સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ જોડાયા: રાજ્યસભાના ઉમેદવારો માટેની પેનલો રજૂ કરી દેવાય
ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકો માટે આગામી 24મી જુલાઇના રોજ ચૂંટણી યોજાવાની છે. ધારાસભ્યોની સંખ્યાના હિસાબે આ ત્રણેય બેઠકો ભાજપ જાળવી રાખશે તેમાં કોઇ શંકા નથી. કોંગ્રેસ ઉમેદવાર નહી ઉતારવાનો નિર્ણય લઇ લીધો હોવાનું નક્કી કરી લીધું છે. દરમિયાન આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ, સી.આર.પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકરજીની ત્રિપુટી દિલ્હી દરબારમાં પહોંચી ગઇ છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા દ્વારા આજે તમામ રાજ્યોના પ્રદેશ પ્રમુખ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી સાથે એક સંગઠન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સી.એમ. અને સી.આર.સામેલ થયા હતા ત્યારબાદ નડ્ડાએ તેઓની સાથે એક બીજી બેઠક યોજી હતી. જેમાં રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ઉમેદવારોની પસંદગી અંગે ચર્ચા કરવામાં આવી હતી. પ્રદેશ ભાજપ દ્વારા ઝોન વાઇઝ આગેવાનોના નામોનો સમાવેશ કરી ત્રણેય બેઠકો માટે બનાવેલી પેનલો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સમક્ષ રજૂ કરી દેવામાં આવી હતી.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા દ્વારા આજે સંગઠન બેઠક બોલાવવામાં આવી છે. જેમાં ભાગ લેવા માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકરજી સામેલ થયા હતા. લોકસભાની ચૂંટણીના આડે હવે માત્ર નવ મહિનાનો સમય બાકી રહ્યો હોય કેન્દ્રમાં સતત ત્રીજી વખત પૂર્ણ બહુમતી સાથે સરકાર બને તે માટે ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન આજે તમામ રાજ્યના પ્રદેશ અધ્યક્ષ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી સાથેની બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા દ્વારા તમામને હોમવર્ક આપી દેવામાં આવ્યુ છે.
સંગઠન બેઠક પૂર્ણ થયા બાદ સી.એમ. અને સી.આર. સાથે નડ્ડાએ અલગથી એક બેઠક યોજી હતી. જેમાં રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ઉમેદવારોની પસંદગી અંગે ચર્ચા કરાય હતી. સ્થાનિક લેવલે ત્રણ બેઠકો માટે બનાવવામાં આવેલી સંભવિતો નામોની પેનલ રજૂ કરવામાં આવી હતી. દરમિયાન આગામી 10મી જુલાઇના રોજ ગુજરાત પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. જેમાં ઉમેદવારોની પસંદગી અંગે વિચાર-વિમર્શ કર્યા બાદ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડને નામો મોકલવામાં આવશે. 13મી જુલાઇએ ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય ભાજપ દ્વારા 11 અથવા 12 જુલાઇના રોજ ઉમેદવારોના નામ જાહેર કરશે.
કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારો નહીં ઉતારે
રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારો નહી ઉતારવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાતમાં હાલ કોંગ્રેસ પાસે માત્ર 17 ધારાસભ્યો છે. એક બેઠક જીતવા માટે ઓછામાં ઓછા 45 ધારાસભ્યો જોઇએ. આવામાં કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારો ઉતારે તો પણ હાર નિશ્ર્ચિત જ છે. આવામાં પરાજય નિશ્ર્ચિત હોય કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર નહી ઉતારવાનો નિર્ણય લીધો છે.
13મી જુલાઇના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાની મુદ્ત પૂર્ણ થયા બાદ 17મી જુલાઇએ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભાજપના ત્રણેય ઉમેદવારોને બિનહરિફ જાહેર કરી દેવામાં આવશે.