રાજુલા, માળીયા મિંયાણા, સાયલા, ખંભાળીયા અને છાયા પાલિકાની ખાલી પડેલી છ બેઠકો અને જૂનાગઢ મહાપાલિકાના વોર્ડ નં.૩ની એક બેઠક માટે ૨૨મીએ મતદાન: ૩૦મી સપ્ટેમ્બરે ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ
દિવાળીના તહેવારોમાં જ સૌરાષ્ટ્ર રાજ્યભરમાં પેટા ચૂંટણીના ઢોલ ઢબુકયા છે. વિધાનસભાની ખાલી પડેલી ૭ પૈકી ૬ બેઠકો માટે આગામી ૨૧મી ઓકટોબરના રોજ પેટા ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે. દરમિયાન ગઈકાલે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા ત્રણ મહાનગરપાલિકા અને ૭ નગરપાલિકાઓની ખાલી પડેલી ૧૭ બેઠકો માટે પેટા ચૂંટણીની તારીખનું એલાન કર્યું છે. સૌરાષ્ટ્રની પાંચ નગરપાલિકાઓની છ બેઠકો અને જૂનાગઢ મહાપાલિકાના વોર્ડ નં.૩ની એક બેઠક માટે આગામી ૨૨ ઓકટોબરના રોજ મતદાન યોજાશે. ચૂંટણીનું જાહેરનામુ આગામી ૩૦મી સપ્ટેમ્બરના રોજ પ્રસિધ્ધ થશે. ચૂંટણીની તારીખો જાહેર તાંની સાથે જ તમામ સ્થળે આદર્શ આચારસંહિતા લાગુ થઈ જવા પામી છે.
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગઈકાલે મહાપાલિકા અને નગરપાલિકાઓમાં ખાલી પડેલી બેઠકો માટે પેટા ચૂંટણીની તારીખનું એલાન કર્યું છે. તાજેતરમાં યોજાયેલી મહાપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં.૩ની એક બેઠક માટે તમામ ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા જેના કારણે આ બેઠકની ચૂંટણી થઈ શકી ન હતી. હાલ જૂનાગઢ મહાપાલિકાની ૫૯ બેઠકો પૈકી ૫૪ બેઠકો ભાજપ પાસે છે. ૪ બેઠક એનસીપી પાસે છે અને ૧ બેઠક કોંગ્રેસ પાસે છે એટલે આ પેટા ચૂંટણીનું પરિણામ સત્તાના સમીકરણો પર કોઈપણ પ્રકારની અસર કરે તેમ નથી.
જૂનાગઢ મહાપાલિકા ઉપરાંત સૌરાષ્ટ્રની પાંચ નગરપાલિકાની છ બેઠકો માટે પેટા ચૂંટણી યોજાશે. જેમાં છાયા નગરપાલિકાની વોર્ડ નં.૬ની એક બેઠક માટે રાજુલા નગરપાલિકાના વોર્ડ નં.૭ની એક બેઠક માટે, માળીયા મિયાણા નગરપાલિકાના વોર્ડ નં.૨ની એક બેઠક માટે, જામખંભાળીયા નગરપાલિકાના વોર્ડ નં.૬ની એક બેઠક માટે થતા સલાયા નગરપાલિકાના વોર્ડ નં.૧ની બે બેઠકો માટે ચૂંટણી યોજાશે. ચૂંટણીનું જાહેરનામુ આગામી ૩૦મી સપ્ટેમ્બરના રોજ પ્રસિધ્ધ તાંની સો જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૫ ઓકટોબર રહેશે. જ્યારે ઉમેદવારી પત્રકની ચકાસણી ૭ ઓકટોબરના રોજ કરવામાં આવશે. ૯ ઓકટોબર સુધીમાં ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે. ૨૨મી ઓકટોબરના રોજ સવારે ૮ થી લઈ સાંજના ૫ વાગ્યા સુધી મતદાન હાથ ધરવામાં આવશે. જો પુન: મતદાન કરવાની ફરજ પડશે તો ૨૩મી ઓકટોમબરે મતદાન યોજાશે. ૨૪ ઓકટોબરના રોજ તમામ બેઠકો માટે મત ગણતરી હા ધરવામાં આવશે અને બપોર સુધીમાં પરિણામ જાહેર થઈ જશે.
રાજ્યની ખાલી પડેલી વિધાનસભાની ૭ પૈકી ૬ બેઠકો માટે આગામી ૨૧મી ઓકટોબરે જયારે મહાપાલિકા અને નગરપાલિકાની ખાલી પડેલી બેઠકો માટે ૨૨ ઓકટોબરે મતદાન યોજાવાનું છે. દિવાળી ૨૭મી ઓકટોબરના છે. આવામાં દિવાળીનો તહેવાર સમયે જ રાજ્યભરમાં પેટા ચૂંટણીનો ધમધમાટ ચાલુ રહેશે.