સંસદ સભ્યો, ધારાસભ્યો, સૌરાષ્ટ્રના મેયર, સંગઠનના હોદ્ેદારો માટે મેયર બંગલે જમણવાર
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે બપોરે અલગ-અલગ વિકાસકામોના લોકાર્પણ માટે રાજકોટ પધાર્યા હતા. દરમિયાન પીએમના આગમન પૂર્વે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ચાર કલાક અગાઉ રાજકોટ આવી પહોંચ્યા હતા. તેઓએ બપોરનું ભોજન પણ મેયર બંગલા ખાતે લીધું હતું. સાથોસાથ સભા સ્થળ અને સભામાં કેટલી માનવ મેદની ઉમટશે? તેની સમિક્ષા કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ બપોરે 2:00 વાગ્યે રાજકોટ આવી પહોંચ્યા હતા.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનું બપોરે 12:00 કલાક આસપાસ રાજકોટમાં આગમન થયું હતું. એરપોર્ટ પર શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, મેયર ડો.પ્રદિપ ડવ અને ધારાસભ્યોએ તેઓને આવકાર્યા હતા. તેઓએ બપોરનું ભોજન રેસકોર્સ સ્થિત મેયર બંગલા ખાતે લીધું હતું. તેઓની સાથે સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઇ ચાવડા પણ આવ્યા હતા. પીએમના કાર્યક્રમમાં સામેલ થવા માટે આવેલા સૌરાષ્ટ્રભરના ધારાસભ્યો અને સાંસદ સભ્યો જ્યારે અલગ-અલગ મહાપાલિકાના મેયર અને સંગઠનના હોદ્ેદારો માટે મેયર બંગલે ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, મુખ્યમંત્રી રાજકોટ આવ્યા બાદ સીધા જ સર્કિટ હાઉસ ખાતે ગયા હતા. વડાપ્રધાનની રાજકોટની સભા ઐતિહાસિક બની રહે તે માટે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ખૂદ માર્ગદર્શન આપી રહ્યા છે.
આજે તેઓ સભાના ચાર કલાક અગાઉ જ રાજકોટ આવી પહોંચ્યા હતા અને મેયર બંગલા ખાતે તેઓએ શહેર ભાજપના સંગઠનના હોદ્ેદારો, કોર્પોરેશનના પદાધિકારીઓ, સાંસદ સભ્યો અને ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. સભાના આયોજન અને સંભવિત: માનવ મેદની અંગે રજેરજની માહિતી મેળવી હતી. સાથોસાથ જરૂરી સૂચનાઓ પણ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે રાજ્ય સરકારના મંત્રી મંડળના સભ્યો સાથે બેઠક યોજવાના હોય તેમાં પણ સી.આર.ને હાજરી આપવાની છે. રાજકોટમાં પીએમની સભા પૂર્ણ થતાની સાથે જ સી.આર. પણ ગાંધીનગર જવા માટે રવાના થઇ જશે.