એમ.એસ.યુનિવર્સિટી ખાતે ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ઇન્સ્ટિટ્યુટ ઓફ પોલિસી રિસર્ચ એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડિઝ ભવનનું લોકાર્પણ અને નામાભિધાન
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વડોદરા એમ એસ યુનિવર્સિટી ખાતે ભારત રત્ન અટલ બિહારી બાજપેયી ઇન્સ્ટિટ્યુટ ઓફ પોલિસી રિસર્ચ એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડિઝ ભવનનું લોકાર્પણ અને નામાંકન કર્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર ભારતમાં કોટ્ટય્યમ સહિતની ત્રણ જગ્યાએ પોલિસી રિસર્ચ એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડિઝ થાય છે વડોદરા એ ગુજરાતમાં પ્રથમ અને ભારતમાં ચોથું સ્થળ બન્યું છે. શિક્ષણલક્ષી અભિગમને પગલે રાજય સરકાર દ્વારા રૂ.૪ કરોડનું અનુદાન આ ભારત રત્ન અટલ બિહારી બાજપેયી ઇન્સ્ટિટ્યુટ ઓફ પોલિસી રિસર્ચ એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડિઝ ભવન નિર્માણ માટે ફાળવવામાં આવ્યું છે.
વડોદરા એમ એસ યુનિવર્સિટીને ઇન્સ્ટિટ્યુટ ઓફ પોલિસી રિસર્ચ એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડિઝને ભારત રત્ન અટલ બિહારી બાજપેયીના નામ સાથે જોડવા બદલ અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, ભારત આઝાદ થયે સ્વરાજય પછી સુરાજયની નાગરિકોની અપેક્ષાઓને સ્વ.અટલજીએ પૂર્ણ કરી હતી. સમગ્ર ભારતને સુશાસનનો પરિચય તેમણે કરાવ્યો હતો આથી તેમના જન્મદિન તા.૨૫ ડિસેમ્બરને સુશાસન દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી રૂપાણીએ વધુમાં કહ્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ભારતને વૈશ્વિક પટલ પર મૂકી રહ્યા છે ત્યારે એમ એસ યુનિવર્સિટી ખાતે ભારત રત્ન અટલ બિહારી બાજપેયી ઇન્સ્ટિટ્યુટ ઓફ પોલિસી રિસર્ચ એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડિઝ એ રાઇટ ટાઇમ ફોર રાઇટ જોબ થઇ રહ્યું છે તે અભિનંદનપાત્ર છે. મહારાજા સયાજીરાવને ગાયકવાડી રાજય વ્યવસ્થામાં સુશાસન માટે યાદ કરી પ્રવર્તમાન સમયે રાજયકર્તાઓ માટે તે પ્રેરક હોવાનું પણ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ.
સ્વામી વિવેકાનંદજીએ શિકાગોમાં પ્રવચન આપી ભારતને અલગ ઓળખ અપાવી હતી તેમ ભારત રત્ન સ્વ. અટલ બિહારી બાજપેયીજીએ વડાપ્રધાનકાળ દરમિયાન ભારતને વૈશ્વિક સ્તરે જુદી ખ્યાતિ અપાવી હતી. તેમણે યુનોમાં હિન્દીમાં પ્રવચન આપી ભારતની અલગ ઓળખ પ્રસ્થાપિત કરી હતી. તેમણે સ્વ.બાજપેયીજીની કવિતાનું પઠન કરી તેમના વિચારો માનવજાત માટે પ્રસ્તુત અને દુનિયા માટે પ્રેરક હોવાનું કહ્યું.
મુખ્યમંત્રી રૂપાણીએ ભારતીય સંસ્કૃત્તિ વિશેષ તથા હિંદુસ્તાન અટલ અને અજેય હોવાનું જણાવતા કહ્યું કે, એમ એસ યુનિવર્સિટીએ બંધારણના ઘડવૈયા ડો.આંબેડકર અને યુગદ્રષ્ટા મહર્ષિ અરવિંદ, ડો.જીવરાજ મહેતા અને હંસાબેન મહેતા સહિતના મહાનુભાવો આપ્યા છે. રાજયમાં સૌથી વધુ ફેકલ્ટીઝ એમ એસ યુનિવર્સિટીમાં કાર્યરત છે ત્યારે વધુમાં વધુ વિદ્યાર્થીઓ શિક્ષિત અને દિક્ષિત બને તેવી શુભેચ્છાઓ તેમણે પાઠવી હતી. એમ એસ યુનિવર્સિટીની સફળતામાં વધુ એક પીંછું ઉમેરાયું છે, ભારતમાં ત્રણ જગ્યાઓ પર પોલિસી રિસર્ચ એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડિઝ થઇ રહેલ છે વડોદરા દેશમાં ચોથું અને ગુજરાતમાં પ્રથમ કેન્દ્ર બન્યું છે. વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય સ્તરના રાજકારણ અને પોલિસીમાં રસ દાખવે, ફોરેન પોલિસીનું ઘડતર કરે અને ગુજરાત રાજયને આ ક્ષેત્રમાં એક અલગ ઓળખ અપાવે તેવી તેમણે શુભેચ્છા પાઠવી હતી.
એમ એસ યુનિવર્સિટીએ ગુજકોકના સમર્થનમાં ૨૪ કલાકમાં ૧૬ હજાર સહીઓ કરાવી હતી. તેમણે ભારતમાં શિવથી પ્રવર્તમાન સમયના તત્વદર્શનની વાત જણાવી તમામ સંસ્કૃત્તિને ભારતે સમાવી હોવાનું જણાવતા કહ્યું કે, સીએએ નાગરિકત્વ સંશોધન બિલ પસાર થયું-પારિત થયું છે. જવાહરલાલ નહેરુ અને લિયાકત અલીએ ધાર્મિક ધોરણે કાર્ય કર્યુ હતુ. ગાંધીજીના વિચારો હતા કે પાકિસ્તાનમાં વસતા હિંદુઓને ભારતીય નાગરિકત્વ અને ભારતમાં વસતા મુસ્લિમોને પાકિસ્તાનનું નાગરિકત્વ મળવું જોઇએ. સીએએ નાગરિકત્વ સંશોધન બિલથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના હિંદુ,શીખ,ઇસાઇ અને બૌધ્ધ ધર્મના લોકોને ભારતનું નાગરિકત્વ મળી શકશે. એ રાષ્ટ્રોમાં હિંદુઓ પર થતાં અત્યાચારો અટકે, તેમને ન્યાય મળે તે જરૂરી છે. ભારતમાં મુસ્લિમો સુખી અને સંપન્ન થયા છે.
વોટબેંકથી ઉપર ઉઠીને સીએએ નાગરિકત્વ સંશોધન બિલ પર રિસર્ચ થાય, ચર્ચા-વિચારણા થાય તે જરૂરી છે. બહારથી આવેલ હિંદુઓને નાગરિકત્વ આપવાની વાત છે કોઇનું નાગરિકત્વ લઇ લેવાની વાત નથી. અમુક તત્વો ખોટી વાત-અફવા ઉડાડી યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. છાત્રશક્તિ રાષ્ટ્રશક્તિ છે યુવાનો કાલના નહિ આજના નાગરિક છે. ભારત મહાસત્તા બનવા જઇ રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્ટડીઝ કરી ભારતના ઘડવૈયા બનવા શુભકામનાઓ પાઠવી હતી.