વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની 28મીએ આટકોટની મૂલાકાત આવતા હોય તૈયારીના ભાગરૂપે ભાજપ અધ્યક્ષે રાજકોટની મૂલાકાત દરમિયાન યોજી બેઠક
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ આજે રાજકોટની મૂલાકાત પર છે તેઓએ સવારે સર્કિટ હાઉસ ખાતે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના ભાજપના હોદેદારો, સંસદસભ્ય, ધારાસભ્યો, પૂર્વસાંસદ, પૂર્વ ધારાસભ્ય અને માર્કેટીંગ યાર્ડના પ્રમુખ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.
અમદાવાદના બાવળા ખાતે બે દિવસીય ભાજપની ચિંતન બેઠક પૂર્ણ થયા બાદ આજે સવારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનું સવારે રાજકોટ ખાતે આગમન થયું હતુ. તેઓએ જે.એમ.જે.ગ્રુપ આયોજીત 101 દિકરીઓનાં સમૂહ લગ્નમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા દરમિયાન તેઓએ 11.30 કલાકે રાજકોટમાં સર્કિટ હાઉસ ખાતે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી, પોરબંદર,બોટાદ જિલ્લાના ભાજપના જિલ્લા તથા શહેર પ્રમુખ મહામંત્રીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં સૌરાષ્ટ્રના તમામ સંસદ સભ્યો, ધારાસભ્યો ઉપરાંત માર્કેટીંગ યાર્ડના પ્રમુખો, પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્યો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.
આગામી 28મી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈમોદી જસદણના આટકોટ ખાતે કે.ડી.પરવાડીયા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના ઉદઘાટન માટે ગુજરાતની મૂલાકાતે આવી રહ્યા છે. ત્યારે પી.એમ.ના કાર્યક્રમના આયોજન માટે સી.આર. પાટીલે રાજકોટની મૂલાકાત દરમિયાન સૌરાષ્ટ્રના ભાજપના નેતાઓ, સંસદ સભ્યો, ધારાસભ્યો અને યાર્ડના પ્રમુખ સાથે બેઠક યોજી હતી.
આ બેઠકમાં તમામ જિલ્લા પ્રમુખોને પોતાના જિલ્લામાંથી શકય તેટલી વધુ માનવ મેદની વડાપ્રધાનના કાર્યક્રમમાં એકત્રીત કરવા માટે તાકીદ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે.તેમ તેમ ભાજપના મોટાનેતાઓનાં આંટાફેરા ગુજરાતમાં વધ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતની મુલાકાતે હતા હવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની મૂલાકાતે આવી રહ્યા છે.
બીજી તરફ મૂખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષના આંટા ફેરા સૌરાષ્ટ્રમાં વધ્યા છે. ત્રણ દિવસ પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજકોટની મૂલાકાતે આવ્યા હતા આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ રાજકોટમાં છે જયારે મુખ્યમંત્રી મોરબીનાં વવાણીયા ગામની મૂલાકાત પર છે.સર્કિટ હાઉસ ખાતે ભાજપના આગેવાનો સાથે બેઠક બાદ તેઓ સુપોષણ અભિયાનનો આરંભ પણ કરાવશે.
શહેરના 150 ફૂટ રીંગરોડ પર ભાજપ કાર્યાલયનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જે હાલ પૂર્ણતાના આરે છે. બપોરે 2 કલાકે સી.આર. પાટીલ આ કાર્યાલયની મૂલાકાત લઈ જરૂરી સુચન કરશે.