ગાંધીનગર મહાપાલિકાના 11 બોર્ડની 44 બેઠકો માટે અને મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી કરવાની પ્રક્રિયા હાથ ધરાશે
રાજયની 6 મહાનગરપાલિકા, 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઐતિહાસીક સફળતા મળ્યા બાદ હવે ભાજપ ગાંધીનગર મહાપાલિકા ફતેહ કરવા માટેની પણ જોરશોરથી તૈયારી કરી રહ્યું છે. ગાંધીનગરનાં 11 વોર્ડની 44 બેઠકો માટે ઉમેદવારોની પસંદગી કરવા માટે આજે સાંજે 7 કલાકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ગાંધીનગર સ્થિત સરકારી નિવાસસ્થાને ગુજરાત પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. 44 બેઠકો માટે 440 જેટલા ઉમેદવારોએ ચૂંટણી લડવા માટે દાવેદારી સેન્સ પ્રક્રિયા દરમિયાન નિરિક્ષકો સમક્ષ રજૂ કરી છે. પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ નિરીક્ષકો દ્વારા ત્રણ-ત્રણ નામોની પેનલ રજૂ કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. હોળાષ્ટક ઉતરતાની સાથે જ ભાજપ પોતાના ઉમેદવારોના નામની સત્તાવાર ઘોષણા કરી દેશે.
ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી અને ત્યારબાદ તાજેતરમાં યોજાયેલી સ્થાનીક સ્વરાજયની ચૂંટણીમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની જોડીએ ભાજપને ઐતિહાસીક જીત અપાવી હતી. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે ભાજપે કેટલાક નિયમો નકકી કર્યા હતા. શરૂઆતમાં આ નિયમો થોડા આકરાલાગતા હતા પરંતુ ત્યારબાદ કાર્યકરો અને પ્રજાજનોએ આ નિર્ણયોએ વધાવી લીધા હતા. અને ભાજપની જાજરમાન જીત થઈ હતી.
રાજય ચૂંટણી પંચ દ્વારા આગામી 18મી એપ્રીલના રોજ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી છે.દરમિયાન તાજેતરમાં ભાજપના નિરીક્ષકો દ્વારા ચૂંટણી લડવા ઈચ્છુકોને સાંભળવા અને દાવેદારી સ્વીકારવા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. જેમા ગાંધીનગર મહાનગરપાલિકાની 18 વોર્ડની 44 બેઠકો માટે 440 દાવેદારોએ ઈચ્છા વ્યકત કરી હતી.
આજે ઉમેદવારો નકકી કરવા માટે સાંજે 7 કલાકે મુખ્યમંત્રી નિવાસ સ્થાને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનાં અધ્યક્ષ સ્થાને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઙઈ પટેલ સહિતના પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો હાજર રહેશે. નિરીક્ષકો દ્વારા બેઠક વાઈઝ ત્રણ ત્રણ નામોની પેનલ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે. ત્યારબાદ બોર્ડ દ્વારા ઉમેદવારોની પસંદગી અંગે આખરી નિર્ણય લેવામાં આવશે. હોળાષ્ટક ઉતરતાની સાથે જ ભાજપ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવશે.
આજે પાર્લામેન્ટરી બોર્ડ બેઠકમાં મોરવાહરફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પણ ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા પર હાથ પર લેવામાં આવશે. મોરવાહરફ બેઠકનાં અપક્ષ ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટનું નિધન થતા પેટા ચૂંટણી આવી છે.