શ્રેણીના નિર્ણાયક મેચમાં ભારતીય બેટ્સમેનોની નિષ્ફળતાને લઇ ભારતે શ્રેણી ગુમાવવી પડી!!
ભારતીય ક્રિકેટ ટીમની ગ્રેડ-એ ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે છે જે આગામી ૪ ઓગસ્ટથી ટેસ્ટ સિરીઝ રમનારી છે. ત્યારે બી-ગ્રેડ ટીમને શ્રીલંકા પ્રવાસે મોકલવામાં આવ્યા હતા જે લંકા સામે વન-ડે અને ટી-૨૦ સિરીઝ રમનારી હતી. ભારતીય ટીમમાં પ્રતિભાઓની કમી નથી તેવું વન-ડે સિરીઝ જીતીને બી-ગ્રેડ ટીમે સાબિત કરી બતાવ્યું હતું.
પરંતુ કૃણાલ પંડ્યા સંક્રમિત થતા તેની સાથે અન્ય ૮ સભ્યોને પણ ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા અને બી-ગ્રેડ ટીમમાં ફક્ત સી-ગ્રેડ ખેલાડીઓ જ બચ્યા હતા. સી-ગ્રેડ ટીમનું પ્રદર્શન ડી-ગ્રેડ કરતા પણ વધુ ખરાબ રહ્યું અને ટી-૨૦ સિરીઝ ભારતે શરમજનક રીતે ગુમાવવી પડી.
ભારત અને શ્રીલંકા વચ્ચે ટી-૨૦ સિરીઝની અંતિમ અને નિર્ણાયક મેચ રમાઇ હતી. ભારતીય કેપ્ટન શિખર ધવને ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. મોટો સ્કોર ખડકવાની યોજના નિષ્ફળ રહેતા, ભારતીય ટીમે ખરાબ શરુઆત કરી હતી. માત્ર ૮૧ રન ૨૦ ઓવરના અંતે કર્યા હતા. જેને શ્રીલંકન ટીમ ૧૪.૩ ઓવરમાં પાર કરી લેવામાં સફળ રહ્યુ હતુ.
સિરીઝને જીતવાના મોકા સાથે શ્રીલંકન બેટ્સમેન લક્ષ્યનો પિછો કરવા માટે મેદાને આવ્યા હતા. મક્કમ અને ધીમી શરુઆત કરી હતી. જોકે ૩૫ રનના સ્કોરમાં બંને ઓપનરોની વિકેટ શ્રીલંકાએ ગુમાવી દીધી હતી. જે બંને વિકેટ રાહુલ ચાહરે ઝડપી હતી. આવિષ્કા ફર્નાન્ડો ૧૨ રન ૧૮ બોલમાં કરીને વિકેટ ગુમાવી બેઠો હતો. મિનોદ ભાનૂકા એ ૨૭ બોલમાં ૧૮ રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો.
સદિરા સમરાવિક્રમાએ ૧૩ બોલમાં ૬ રન કર્યા હતા. ધનંજ્ય ડી સિલ્વાએ ૨૦ બોલમાં અણનમ ૨૩ રન કર્યા હતા. જ્યારે વાનિન્દુ હસારંગાએ ૯ બોલમાં ૧૪ રન અણનમ કર્યા હતા. આમ શ્રીલંકાએ ભારત સામેની શ્રેણીની શાનદાર રીતે જીતી લીધી હતી.
રાહુલ ચાહરે શાનદાર બોલીંગ કરી હતી. તેણે કરકસર ભરી બોલીંગની શરુઆત કરી હતી. તે ઓપનીંગ જોડીને તોડવા સાથે બંને ઓપનરોને પરત પેવેલિયન મોકલામાં સફળ રહ્યો હતો. રાહુલે ૪ ઓવર કરીને ૧૫ રન આપી ૩ વિકેટ ઝડપી હતી. તેણે ઓછા સ્કોર છતાં શ્રીલંકા પર દબાણ વધારી દીધુ હતુ. જોકે અન્ય બોલરો વિકેટ મેળવવામાં સફળ નહી રહેતા દબાણ લાંબો સમય ટકી શક્યુ નહોતુ. સંદિપ વોરિયર ખર્ચાળ બોલર સાબિત થયો હતો. તેણે ૭.૭૦ ઇકોનોમી થી ૩ ઓવર કરી હતી. વરુણ ચક્રવર્તીએ ૩ ઓવરમાં ૧૨ રન આપ્યા હતા. ભૂવનેશ્વર કુમારે ૨ ઓવરમાં ૯ રન આપ્યા હતા.
કેપ્ટન શિખર ધવનના રુપમાં જ ભારતે વિકેટ ગુમાવવાની શરુઆત કરી હતી. કેપ્ટન ધવન શૂન્ય રને જ વિકેટ ગુમાવી બેઠો હતો. દેવદત્ત પડીક્કલના રુપમાં ૨૩ રનના સ્કોર પર બીજી વિકેટ ગુમાવી હતી. ૨૪ રનના સ્કોર પર સંજૂ સેમસન અને ૨૫ રનના સ્કોર પર ઋતુરાજ ગાયકવાડની વિકેટ ગુમાવી હતી. આમ ભારત પ્રથમ ૫ ઓવરમાં જ ભારતે ૪ વિકેટ ગુમાવીને મુશ્કેલ સ્થિતી સર્જી દીધી હતી. ગાયકવાડે ૧૦ બોલમાં ૧૪ રન, પડિક્કલ ૧૫ બોલમાં ૯ રન અને સેમસન શૂન્ય રને આઉટ થયો હતો.
ભૂવનેશ્વર કુમાર અને કુલદીપ યાદવે ઇનીંગને સંભાળવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ ભૂવનેશ્વર ૩૨ બોલમાં ૧૬ રન કરીને આઉટ થયો હતો. રાહુલ ચાહર ૫ રન કરીને વિકેટ ગુમાવી બેઠો હતો. વરુણ ચક્રવર્તીએ શૂન્ય પર આઉટ થયો હતો. કુલદીપ યાદવે અણનમ ૨૩ રન, ૨૮ બોલમાં કર્યા હતા. ચેતન સાકરીયાએ અણનમ ૫ રન કર્યા હતા.