારા દુનિયા અને દેશને બતાવી દેશે કે સીએએ ને સામાન્ય લોકોનું કેટલું અને કેવડું સમર્થન છે.
સીએએ મૂળ કલ્પના તો મહાત્મા ગાંધીજીની હતી. આઝાદી વખતે દેશના ભાગલા પડ્યા ત્યારે એમની ઇચ્છા હતી કે જે લોકો પાકિસ્તાનમાં છે એ લોકો અહીં આવીને વસવા ઇચ્છે તો વસી શકે. સરદાર વલ્લભભાઇ પટેલે પણ આ દિશામાં જ કામ કર્યું હતું. અને તાજેતરમાં માનનીય નરેન્દ્રભાઇ મોદીએ લોકસભામાં ઐતિહાસિક તથ્યો સાથે રજૂઆત કરી હતી કે જવાહરલાલ નહેરુએ પણ આ અંગે પત્રવ્યવહાર અને કામ કર્યું હતું. સીએએ જરા પણ કોઇ ધર્મ કે જાતિની વિરુધ્ધમાં નથી. અહીં કોઇની નાગરિકતા છીનવવાની વાત નથી. ઉલટું નાગરિકતા આપવાની વાત છે. ભાજપની સરકારે આ કાયદો પસાર કર્યો એનાથી કેટલાક પક્ષોના પેટમાં તેલ રેડાયું છે.
જેનું અસ્તિત્વ ભૂંસાઇ ગયું છે એવી કોંગ્રેસ સત્તા વગર હવાતિયાં મારે છે એટલે એ દેશહિત જોઇ નથી શકતી. એ ઉપરાંત જે લોકો માટે માત્ર મત અને સત્તા જ અગત્યના છે એવા લોકો આ સીએએ માટે લોકોમાં, લઘુમતિઓમાં ગેરસમજ ફેલાવી રહ્યા છે. પરંતુ પ્રજા પણ બધું જાણે છે. આ ગેરસમજ ન ફેલાય અને લોકો સુધી સાચી વાત પહોંચે એ માટે આ રેલી કાઢવામાં આવી રહી છે. આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણી આ રેલીને ફ્લેગ ઓફ કરાવશે. રાજકોટના લોકોને એમાં મોટી સંખ્યામાં જોડાવા નિમંત્રણ અને અનુરોધ છે.
જેના સમર્થનમાં આ રેલી નીકળી રહી છે એ સીએએ આખરે છે શું એ પણ સમજવું જોઇએ.
હિંદુ, શિખ, બુદ્ધ, જૈન, પારસી અને ઈસાઈ ધર્મ અનુસરતા લોકો કે જેઓ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અથવા બાંગ્લાદેશના હોય, અને જેઓ ભારતમાં ૩૧ ડિસેમ્બર ૨૦૧૪ના દિવસે અથવા એથી પહેલા આવ્યા હોય, તેમને આ કાયદા મુજબ ગેરકાયદે વસવાટ કરનાર નહીં ગણાય. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અથવા બાંગ્લાદેશના ધાર્મિક લઘુમતિ નાગરીકો પર તેમના દેશમાં અત્યાચાર થઈ રહ્યાં છે અને એ વાત કોઈનાથી છુપી નથી. પાકિસ્તાનમાં કઈ રીતે હિંદુ અને શિખ દીકરીઓને ઉઠાવી જઈ, બળજબરીથી લગ્નો કરાવી ધર્મ પરીવર્તન કરાવાય છે એ જગજાહેર છે. આઝાદીના સમયથી આજ સુધી હિંદુઓની સંખ્યા કેટલી ઘટી એના આંકડા પણ ગૂગલ પર એક ક્લિકે મળી રહેશે. એટલે ધાર્મિક રીતે એ દેશના લઘુમતિ લોકોને ભારતમાં કાયમી વસવાટ કરવાની ઉપરોક્ત શરતોને આધીન પરવાનગી આ કાયદો આપે છે. એક સવાલ એ થાય કે મુસ્લિમોને કેમ આ કાયદામાંથી બાકાત રખાયા છે? એમની સાથે પણ અત્યાચારો થાય છે.
આ માટે ઇતિહાસ જોવો જરૂરી છે. ભારતનું વિભાજન ૧૯૪૭માં થયું ત્યારે ભારતના લોકોને તેમની પસંદગીનો ધર્મ પાળવાની સ્વતંત્રતા મળી જ્યારે પાકિસ્તાન ઇસ્લામિક રાષ્ટ્ર બન્યું કારણ કે એને બનાવવા પાછળનું કારણ જ ઇસ્લામિક રાષ્ટ્ર બનવાનું હતું. શિયા અને અહમદીયા મુસ્લિમોએ પણ પાકિસ્તાનના નિર્માણમાં ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો. તો પછી શિયા અને અહમદીયા લોકો કઈ રીતે ધાર્મિક રીતે પ્રતાડિત લઘુમતી થાય? અને મૂળભૂત રીતે જોઈએ તો મુસ્લિમ રાષ્ટ્રોમાં મુસ્લિમ લઘુમતી કઈ રીતે હોઈ શકે? એ સિવાયના ધર્મના લોકો જેમને સતત ધાર્મિક માન્યતાઓને લીધે છેલ્લા ૭૦થી વધુ વર્ષોથી હેરાન કરવામાં આવે છે એ લોકો ભારત પાસેથી મદદની અપેક્ષા રાખી શકે. જો ભાગલા સમયે શિયા અને અહમદીયા મુસ્લિમોએ પાકિસ્તાનના સમર્થનમાં મુસ્લિમ લીગને વોટ ન આપ્યા હોત તો કદાચ પાકિસ્તાનનું સર્જન જ ન થયું હોત. શ્રીલંકા અને ફિજીના તમિલ હિંદુઓ માટે પણ એ જ કહી શકાય, એમને પણ ધાર્મિક આધાર પર પ્રતાડિત હોવાને લીધે નાગરિકતા નહીં મળે કારણ કે શ્રીલંકા કે ફિજી ભારતનો ભાગ નહોતા. જો આ તમિલ હિંદુઓને સ્વીકારાયા હોત તો ચોક્કસ આ બિલ એકપક્ષીય અને સંવિધાનની મૂળ વિભાવનાના વિરોધમાં હોત. વળી પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ મુસ્લિમ બહુમતીવાળા દેશો છે કે જેમણે તાજેતરના દાયકાઓમાં ઇસ્લામને સત્તાવાર રાજ્ય ધર્મ જાહેર કરવા તેમના બંધારણમાં ફેરફાર કર્યા છે. તેથી, ભારત સરકારના મતે આ ઇસ્લામી દેશોના મુસ્લિમો “ધાર્મિક દમનનો સામનો કરે તેવી સંભાવના” નથી, કારણ કે એ ઇસ્લામી દેશ છે, શિયા, સુન્ની કે અહમદીયા દેશો નથી. આ કારણે મુસ્લિમ બહુમતીવાળા આ દેશોમાં મુસ્લિમ લઘુમતીનો પ્રશ્ન ઉદભવતો નથી.
સીએએ ભારતીયોની નાગરિકતાને કોઈપણ પ્રકારની અસર કરતો નથી
૨૦૧૪ પછી આવેલા માટે નાગરિકતા નથી, કોઈ નવું આવવાનું નથી. ધાર્મિક કે અન્ય કોઈ પણ આધાર પર પ્રતાડિત ભારત આવવા માંગતા અહમદીયા, શિયા કે અન્ય કોઈ પણ મુસ્લિમો માટે યુ.પી.એ સરકાર દ્વારા ૨૦૧૧માં નાગરિકતા માટે પ્રસ્થાપિત પ્રક્રિયા જ અત્યારે પણ ચાલી રહી છે અને ચાલતી રહેશે. સરકારે મુસ્લિમોને પણ પ્રતાડિત ગણીને લાંબા સમયના વીઝા આપ્યા જ છે.
સરકારે ભારપૂર્વક જણાવ્યું છે કે સી.એ.એ હાલના ભારતીય નાગરિકોને તેમની નાગરિકતાને કોઈપણ રીતે અસર કરશે નહીં. સી.એ.એ ભારતીય સંવિધાનના ૧૪, ૧૫ અને ૨૧મી કલમનું ઉલ્લંઘન કરતો હોવાના વિપક્ષના દાવાને પણ નિષ્ણાતો દ્વારા દુષ્પ્રચાર જ ગણવામાં આવ્યો છે. મુસ્લિમો સાથે ભેદભાવ કરવામાં આવશે તેવા દાવા સ્થાપિત હિતોના રાજકીય પાર્ટિઓના અને દેશમાં અસ્થિરતા લાવવા માંગતા લોકોના દુષ્પ્રચાર પર આધારિત છે. અને હજુ એન.આર.સી ક્યાંય છે નહીં ત્યારે નાગરિકતા જતી રહેશે અને અમે એન.આર.સી માટે કાગળ નહીં બતાવીએ વાળી વાતો ગેરમાર્ગે દોરનારી જ છે. તમારી પાસે પાનકાર્ડ, પાસપોર્ટ, વોટર આઈ.ડી, આધારકાર્ડ, રેશનકાર્ડ, જન્મનું પ્રમાણપત્ર, શાળા કોલેજના રિઝલ્ટ, તમારા નામનું સિમકાર્ડ કે બેંક ખાતું કોઈ કાગળ નથી? તો તમે ભારતીય નાગરિક કઈ રીતે છો? મારા ૯૭ વર્ષે અવસાન પામેલા દાદીનું પણ વોટર આઈ.ડી અને આધારકાર્ડ હતું, તે રેલ્વેમાં ક્ધસેશન પણ મેળવતા. સી.એ.એ. વિશેનો બધો જ દુષ્પ્રચાર આ પહેલા આવેલા ટ્રિપલ તલાક, રામમંદિર બાબરી મસ્જીદ નિર્ણય અને હવે આવનારા કોમન સિવિલ કોડને લીધે જેમની દુકાનો બંધ થઈ રહી છે તેવા સ્થાપિત હિતોની કાગારોળ માત્ર છે જેને પૂરતું આર્થિક અને રાજકીય પીઠબળ મળ્યું છે એટલે સતત ધગતું રહે છે.