શહેરની ચેકીંગ ટુકડીને અંધારામાં રાખી ગ્રામ્ય ટુકડી ત્રાટકી
વીજ અધિકારીએ રૂ.૧૨.૧૩ લાખનું બીલ ફટકાર્યું
જામનગર દિ.પ્લોટના છેડે ઉદ્યોગનગર વિસ્તારમાંથી વીજ તંત્રના ચેકીંગ દરમિયાન એક કારખાનામાં મીટરને બાયપાસ કરી વીજ ચોરી આચરવામાં આવતી હોવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. સ્થાનિક અધિકારીઓને અંધારામાં રાખીને ગ્રામ્ય વિસ્તારની ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરાતાં વીજ ચોરી થતી હોવાનું માલુમ પડ્યું હતું. ઉદ્યોગકારને રૃા. ૧ર.૧૩ લાખનું પુરવણી બીલ અપાયું છે અને પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
જામનગરમાં દિ.પ્લોટ શેરી નં. ૪૯ ના છેડે ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા જયુ બ્રાસ ઈન્ડસ્ટ્રી નામના એક કારખાનામાં વીજ મીટર સાથે ચેડાં કરી મોટા પ્રમાણમાં વીજ ચોરી આચરવામાં આવતી હોવાની માહિતીના આધારે વીજ અધિક્ષક રાડા દ્વારા સ્થાનિક વીજ ટુકડીને અંધારામાં રાખીને ગ્રામ્ય વિસ્તારની ટૂકડીને મોકલવામાં આવી ગઈકાલે સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવ્યું હતું.
જામનગરના શહેર (ર) વિભાગના જીઆઈડીસી સબ ડિવિઝનના અધિકારીઓને જાણ કર્યા વગર ગ્રામ્ય વિસ્તારની ટૂકડી દ્વારા ઉપરોક્ત કારખાનામાં ચેકીંગ હાથ ધરવામાં આવતા ર૪ હજાર વોટનું વીજ ભારણ ધરાવતા આ એકમમાં મોટા પ્રમાણમાં વીજ ચોરી થતી હોવાનું માલુમ પડ્યું હતું. વીજ મીટર સાથે ચેડાં કરી બાયપાસ કરીને પાવર ચોરી કરવામાં આવી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ચેકીંગ ટૂકડી દ્વારા અંદાજે (ર૯.રરપ કે.ડબલ્યુ.) વોટ પ્રમાણે વીજ ચોરીનું એસેસમેન્ટ કરવામાં આવ્યું અને રૃા. ૧ર,૧૩,૧૩૬.પ૦ નું પુરવણી બિલ આપવામાં આવ્યું છે. સરપ્રાઈઝ ચેકીંગને લઈને ઉદ્યોગનગર વિસ્તારના કારખાનેદારોમાં ફફડાટ મચી ગયો છે. ઉપરાંત સ્થાનિક વીજ તંત્રની ટૂકડીમાં પણ દોડધામ મચી ગઈ છે. વીજ ચોરીના મામલે કારખાનેદાર રોગનઅલી યાકુબઅલી સામે જામનગરના વીજ પોલીસ મથકમાં વીજ ચોરી કરવા અંગે ગુન્હો નોંધાવવામાં આવ્યો છે.