ફંગસ વિરોધી દવાઓના વધુ ઉપયોગથી સમસ્યા વકરી બાળકો, વૃદ્ધો, ડાયાબિટીસ પીડિતો માટે વધુ જોખમી

ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં કેન્ડિડા ઓરિસ ફંગસ જીવાણુ ફેલાઈ રહ્યા છે. આ જંતુ એટલા ઝેરી છે કે એન્ટિ-ફંગલ દવાઓ પણ તેના પર અસર કરતી નથી. આ ફંગસે છેલ્લાં પાંચ વર્ષમાં ભારત, પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકામાં પોતાનો ફેલાવો કરી દીધો છે. વેનેઝુએલા અને સ્પેનમાં બાળકોની એક હોસ્પિટલમાં પણ આ ફંગસ બહુ મોટી માત્રામાં ફેલાઈ ગયું છે. બ્રિટનના એક પ્રતિષ્ઠિત મેડિકલ સેન્ટરમાં પણ લોકોને આ ફંગસ ઈન્ફેક્શન લાગી જતાં યુનિટ બંધ કરી દેવું પડ્યું છે. તાજેતરમાં ફંગસ જીવાણુ અમેરિકાના ન્યૂ યોર્ક, ન્યૂ જર્સી અને ઇલિનોય પ્રાંતમાં પહોંચી ગયાં છે.

ઓરિસ એ દુનિયામાં વધતા ઈન્ફેક્શનનું એક નવું ઉદાહરણ છે. ઘણા દાયકાઓથી આરોગ્ય નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે એન્ટિ-બાયોટિક દવાઓના વધુ ઉપયોગથી આ ફંગસની અસર ઓછી થઈ રહી છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી એવી ફૂગ જોવા મળી છે, જેની સારવાર દવાઓથી શક્ય નથી. દવા વિરોધી આ ફૂગના ઉદભવ પર વૈજ્ઞાનિક સમીક્ષા લખનારા લંડનની ઈમ્પિરિયલ કોલેજના પ્રોફેસર મેથ્યુ ફિશર કહે છે કે, ’આ બહુ મોટી સમસ્યા છે. બેક્ટેરિયાની જેમ ફૂગે પણ આધુનિક દવાઓ સામે રક્ષણ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી લીધી છે.’

દવા પ્રતિરોધક જંતુને ’સુપરબગ’ કહેવાય છે. પરંતુ તેનાથી બધા લોકો મૃત્યુ નથી પામતા. તે નવજાત શિશુઓ, વૃદ્ધો, ધુમ્રપાન કરનારા, ડાયાબિટીસ અને સ્ટેરોઇડ લેતાં લોકો માટે જોખમી છે. આ લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, જો એન્ટિ-માઇક્રોબાયલ દવાઓનો બિનજરૂરી ઉપયોગ રોકવામાં ના આવ્યો અને નવી અસરકારક દવાઓ બનાવવામાં ન આવી તો તંદુરસ્ત લોકોમાં ઈન્ફેક્શન ફેલાવાનું જોખમ પણ રહેલું છે. એન્ટિ-બાયોટિક્સ અને એન્ટિ ફંગલ દવાઓ લોકોમાં ઈન્ફેક્શન રોકવા માટે જરૂરી છે.

પરંતુ હવે તો સામાન્ય બીમારીઓથી લઇને પાળતુ પ્રાણીની સારવારમાં પણ એન્ટિ બાયોટિક્સનો છૂટથી ઉપયોગ થવા લાગ્યો છે. એટલે સુધી કે લોકો ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના મેડિકલ સ્ટોરમાંથી ’ઓવર ધ કાઉન્ટર’ દવાઓ તરીકે એન્ટિ-બાયોટિક્સ ખરીદીને લેતા થઈ ગયા છે. ફૂગ વિરોધી દવાઓનો ઉપયોગ પાક અને છોડને વધુ ખરાબ થવાથી અટકાવવા માટે પણ થતો હોય છે. કેટલાક વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ફળો પર ફૂગનાશકોનો અનિયંત્રિત ઉપયોગ મનુષ્યમાં આ ફૂગનું પ્રમાણ વધારી રહ્યો છે.

અમેરિકી સરકારના સેન્ટર ફોર ડિસીઝ ક્ધટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)નું કહેવું છે કે, સાથે સંપર્કમાં આવતા લગભગ અડધા લોકો ૯૦ દિવસની અંદર મૃત્યુ પામ્યા હતા. હોસ્પિટલોમાં કારણે મોટાભાગે લોહીના પ્રવાહમાં ચેપના કિસ્સા નોંધાયા છે. ડોક્ટરોએ પહેલીવાર ૨૦૦૯માં જાપાનમાં એક મહિલાના કાનમાં ઈન્ફેક્શન જોયું હતું. સીડીસીના સંશોધકોનું પ્રથમ તારણ એ હતું કે, ઈન્ફેક્શન એશિયાથી શરૂ થઈને વિશ્વભરમાં ફેલાયું છે. પરંતુ જ્યારે એજન્સીએ ભારત, પાકિસ્તાન, વેનેઝુએલા, દક્ષિણ આફ્રિકા અને જાપાનના નમૂનાઓની તપાસ કરી ત્યારે એવું જાણવા મળ્યું કે તે કોઈ એક સ્થળેથી શરૂ નથી થયું. અનેક પ્રજાતિઓ છે.

બ્રિટિશ સરકારે એક અભ્યાસમાં નોંધ્યું હતું કે, જો દવાના પ્રતિબંધને અટકાવવા માટે કડક નીતિઓ બનાવવામાં ન આવી તો ઈ.સ. ૨૦૫૦ સુધીમાં વિશ્વભરમાં આવાં ઈન્ફેક્શનોથી એક કરોડ લોકોનાં મૃત્યુ થવાનું જોખમ રહેલું છે. યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનની મેડિકલ સ્કૂલના સંશોધકોએ અંદાજ લગાવ્યો છે કે, અમેરિકામાં દર વર્ષે ઈન્ફેક્શનથી ૧.૬૨ લાખ લોકો મૃત્યુ પામે છે. કોઈપણ દવાને ન ગણકારતાં આ ઈન્ફેક્શનથી વિશ્વમાં સાત લાખ લોકોનાં મૃત્યુ થઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.