- અમરેલી, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને મહેસાણા માટે ભાજપ ગમે ત્યારે ઉમેદવારોના નામ કરશે જાહેર
લોકસભાની આગામી ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોની અલગ-અલગ બે યાદીમાં ગુજરાતની 26 બેઠકો પૈકી 22 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. અમરેલી, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને મહેસાણા બેઠક માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા નથી. દરમિયાન આજે દિલ્હી દરબારનું તેડું આવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દિલ્હી ઉપડી ગયા હતા. આજે સાંજે મળનારી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં બેઠકમાં બંને હાજરી આપશે.
ઉમેદવારોની પ્રથમ યાદીમાં ભાજપ દ્વારા ગુજરાતની 15 બેઠકો માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે બીજી યાદીમાં 7 બેઠકો માટે ઉમેદવારો ઘોષિત કરવામાં આવ્યા છે. હજુ ચાર બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કરાયા નથી. જેમાં સૌરાષ્ટ્રની સુરેન્દ્રનગર, અમરેલી અને જૂનાગઢ બેઠક ઉપરાંત ઉત્તર ગુજરાતની મહેસાણા બેઠકનો સમાવેશ થાય છે. જો કે, ગુજરાતની 26 બેઠકો માટે ત્રીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન યોજાવાનું છે. 12 એપ્રિલના રોજ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્વ થયા બાદ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. જે 19મી એપ્રિલ સુધી ચાલશે. ભાજપ પાસે પર્યાપ્ત સમય છે. પરંતુ જલ્દીથી ઉમેદવારોના નામ જાહેર કરી ચૂંટણી પ્રચારમાં લાગી જવાની વ્યૂરચના ધરાવે છે. આજે સાંજે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે.
જેમાં ગુજરાતની ચાર સહિત અનેક બેઠકો માટે ઉમેદવારો નક્કી કરવા ભાજપ દ્વારા મનોમંથન કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દિલ્હી પહોંચી ગયા છે.
રાજકોટ બેઠક એન.સી.પી.ના ચરણે ધરશે કોંગ્રેસ: ચંદુ વઘાશીયાનું નામ ચર્ચામાં
ઇન્ડિયા ગઠબંધનના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા રાજકોટ લોકસભા બેઠક એન.સી.પી.ના ચરણોમાં ધરી દેવામાં આવે તેવી સંભાવના જણાઇ રહી છે. આ બેઠક પરથી એન.સી.પી. પૂર્વ ધારાસભ્ય ચંદુભાઇ વઘાશીયાને મેદાનમાં ઉતારે તેવી અટકળોએ હાલ જોર પકડ્યું છે. થોડા સમય પહેલા જ એન.સી.પી.માં સામેલ થયેલા ગોંડલના પૂર્વ ધારાસભ્ય ચંદુભાઇ વઘાશીયાને શરદ પવારની પાર્ટી દ્વારા પ્રદેશ પ્રમુખ બનાવી દેવામાં આવ્યા હતા. આ ઘટના બાદ રાજકીય સમિકરણો બદલાયા છે. એન.સી.પી.ના પ્રદેશ અધ્યક્ષ ચંદુ વઘાશીયાએ પણ રાજકોટ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની તૈયારી દર્શાવતા રાજકારણ ગરમાયું છે. જો કે, હજુ સુધી આ અંગે કોઇ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ એવી ચર્ચાએ જોર પકડ્યું છે. ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા સામે કોંગ્રેસના બદલે એન.સી.પી.ના ઉમેદવાર મેદાનમાં હશે. આગામી દિવસોમાં આ અંગે સત્તાવાર ઘોષણા કરવામાં આવશે.