પ્રદેશ ભાજપના ચારેય ઝોનના મહામંત્રીની કરાશે નિમણૂક : સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી કોના શિરે? આતુરતાપૂર્વક જોવાતી રાહ
શિસ્તના આગ્રહી મનાતા એવા સી.આર.પાટીલે અગાઉ જ જાહેર કરી દીધું હતું કે હવેથી પાર્ટીમાં કોઈને લાગવગના જોરે સ્થાન મળશે નહીં. ત્યારે હવે સી.આર.પાટીલ સૌરાષ્ટ્રના ચારેય ઝોનમાં મહામંત્રીની નિમણૂક કરવા જઈ રહ્યા છે. ત્યારે આ જવાબદારી કોના શિરે જશે તેના સૌ કોઈ મીટ માંડીને બેઠા છે.
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે સી.આર. પાટીલની નિમણૂક થતા વેંત જ તેઓએ પક્ષમાં શિસ્ત જાળવવા કમર કસવાનું શરૂ કર્યું હતું. થોડા જ સમયમાં સી.આર.પાટીલે આગેવાનોથી માંડીને કાર્યકર્તાઓ તમામના પ્રશ્નો જાણીને તેના ઉકેલ લાવવાની કવાયત હાથ ધરી હતી. આ સાથે સી.આર.પાટીલે સ્પષ્ટપણે એવો સંદેશ પણ પ્રસરાવ્યો હતો કે હવે પક્ષમાં કોઈ પણ પ્રકારની થોડી એવી પણ લાગવગશાહી ચાલશે નહિ.વધુમાં સી.આર. પાટીલ શિસ્તના આગ્રહી હોય પક્ષમાં પણ હવે ધીમે ધીમે તેમના ધાર્યા મુજબ ચાલી રહી છે. સી.આર. પાટીલ પક્ષમાં નાનામાં નાના કાર્યકરની પણ કિંમત જાણતા હોય કાર્યકર્તાઓને સી.આર.પાટીલ ખૂબ પસંદ આવ્યા છે. સી.આર.પાટીલ આવ્યા ત્યારથી કાર્યકર્તાઓનો ઉત્સાહ બમણો થયો છે.
હવે પક્ષમાં જરૂરી ફેરફારો કરવાની આવશ્યકતા હોય સી.આર.પાટીલ તેમના અનોખા વિઝનથી પાર્ટીમાં જરૂરી ફેરફારો કરવા લાગ્યા છે. પ્રદેશ ભાજપના ચારેય ઝોન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મહામંત્રીની નિમણૂકની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે સૌ કોઈ આ જવાબદારી કોના શિરે જશે તે જાણવા મીટ માંડીને બેઠા છે.
પ્રદેશ ભાજપમાં સૌરાષ્ટ્ર વજન હમેશા રહ્યું છે. સી.આર.પાટીલ વખતમાં પણ આ વજન યથાવત રહેશે તેવી અગ્રણીઓ આશા સેવી રહ્યા છે. સી.આર.પાટીલે નવી ટિમ રચવાનો તખ્તો ઘડી લીધો છે. ત્યારે હવે આ ટીમમાં કોને સ્થાન મળશે તેની સૌ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. ચારેય ઝોનમાં મહામંત્રીના પદ ઉપર કોને બેસાડવામાં આવશે તે સસ્પેન્સ છે. એ મુદ્દો પણ ચર્ચાનો વિષય છે કે સી.આર.પાટીલ કોના ઉપર વિશ્વાસ મૂકીને પદની સોંપણી કરે છે. કોઈ જુના ધુરંધરને જવાબદારી સોંપે છે કે કોઈ નવા ચહેરાને સ્થાન આપશે તેવો ગણગણાટ થઈ રહ્યો છે.